તમે વારંવાર બીમાર પડતાં હો, શરદી, ઉધરસની ફરિયાદ કાયમ રહેતી હોય તો એ કમજોર રોગપ્રતિકારકશકિતનો સંકેત છે.
ઓછું કે વધારે વજન, તનાવ, અનિદ્રા, શરીરમાં પોષક તત્ત્વોની ઊણપ, ખરાબ લાઇફ સ્ટાઇલ વગેરે રોગપ્રતિકારક – શકિત ઓછી હોવાનાં કારણો હોઇ શકે. અહીં જણાવેલા ઉપાય એને મજબૂત કરવામાં મદદ કરી શકે.
એક કપથી થોડા વધારે પાણીમાં એક ટીસ્પૂન વાટેલું આદુ અને ચપટી હળદર નાંખી ઢાંકણું ઢાંકી ત્રણ મિનિટ ઉકાળો પછી ગાળીને પીઓ.
એક ટીસ્પૂન મધમાં બે કળી લસણ વાટી મિકસ કરો. રોજ સવાર-સાંજ એ ખાવાથી રોગપ્રતિકારક શકિત વધશે.
દિવસના ઓછામાં ઓછું એક વાર દહીં ખાવ. એમાં તાજાં ફળો, મધ અને ખાંડ મિકસ કરી શકાય.
રોજ ૧/૨ ટીસ્પૂન આમળા પાઉડરમાં એક ટીસ્પૂન મધ મિકસ કરી ખાવાથી રોગપ્રતિકારક શકિત વધે છે.
બે કીવી છોલી સમારો. એના પર મરી ભભરાવી રોજ સવારે નાસ્તામાં ખાવ.
૧/૨ ટીસ્પૂન અજમો, ૫ તુલસીનાં પાન, ૧/૨ ટીસ્પૂન મરી પાઉડર એક ગ્લાસ પાણીમાં ઉકાળો. પાણી હૂંફાળું થાય એટલે એમાં ૧ ટીસ્પૂન મધ મિકસ કરો. ઓછી ઇમ્યુનિટીવાળા લોકો અઠવાડિયે એક વાર એ પી શકે.
રોજ રાત્રે દૂધમાં એક ટીસ્પૂન મધ અને ચપટી હળદર મિકસ કરી પીવાથી રોગપ્રતિકારકશકિત વધે છે.
તુલસી, તજ, સૂંઠ અને મરી પાઉડર નાખી બનાવેલી હર્બલ ટી દિવસના એક વાર પીવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે.
દિવસના બે-ત્રણ વાર ગ્રીન ટી પીઓ. રોજ ૮-૧૦ બદામ ખાવ. લીંબુ, સંતરાં, મોસંબી, આમળા, ગાજર, પાલક, બીટ જેવાં વિટામિન સી અને આયર્નયુકત ફળ-શાકભાજી ખાવ. રોજ ઓછામાં ઓછા ૩૦ મિનિટ તડકામાં વિતાવો.