નારદ ઋષિએ શરૂઆતમાં તો ધ્રુવને તપ કરવા માટે કશું પ્રોત્સાહન ન આપ્યું, પણ જયારે જોયું કે ધ્રુવ તો પોતાના નિશ્ચયમાં અડગ છે અને તેની માતા સુનીતિએ વિષ્ણુભકિતનો જે માર્ગ બતાવ્યો તે જ માર્ગે તે ચાલવા માગે છે ત્યારે તેમણે ધ્રુવને આશીર્વાદ આપ્યા. તેમણે ધ્રુવને યમુના કાંઠે આવેલા મધુવનમાં જવા કહ્યું. નદીમાં ત્રણ વખત સ્નાન કરીને તપ કરવા બેસવું અને પ્રાણાયામથી આરંભ કરવો. આપણા બધા જ પ્રાચીન ગ્રંથોમાં પ્રાણાયામ, ધ્યાન, સમાધિનો મહિમા કરવામાં આવ્યો છે.
કવિઓ જે સર્જન કરે છે તે પણ એક પ્રકારનું તપ છે, એટલે સ્નાન વગેરેથી પવિત્ર થઇને જ સર્જનમાં પ્રવૃત્ત થવું એમ કહેવામાં આવ્યું છે. જો કે અર્વાચીન કાળમાં કોઇ સર્જક આવું પાલન કરતો હોય એમ લાગતું નથી. નારદ માત્ર આટલું કહેતા નથી, તેઓ ધ્રુવની આગળ વિષ્ણુ ભગવાનનું અસામાન્ય રૂપ વર્ણવે છે. આપણા કોઇ દેવને કુરૂપ કલ્પ્યા નથી. પરાપૂર્વથી વિષ્ણુ ભગવાન કે પછી કૃષ્ણ ભગવાનનું આ રૂપ લગભગ બધાએ વર્ણવ્યું છે. જે નેત્રને પ્રસન્ન કરે તે પછી ચિત્તને પણ પ્રસન્ન કરે. માનવીને સૌથી મોટી જરૂરિયાત નીતિના માર્ગે ચાલવાની છે, ષડરિપુઓથી દૂર રહેવાની છે અને એટલે જ પોતાનાથી ચઢિયાતા માનવીઓની ઇર્ષ્યા કરવાને બદલે પ્રસન્ન રહેવાની છે. ઇર્ષ્યાને કારણે કેટલાં બધાં દુ:ખ આવી ચઢતાં હોય છે તે કોણ નથી જાણતું?
હવે આપણને પ્રશ્ન થાય કે ધ્રુવની જેમ એક પગે ઊભા રહીને ભગવાનનું તપ કેટલા કરી શકે? આપણે આપણું કામ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી કરીએ એ જ તપ નથી? સત્ય, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા ગુણ જેણે કેળવ્યા હોય તેને સ્થૂળ તપ કરવાની કશી જરૂર ખરી?ધ્રુવને ઉપદેશ આપીને નારદ કયાં જાય છે? આ ઋષિનું વ્યકિતત્વ થોડું વિચિત્ર તો છે જ, હવે ધ્રુવના પિતા ઉત્તાનવાદની શી હાલત થઇ તે જાણવાનું મન થયું એટલે તેઓ પહોંચ્યા રાજા પાસે. ધ્રુવને દેશવટો આપ્યા પછી તેમની હાલત ખરાબ થઇ ગઇ હતી. પાંચ વરસના બાળકને ઘરની બહાર કાઢી મૂકયાનું દુ:ખ હવે વરતાય છે. પોતે સ્ત્રીનો દાસ બની ગયો તે પણ કબૂલે છે. નારદ મુનિ તેમને ધીરજ બંધાવે છે. ભગવાનની ભકિત પૂરી કરીને ફરી તે મહેલમાં પાછો ફરશે એવું આશ્વાસન પણ આપે છે. રાજા પણ પ્રાયશ્ચિત્ત રૂપે ભગવાનની ઉપાસના કરવા માંડે છે, શરીરને ખૂબ કષ્ટ પણ આપે છે.
બીજી બાજુ ધ્રુવ પણ પોતાની રીતે ભગવાનની ભકિત કરવા માંડે છે. પાંચ પાંચ મહિના સુધી તેની સાધના અવિરત ચાલતી રહે છે અને છઠ્ઠે મહિને તો તેના તપના પ્રભાવથી ત્રણે લોક કાંપી ઊઠયા. ભકિતનો પ્રભાવ લોકો ઉપર પાડવા આવું આલેખન કરવું આપણી બધી જ પ્રાચીન કથાવાર્તાઓમાં જોવા મળે છે અને આવા ઘોર તપથી સૌથી વધુ ભય લાગે ઇન્દ્રને. તેમને પોતાની સત્તા ચાલી જશે એનો ડર બહુ, એટલે જ કોઇ તપ કરતું હોય તેનો તપોભંગ કરવા સ્વર્ગની અપ્સરાઓને મોકલે.ધ્રુવના તપથી ત્રસ્ત થયેલાં લોકો વિષ્ણુ ભગવાન પાસે ગયાં, ભગવાન તો આશ્વાસન આપવાના પછી ભગવાન ધ્રુવ જયાં તપ કરતો હતો ત્યાં જઇ ચઢે છે. પોતાના પવિત્ર શંખથી ધ્રુવને સ્પર્શ કર્યો અને ધ્રુવ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ભગવાન પ્રસન્ન થઇને ધ્રુવને જે જોઇતું હતું તે બધું આપે છે. હવે ભગવાન તેને જે ભવિષ્ય કહે છે તે સાંભળવા જેવું-જાણવા જેવું છે. તારા પિતા તને રાજપાટ સોંપીને વનમાં જશે, તારો ભાઇ શિકાર કરવા જશે અને ત્યાં તે મૃત્યુ પામશે. તેની મા સુરુચિ પુત્રપ્રેમમાં પાગલ થઇને દાવાનળમાં ભસ્મ થઇ જશે.
હવે આવું ભવિષ્ય શા માટે? કૈકેયી જેવી કૈકેયીએ પણ પાછળથી તો રામનાં ઓવારણાં લીધાં હતાં. રાજાએ ઉત્તમને પોતાના ખોળામાં બેસાડયો એમાં નાના પુત્રનો કયો વાંક? સુરુચિનું હૃદયપરિવર્તન વધારે ઇચ્છનીય ગણાય? ઇશ્વરી ન્યાય આ રીતે સિધ્ધ કરવાની કઇ અનિવાર્યતા? રાજાના કાને સમાચાર પડયા કે ધ્રુવ તપ પૂરું કરીને પાછો આવી રહયો છે એટલે તેનું ભવ્ય સ્વાગત કરવા જાય છે. યૌવનપ્રાપ્તિ પછી ધ્રુવ બે સ્ત્રીઓને પરણે છે અને કોઇ યક્ષે પોતાના ભાઇની હત્યા કરી એવા સમાચાર સાંભળીને યક્ષો પર આક્રમણ કરે છે, પછી તો ઘોર યુદ્ધ થાય છે. યક્ષોનો ભારે સંહાર થાય છે ત્યારે મનુ ભગવાન આવીને ધ્રુવને જે કહે છે તે કોઇ પણ સ્થળે, કોઇ પણ સમયે જાણવા જેવું-સમજવા જેવું સ્વીકારવા જેવું.
કોઇ એક યક્ષે ઉત્તમની હત્યા કરી અને એને શિક્ષા કરવા માટે એ યક્ષનો વધ થાય તે બરાબર, પણ આ નિમિત્તે હજારો યક્ષોની હત્યા થાય એ કેમ ચલાવી લેવાય? ભગવાનના ભકત થઇને આવું કાર્ય થઇ જ ન શકે. આમ એક સામેનું વેર અનેક સામેના વેરમાં રૂપાંતરિત થવું ન જોઇએ. એ સાવ સાદીસીધી વાત મનુ ભગવાને કરી.