Columns

કાર્તિક આર્યન કેટલી ફિલ્મોને ગુડબાય કરશે?

શું કાર્તિક આર્યને અત્યારની સ્થિતિમાં પોતાની કારકિર્દી માટે કોઇ અનુભવીનું માર્ગદર્શન લેવાની જરૂર છે? એવો સવાલ થવાનું કારણ એ છે કે કાર્તિકે ટૂંકા સમયમાં બે મોટી ફિલ્મો ગુમાવી છે. કરણ જોહરની ‘દોસ્તાના ૨’ પછી શાહરૂખ ખાનની ‘ગુડબાય ફ્રેડી’ માંથી નીકળી ગયો છે. અત્યારે બોલિવૂડમાં કાર્તિક વિશે જેટલાં મોં એટલી વાતો સાંભળવા મળી રહી છે. નવાઇની વાત એ છે કે બંને ફિલ્મોના નિર્માતા કે ખુદ કાર્તિક તરફથી આ અંગે કોઇ અધિકૃત જાહેરાત થઇ નથી પરંતુ બધી વાતો કાર્તિકની વિરૂધ્ધમાં જઇ રહી હોવાથી નેપોટિઝમની ચર્ચા વધી છે.

કાર્તિક બે ફિલ્મોમાંથી નીકળી ગયો એમાં સ્ક્રિપ્ટ ઉપરાંત હીરોઇન સામે તેને વાંધો હોવાની ખબર બધી વાતોમાં સામાન્ય રહી છે. ‘દોસ્તાના ૨’ માં કાર્તિકને જ્હાનવી કપૂર માટે વાંધો હતો જ્યારે ‘ગુડબાય ફ્રેડી’ માં હીરોઇન કેટરિનાના સ્થાને બીજી હીરોઇન માટે તે આગ્રહ કરી રહ્યો હતો. એક ખબર મુજબ કાર્તિકને ભય હતો કે લવસ્ટોરીવાળી આ ફિલ્મમાં કેટરિનાની જોડી તેની સામે જામી શકે એમ નથી. પડદા પર તે ઉંમરમાં તેનાથી મોટી દેખાય એમ છે. તે સ્ક્રિપ્ટથી સંતુષ્ટ ન હતો અને નિર્દેશક અજય બહલને બદલવા માગતો હતો. કાર્તિકે ‘ગુડબાય ફ્રેડી’ની સાઇનિંગ એમાઉન્ટ પાછી આપી દીધી હોવાથી એનો વિવાદ થવો જોઇતો ન હતો. ટ્રેડ એનાલિસ્ટો માને છે કે કલાકારો ફિલ્મો છોડી દે કે એમને બદલવામાં આવે એ મોટી વાત નથી. કાર્તિકની ચર્ચા જરૂરથી વધુ થઇ રહી છે. આવી વાતોથી તેની કારકિર્દીને નુકસાન થઇ શકે છે. તેની સોલો હીરો તરીકેની છેલ્લી ફિલ્મ ‘લવ આજ કલ’ ફ્લોપ રહ્યા પછી ‘ધમાકા’ માટે સૌથી વધુ રૂપિયા લીધા હોવાની ખોટી વાત ઉડાવવામાં આવી હતી. કાર્તિક સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવાનો હોવાની વાત ફેલાવવામાં આવી ત્યારે ભણશાલીએ એ ખબર ખોટી હોવાનો ખુલાસો કર્યો હતો. કરણ જોહરની ‘દોસ્તાના-૨’નું ઘણું શુટિંગ થઇ ગયું હોવાથી મોટું નુકસાન થતાં તેને પોતાના પ્રોડક્શનમાં ફરી ક્યારેય ન લેવાનું નક્કી કર્યું હોવાના અહેવાલ હતા. તેની પાછળ કારણ એવું અપાયું હતું કે કાર્તિકની પ્રચાર ટીમ તે ધર્મા પ્રોડકશનની બીજી ફિલ્મો સાઇન કરી રહ્યો હોવાના ખોટા સમાચાર ફેલાવી રહી હતી. આનંદ એલ. રાયની ફિલ્મ બાબતે એવું જ બન્યું છે તેથી કાર્તિકની પ્રચાર ટીમ પર શંકા વધી રહી છે. આનંદ રાયે ખુલાસો કરી દીધો છે કે તેમણે કાર્તિકને પોતાની કોઇ ફિલ્મ માટે સાઇન કર્યો નહોતો. ત્રણ મહિના પહેલાં તે કોઇ કારણથી રાયને મળવા ગયો ત્યારે એવી વાત ઉડાવવામાં આવી હતી કે તેમની ફિલ્મ કરવાનો છે.

કાર્તિક સફળ થયા પછી સોશ્યલ મીડિયામાં સક્રિય રહ્યો છે ત્યારે તેને પોતાની ફિલ્મો પર વધારે ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી રહી છે. તેની પાસે અત્યારે હાથ પર સોલો હીરો તરીકેની એકમાત્ર ફિલ્મ ‘ભુલભુલૈયા-૨’ છે. કાર્તિકને બોલિવૂડમાં વિચાર કર્યા વગરની કેટલીક ભૂલ નુકસાન પહોંચાડી શકે છે. કાર્તિકની જેમ અર્જુન કપૂર અભિનયને બદલે બીજાં કારણોથી ચર્ચામાં રહે છે. તે મલાઇકા અરોરા સાથેના સંબંધને કારણે વધારે ચર્ચામાં રહેતો હોવાથી તેની ઓટીટી પર રજૂ થયેલી ફિલ્મ ‘સરદાર કા ગ્રાન્ડસન’ ની ખાસ નોંધ લેવામાં આવી નથી. તેણે મલાઇકાના ઘર નજીક પાડોશી બનવા નવો ફ્લેટ ખરીદ્યો એના સમાચાર તેની નવી ફિલ્મના રીવ્યુ કરતાં વધુ જગ્યાએ વાંચવા મળ્યા છે. નિર્દેશક કાશવી નાયરે અર્જુનની ફિલ્મો લગાતાર ફ્લોપ થઇ રહી હોવા છતાં તેને હીરો બનાવવાનું જોખમ લીધું હતું. અર્જુન પહેલી ફિલ્મથી ‘સરદાર કા ગ્રાન્ડસન’ સુધી અભિનયમાં કોઇ પ્રગતિ કરી શક્યો નથી.

છેલ્લી ‘સંદીપ ઔર પિંકી ફરાર’ પણ નિરાશ કરી ગઇ હતી. દસ વર્ષ પછી પણ અર્જુન સફળતા પર નિશાન તાકી શક્યો નથી. તે ફિલ્મોની પસંદગીમાં થાપ ખાઇ રહ્યો છે. કાશવીએ અલજજીરા ચેનલની એક ડોક્યુમેન્ટ્રી ‘ગોઇંગ બેક ટુ પાકિસ્તાન’ પરથી બનાવેલી સવા બે કલાકની ફિલ્મ ઘણી લાંબી લાગી એ પરથી સમજી શકાશે કે તેની વાર્તા કેટલી ધીમી ચાલતી હશે. ફિલ્મની વાર્તામાં એવા કોઇ વળાંક નથી કે દર્શકને રોમાંચનો અનુભવ થાય. અર્જુન જ નહીં રકુલપ્રીત સિંહ કે નીના ગુપ્તાનાં પાત્રો એટલાં દમદાર નથી કે ફિલ્મને ચલાવી શકે. અર્જુન-રકુલની જોડી જામતી નથી. એટલું જ નહીં ફિલ્મમાં એમની લવસ્ટોરીમાં દમ પણ નથી.

Most Popular

To Top