Business

મિશ્ર ઋતુમાં સ્વાસ્થ્યની જાળવણી માટે ખાનપાનમાં શું ફેરફાર કરશો?

હવે સવારે અને રાત્રે ઠંડી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. તો  વળી, બપોરે ખૂબ ગરમી લાગે છે. સાંજે ક્યારેક છૂટાંછવાયાં વરસાદી ઝાપટાં પડીને લગ્નસરાની મજા બગાડી રહ્યાં છે! આ પ્રકારની મિશ્ર ઋતુમાં શરદી, કફ, માથાનો દુખાવો જેવી તકલીફો વધવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવો, અહીં જાણીએ કે  ખોરાકમાં કેવા સુધારાવધારા કરી શરીરની ગરમીને યથાવત્ રાખી શકાય અને ઋતુઓને સારા સ્વાસ્થ્ય સાથે માણી શકાય!  આ પ્રકારની ઋતુઓની ભેળસેળ આપણા શરીરના સિગ્નલ ખોરવીને આપણી રોગપ્રતિકારકશક્તિમાં ઘટાડો કરે છે અને આળસમાં વધારો કરે છે. તો કેવા પ્રકારનો ખોરાક શરીરને માંદગીથી બચાવે તે જોઈએ.

પ્રવાહીનું સેવન અનિવાર્ય

  શરીરમાં ઊર્જાનું વહન એક કોષથી બીજા કોષમાં પ્રવાહી દ્વારા થતું હોય છે. એથી ઠંડા વાતાવરણમાં શરીરને ગરમ રાખવા મટે પૂરતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવું. શિયાળામાં આમ પણ તરસ ઓછી લાગતી હોય છે. આવા સંજોગોમાં જો પ્રવાહીનું સેવન ઓછું કરવામાં આવે તો શરીરમાં ઊર્જાનું વહન યોગ્ય પ્રકારે થતું નથી અને શરીર ઠંડીનો સામનો ન કરી શકતાં ‘હાઇપોથરમિયા’ની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. એ ન થાય તે માટે દિવસના ઓછામાં ઓછું ત્રણ લિટર જેટલું પાણી અને એ ઉપરાંત દૂધ, નીરો, લીંબુપાણી જેવાં નૈસર્ગિક પીણાંઓ યોગ્ય માત્રામાં લેવાં જોઈએ.

ફળોનું સેવન 

આ ઋતુમાં જાતભાતનાં ફળો મળવાની શરૂઆત થઈ ગઈ છે. અહીં દિવસ દરમ્યાન વિવિધ રંગનાં ફળોનું ઓછામાં ઓછું ત્રણ વાર સેવન કરવાથી શરીરમાં સારી માત્રામાં વિટામિન્સ અને ખનીજતત્ત્વોનો સંગ્રહ કરી શકાય છે જેના દ્વારા રોગપ્રતિકારકશક્તિમાં વધારો થાય છે અને મિશ્ર ઋતુમાં રોગ ઉત્પાદક જીવાણું અને વિષાણુઓનો સામનો કરી શકાય છે.

હેલ્ધી ફેટના પ્રમાણમાં ઉમેરો

 ઘરનું બનેલું ઘી, પિનટ બટર, કોપરેલ, ઓલિવ ઓઈલ, તલનું તેલ અથવા અનરિફાઇન્ડ ( ઘાણીનું તેલ)  શીંગતેલ. આ બધાં પ્રાકૃતિક ફેટ ધરાવતાં ખાદ્યપદાર્થો વિટામિન એ, ડી, ઈ અને કે નું શરીરમાં સારા પ્રમાણમાં  અધિશોષણ કરે. વિટામિન ડીની ઊણપ આવી ઋતુમાં  ડિપ્રેશનનું કારણ બની શકે. એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિએ દિવસ દરમ્યાન ૧૫ ગ્રામ જેટલી ફેટ ( ૩- ચમચી તેલ/ ઘી) તેના રોજિંદા ખોરાકમાં સામાન્ય સંજોગોમાં લેવી જોઈએ. શિયાળામાં આ જરૂરિયાત વધી ને ૪ ચમચી થાય છે પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે તળેલી વાનગી મન ફાવે તેમ આરોગવી, કારણ તે કોલેસ્ટોરોલમાં વધારો કરી શકે.

આખા ધાન્યનો વધુ ઉપયોગ કરવો

 આ પ્રકારની ઋતુમાં પાચન મંદ પડી શકે છે. તો આ ઋતુમાં ઘઉં, ચોખા, મેંદાને બદલે જુવાર, બાજરી, રાગી, કોદરી, ઓટ્સ જેવા આખા ધાન્યનો ઉપયોગ વધુ કરવો. આ ધાન્યો રેષાથી ભરપૂર હોય તેના પાચનતંત્ર માટે ખૂબ ફાયદાકારક રહે છે.

કંદમૂળ

 શિયાળામાં વારંવાર ભૂખ લાગતી હોવાનું અનુભવાય છે. આવા સંજોગોમાં કંદમૂળ એ સૌથી સારો ઓપ્શન છે. કંદમૂળ ભરપૂર પ્રમાણમાં ખનીજ તત્ત્વો ધરાવે અને હેલ્ધી લોંગ એક્ટિંગ કાર્બોહાઈડ્રેટ ધરાવે જે જઠરને જલ્દી ખાલી થતાં અટકાવે છે અને વારંવાર ભૂખ લાગતી નથી. રતાળુ, શક્કરિયાં, ગાજર જેવાં કંદમૂળોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી શકાય. ( ડાયાબિટીસ હોય તો ડાયેટિશ્યનની સલાહ મુજબ સેવન કરવું)

તેલીબિયાંનું સેવન

 શીંગ, તલ જેવાં તેલીબિયાંઓનો શિયાળામાં પાક ઊતરે. તાજાં તેલીબિયાં વિટામિન બી -૩ નાયાસીન, વિટામિન ઈ અને મેગ્નેશિયમનાં સ્ત્રોત છે. વિટામિન બી -૩ એ ત્વચાના સ્વાસ્થ્ય માટે અત્યંત અનિવાર્ય છે. જ્યારે વિટામિન ઈ એન્ટી ઓક્સિડન્ટ હોઈ લોહીને શુદ્ધ કરે છે. ઉત્તરાયણ પર ખવાતી ચીકી એટલે આખા વર્ષ માટેના વિટામિન બી -૩  અને ઇ નો સંગ્રહ.
તો આવો, આ મિશ્ર ઋતુમાં યોગ્ય આહાર દ્વારા માંદગીથી બચીએ.

Most Popular

To Top