World

કોણ હતો હિઝબુલ્લાહનો વડો હસન નસરરલ્લાહ, નસરલ્લાહના મૃત્યુ પછી આગળ શું?

ઈઝરાયેલે જાહેરાત કરી છે કે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહનું અવસાન થયું છે. ઇઝરાયેલી સૈન્ય IDFએ શનિવારે જાહેરાત કરી હતી કે નસરાલ્લાહ શુક્રવારે બેરૂતમાં હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. ગઈકાલે ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર જોરદાર હુમલો કર્યો હતો. ઈઝરાયેલની સેનાએ હેડક્વાર્ટરને નિશાન બનાવીને હિઝબુલ્લાના વડા સૈયદ હસન નસરાલ્લાહને મારવાનો પ્રયાસ કર્યો હતો અને હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નસરાલ્લાહનું મોત થઈ ગયું છે. હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહ છેલ્લા ત્રણ દાયકાથી લેબનીઝ સશસ્ત્ર જૂથનું નેતૃત્વ કરી રહ્યો હતો જે તેને દક્ષિણ એશિયાના સૌથી શક્તિશાળી અર્ધલશ્કરી જૂથોમાંનું એક બનાવે છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં વિશ્વભરના નેતાઓ એકઠા થયા છે. જનરલ એસેમ્બલીમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હિઝબુલ્લાહને અપમાનિત કરવાની ચેતવણી આપી હતી અને તેના પછી મોટા હુમલાના સમાચાર આવ્યા હતા. ઇઝરાયલી મીડિયાએ જણાવ્યું કે હુમલાનું નિશાન નસરાલ્લાહ હતો અને હુમલા સમયે તેઓ હેડક્વાર્ટરના વિસ્તારમાં હતો.

હસન નસરાલ્લાહ કોણ હતો?
64 વર્ષીય નસરાલ્લાહના નેતૃત્વમાં હિઝબુલ્લાએ ઈઝરાયેલ સામે અનેક યુદ્ધો લડ્યા હતા. નસરાલ્લાહે પડોશી સીરિયાના સંઘર્ષમાં પણ ભાગ લીધો હતો, જેણે રાષ્ટ્રપતિ બશર અલ-અસદની તરફેણમાં સત્તાના સંતુલનને મદદ કરી હતી. નસરાલ્લાહે હિઝબોલ્લાહને ઈઝરાયેલનો વધુ કટ્ટર દુશ્મન બનાવ્યો હોવાનું કહેવાય છે અને ઈરાનમાં શિયા ધર્મગુરુ નેતાઓ અને હમાસ જેવા પેલેસ્ટિનિયન જૂથો સાથે તેના જોડાણને મજબૂત બનાવ્યું હતું.

નસરાલ્લા તેના લેબનીઝ શિયા અનુયાયીઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિય હતો. આરબ અને ઇસ્લામિક વિશ્વમાં લાખો લોકો દ્વારા સમ્માનિત નસરાલ્લાહને સૈયદનું બિરુદ આપવામાં આવ્યું હતું. અમેરિકા અને પશ્ચિમના મોટાભાગના દેશો તેને ઉગ્રવાદી તરીકે જોતા હતા. તેની શક્તિ હોવા છતાં નસરાલ્લાહ ઇઝરાયેલની ધમકીઓના ડરથી મોટાભાગનો સમય છુપાયેલો રહ્યો હતો.

નસરાલ્લાહના નેતૃત્વ હેઠળ હિઝબુલ્લાએ 2000 માં દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેના સાથે યુદ્ધ લડ્યું હતું. આ યુદ્ધને કારણે 18 વર્ષના કબજા પછી દક્ષિણ લેબનોનમાંથી ઇઝરાયેલી દળોને પાછા ખેંચી લેવાયા હતા. દક્ષિણ લેબનોનમાંથી ઇઝરાયેલની પીછેહઠ પછી નસરાલ્લાહ લેબનોન અને સમગ્ર આરબ વિશ્વમાં પ્રખ્યાત થયો. તેના સંદેશાઓ હિઝબુલ્લાહના પોતાના રેડિયો અને સેટેલાઇટ ટીવી સ્ટેશનો પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. 2006 માં હિઝબુલ્લાએ ઇઝરાયેલ સાથે 34 દિવસનું યુદ્ધ લડ્યું. આ યુદ્ધમાં 1,000 થી વધુ લેબનીઝ અને 150 ઇઝરાયેલના લોકો માર્યા ગયા હતા. જ્યારે 2011 માં સીરિયામાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે હિઝબોલ્લાહ લડવૈયાઓએ અસદના દળોનો સાથ આપ્યો હતો.

ઇઝરાયેલ સાથેના વર્તમાન સંઘર્ષમાં નસરાલ્લાહની ભૂમિકા શું રહી છે?
પેલેસ્ટિનિયન જૂથ હમાસે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલમાં હુમલા કર્યા હતા, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા. આ હુમલા પછી ગાઝામાં યુદ્ધ ફાટી નીકળ્યું જે પાછળથી દક્ષિણ એશિયાના ઘણા દેશો સુધી પહોંચ્યું. ઓક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયાના એક દિવસ પછી હિઝબુલ્લાએ સરહદ પર ઇઝરાયેલી લશ્કરી ચોકીઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું.

હિઝબુલ્લાહ હમાસના સમર્થનમાં ઉત્તર ઇઝરાયેલમાં લગભગ એક વર્ષથી હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. નસરાલ્લાહે સંઘર્ષ દરમિયાન ભાષણોમાં દાવો કર્યો હતો કે હિઝબોલ્લાહના ક્રોસ બોર્ડર હુમલાઓએ ઇઝરાયેલી દળોને પાછળ ધકેલી દીધા હતા. નસરાલ્લાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી ગાઝામાં યુદ્ધવિરામ નહીં થાય ત્યાં સુધી હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર તેના હુમલાઓ બંધ કરશે નહીં. તાજેતરના દિવસોમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ વધ્યો છે. ઇઝરાયેલે યુદ્ધના નવા તબક્કાની જાહેરાત કરી હતી જેનો હેતુ હિઝબુલ્લાહને સરહદ પરથી પાછળ ધકેલી દેવાનો હતો, જેનાથી ઉત્તર ઇઝરાયેલના હજારો વિસ્થાપિત લોકોને પાછા ફરવાની મંજૂરી મળી હતી.

નસરલ્લાના મૃત્યુ પછી આગળ શું?
હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાહની હત્યા બાદ દક્ષિણ એશિયામાં તણાવ વધવાની દહેશત વધી ગઈ છે. ઈરાને ઈઝરાયેલના હુમલા બાદ પ્રતિક્રિયા આપી છે અને વૈશ્વિક સંસ્થાઓ અને નેતાઓને નિશાન બનાવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ઈઝરાયેલ સમગ્ર વિશ્વ માટે ખતરો છે. તેમણે સરકારો અને આંતરરાષ્ટ્રીય એસેમ્બલીઓ ખાસ કરીને યુએન સિક્યુરિટી કાઉન્સિલની ‘નિષ્ક્રિયતા’ પર પ્રહાર કર્યો છે, જેમાં ‘પેલેસ્ટાઈન અને લેબેનોનમાં ઈઝરાયેલના ભયાનક અને અભૂતપૂર્વ ગુનાઓ’નો આરોપ લગાવ્યો છે. તેમણે ઈઝરાયેલને ‘લશ્કરી, રાજકીય અને આર્થિક મદદ’ આપવા બદલ અમેરિકાની પણ ટીકા કરી હતી. પ્રવક્તાએ એમ કહીને સમાપન કર્યું કે ઇઝરાયેલના ગુનાઓ પ્રત્યે વિશ્વની નિષ્ક્રિયતાનો ધુમાડો નજીકના ભવિષ્યમાં સમગ્ર વિશ્વને દેખાશે.

નસરલ્લાહના મૃત્યુ પછી ઇઝરાયેલ આર્મી (IDF) ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરજાઇ હલેવીએ એક નિવેદન બહાર પાડ્યું છે. ચીફ ઓફ સ્ટાફે કહ્યું કે ઈઝરાયેલ તે તમામ લોકો સુધી પહોંચશે જેઓ દેશ અને તેના નાગરિકો માટે ખતરો છે. “અમારી પાસે સાધનોનો કોઈ અંત નથી,” હલેવીએ કહ્યું. સંદેશ સ્પષ્ટ છે, જે કોઈ પણ ઈઝરાયેલના નાગરિકોને ધમકી આપે છે, અમે જાણીએ છીએ કે તેમના સુધી કેવી રીતે પહોંચવું.

Most Popular

To Top