Gujarat

ફોરેન્સિક સાયન્સના તજજ્ઞોને રાજય પોલીસ સ્ટેશનો ખાતે કામગીરી સોંપાશે

ગાંધીનગર: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય, (Home Ministry) ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ (DFSS)ના નિયામક અને નેશનલ ફોરેન્સિક (National Forensic) સાયન્સ યુનિવર્સિટીના સહયોગથી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર (Gandhinagar) ખાતે ફોરેન્સિક હેકાથોનનું (Hackathon) આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, તા.2 ફેબ્રુઆરી, 2023થી ત્રિ-દિવસીય ૨૫મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સ પણ યોજાશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) દેશની સૌ પ્રથમ ફોરેન્સિક હેકાથોન 2023નું ઉદ્દઘાટન કરતાં કહ્યું હતું કે, દેશની સઘન સુરક્ષા અને કાયદો વ્યવ્સ્થામાં ફોરેન્સિક હેકાથોન મહત્વની ભૂમિકા ભજવશે. ગુનાની તપાસ પર પણ સકારાત્મક અસર કરશે.

આ ફોરેન્સિક હેકાથોન મહત્વની સાબિત થશે
તેમણે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. સ્વદેશી ઉત્પાદનોનું મહત્વ દેશના બહુઆયામી વિકાસમાં ખૂબ જ મહત્વનું છે. સંરક્ષણ તેમજ ફોરેન્સિક ક્ષેત્રે મોટાભાગના સાધનો અને તકનીકો અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. ફોરેન્સિક ક્ષેત્રની આ આયાતને ઘટાડી આત્મનિર્ભર ભારતની દિશામાં યુવાઓને પ્રોત્સાહિત કરવા આ ફોરેન્સિક હેકાથોન મહત્વની સાબિત થશે. આજે ભારત વિશ્વભરમાં 77,000થી વધુ માન્ય સ્ટાર્ટઅપ્સ સાથે ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. તથા ભારત આજે 340 બિલિયન ડોલરના ૧૦૦થી વધુ યુનિકોર્ન ધરાવે છે. ફોરેન્સિક સાયન્સના સાધનોના ઉત્પાદનને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં બનતા ગુનાઓને અટકાવવા તથા ગુનાઓને ઝડપથી ઉકેલવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

વૈજ્ઞાનિકોના સમન્વયથી દેશની સુરક્ષા વધુ સઘન બનશે
આવનારા દિવસોમાં ફોરેન્સિક સાયન્સના તજજ્ઞોને રાજ્યના પોલીસ સ્ટેશનો ખાતે કામગીરી સોંપાશે જ્યાં તેઓ ગુનાની તપાસના પ્રથમ દિવસથી જ પોલીસ સાથે રહીને ગુનાને ઝડપથી ઉકેલવામાં મદદ કરશે. આમ પોલીસ, ન્યાયતંત્ર અને ફોરેન્સિક વૈજ્ઞાનિકોના સમન્વયથી દેશની સુરક્ષા વધુ સઘન બનશે. ગુજરાત સલામતીની દૃષ્ટિએ સમગ્ર ભારતમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે તેમ જણાવતાં સંઘવીએ કહ્યું હતું કે કાયદાનું ચુસ્ત પાલન, ઉત્કૃષ્ટ સુશાસન અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આ સુરક્ષા પાછળના મહત્વના પરિબળો છે.

ટેક્નોલોજી અને સાધનોનું નિર્માણ ભારતમાં જ
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે કહ્યું હતું કે દેશની સૌપ્રથમ ફોરેન્સિક હેકાથોનનું આયોજન NFSU ખાતે કરવામાં આવ્યું છે. હાલ દેશના દરેક ક્ષેત્રમાં 90થી 95 ટકા ટેક્નોલોજી વિદેશથી આયાત કરવી પડે છે ત્યારે આ ફોરેન્સિક હેકાથોન દ્વારા ગુનાની તપાસમાં ઉપયોગમાં આવતી ટેક્નોલોજી અને સાધનોનું નિર્માણ ભારતમાં જ થાય તો ખરા અર્થમાં મેક ઈન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થશે. ફોરેન્સિક હેકાથોનમાં શિક્ષણવિદોની સાથે ઉદ્યોગ સાહસિકો પણ ઉપસ્થિત રહ્યાં છે, જેને કારણે પ્રથમ વર્ષે જ કુલ 58 અરજીઓ પ્રાપ્ત થઈ છે.

દેશના અર્થતંત્રની પ્રગતિ ફોરેન્સિક સાયન્સના વિકાસ ઉપર નિર્ભર છે, એમ કહીને ક્રોએશિયાથી આવેલા વિખ્યાત ફોરેન્સિક વિજ્ઞાની અને પ્રોફેસર ડો. ડ્રેગન પ્રિમોરેકે જણાવ્યું કે ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ બે મહાન દૂરંદેશી નેતાઓ આપ્યા છે. જેમનો ભારતના ભાવિમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે.અમેરિકાના પ્રો.ચાર્લ્સ હોલેન્ડે જણાવ્યું હતું કે પર્યાવરણલક્ષી ગુનાખોરી નજરે પડતી નથી, તેની અસરો લાંબાગાળે ઘાતક હોય છે એમ જણાવી તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

Most Popular

To Top