બારડોલી: (Bardoli) ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હવે લોકોમાં પર્યાવરણ જાળવણી અંગે પણ જાગૃતતા આવી રહી છે. લોકો હવે તહેવારોને પણ પર્યાવરણના જતન સાથે જોડીને મનાવી રહ્યા છે. ત્યારે લોકોમાં વૈદિક હોળી (Holi) દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલી એચ.બી.પાર્ક સોસાયટી દ્વારા ગીર ગાયના છાણમાંથી (dung) બનેલા છાણાં અને સ્ટિકથી હોળી પ્રગટાવી હતી.
સોસાયટીમાં રહેતા હિતેન જરીવાલાએ જણાવ્યુ હતું કે, લાકડા મળવા મુશ્કેલ બની ગયા છે. તેમજ વૃક્ષો કાપવાથી ગ્લોબલ વોર્મિંગની અસર થઈ રહી છે. જો વૈદિક હોલિકાનું દહન આવે તો વૃક્ષો બચી શકશે અને વૃક્ષો બચશે તો જ જીવન બચી શકવાનું છે. આ જ ઉદ્દેશ્ય સાથે સોસાયટીના રહીશોએ વૈદિક હોળી પ્રગટાવવાનું નક્કી કર્યું. અમે કામરેજ તાલુકાનાં લાડવી ગામે આવેલી ગૌશાળામાંથી ગીરગાયના છાણમાંથી બનાવેલ છાણાં અને સ્ટિકની હોલિકા બનાવી છે. આ હોળી દહન કરવા માટે કેરોસીન કે અન્ય કોઈ પણ પ્રકારના જ્વલનશીલ પ્રવાહીનો ઉપયોગ કરવાની જગ્યાએ એક કિલો કપૂર અને ગીર ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવ્યા હતા. સોસાયટીના રહીશો દ્વારા પ્રગટાવવામાં આવેલી આ વૈદિક હોળી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની હતી.