SURAT

હિરાનગરી સુરતનીચમક વધારતા વેેસ્ટમાંથી બેસ્ટ સ્કલ્પચર્સ

સુરતની સમગ્ર વિશ્વમાં સિલ્ક સિટી કહો કે, ટેક્સટાઇલ સિટી તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ છે. સુરત સિટી ડાયમંડ સિટી તરીકે પણ દુનિયાભરમાં ફેમસ છે. એક સમયે ગંદુ-ગોબરૂ ગણાતા સુરતે પોતાની કાયાપલટ એવી કરી કે આજે તે સમગ્ર દેશમાં સ્વછતામાં બીજા નંબરનું શહેર ગણાય છે. સુરતની ખૂબસૂરતી ત્યારે ખીલી જ્યારે તે દોઢસો કરતા વધુ ગાર્ડનથી સુશોભિત બન્યું. 110 કરતા વધુ બ્રીજને કારણે બ્રિજ સીટી તરીકે પણ ઓળખાવા લાગ્યું. હવે આજ ખૂબસુરત સુરત 68 જેટલા મોટા શિલ્પો (સ્કલ્પચર)ને કારણે શિલ્પ નગરી પણ બન્યું છે. સુરત મહાનગરપાલિકાએ લોખંડ, ફાયબર ગ્લાસ, સિમેન્ટ અને પથ્થરોથી અનુઠા શિલ્પ બનાવી શહેરના વિવિધ વિસ્તારોની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા છે. આવતીકાલે 29 એપ્રિલે ઇન્ટરનેશનલ સ્કલ્પચર ડે છે. આંતરરાષ્ટ્રીય શિલ્પ દિવસને લઈને ચાલો આપણે સુરતનના વિવિધ સ્કલ્પચરની અનોખી વાતો અહીં જાણીએ.

પાર્લે પોઇન્ટ પર બન્યું છે 23 ફૂટનું ઘોડાનું શિલ્પ જેને નામ અપાયું છે નાઈટ (knight) ઓફ સુરત
સુરત મહાનગરપાલિકાના પાણી ખાતામાં વર્ષો જૂની લોખંડની પાઇપો હતી. તેની જાડી પ્લેટમાંથી ઘોડાનું શિલ્પ બનાવવામાં આવ્યું. જે પાર્લે પોઇન્ટ પર મુકાયું છે. આ શિલ્પનું પેડિસ્ટ્રીયન 6 ફૂટનું છે. જ્યારે ઘોડાની હાઈટ 23 ફૂટ જેટલી છે. તેને નાઈટ (knight) ઓફ સુરત નામ અપાયું છે. Knight એટલે તેનો એક અર્થ શૂરવીર થાય છે. તેનું વજન લગભગ 6 ટન જેટલું છે. મજુરાગેટ પર ઘોડદોડની શરૂઆતના પોઇન્ટ પર પણ ઘોડાનું શિલ્પ મુકાયું હતું. તેને સુરતના વિકાસની રફતાર પરથી રફતારે સુરત નામ અપાયું હતું. પહેલાં ઘોડદોડ પર ઘોડાની રેસ થતી એટલે પણ આ શિલ્પ બનાવાયું. જોકે, તે શિલ્પ મેટ્રો રેલ માટે હાલમાં જ ખેસેડવામાં આવ્યું હતું.

લોખંડને સિમેન્ટથી કોટ કરી બનાવાયું છે માછલીનું સ્કલ્પચર
નવસારી બજારમાં રસ્તાની બાજુમાં લોકોને કચરો નહીં ફેંકવા અપીલ કરવા માટે અને પ્લાસ્ટીક નષ્ટ નથી થતું તેનો સંદેશો આપવા માટે માછલીનું સકલ્પચર બનાવાયું છે. આ સકલ્પચરને બનાવવા માટે લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ થયો છે. લોખંડને સિમેન્ટથી કવર કરાયું છે.

ગરજે ગુજરાતની થીમ પર બનાવાયું સિંહનું શિલ્પ
એક એવી માન્યતા હતી કે નગરનું રક્ષણ સિંહ કરે. એટલે નગરના દ્વાર પર સિંહની પ્રતિકૃતિ મુકાતી. વરાછાથી સિટીની અંદર અવાય એટલે શ્યામધામ સર્કલ પર અને એરપોર્ટ પરથી પણ સુરત સિટીમાં પ્રવેશ થાય એટલે SVNIT પાસે સિંહનું સકલ્પચર બનાવવામાં આવ્યું. લાયનના સ્કલ્પચર ગરજે ગુજરાતની થીમ પર પણ બનાવવામાં આવ્યા. આ શિલ્પ પણ લોખંડની જાડી પ્લેટોમાંથી બનાવવામાં આવ્યું છે. શહેરના દ્વાર પરના સિંહના આ શિલ્પ બનાવવા જૂનાગઢના ઝૂ ના એક લાયનનું મેકેટ બનાવવામાં આવ્યું હતું અને 400થી 500 સ્કેચ બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ ભારીભરખમ લાયન બનાવાયા જે ખરેખર સુરતની રક્ષા કરતા હોય તેવું જ તેમને જોતા પ્રતિત થાય છે.

અડાજણમાં છાંયડો આપતા ગ્રીન ઝાડનું સકલ્પચર અને નીચે ચાર સીટીંગ
અડાજણમાં ગંગેશ્વર મંદિરની પાસે લોખંડની પાણીની પાઇપોનું ગ્રીન કલરમાં સકલ્પચર બનાવેલું છે. જેની નીચે ચાર સીટ છે. જે વ્યક્તિ ઝાડની નીચે બેસે તેને છાંયડો મળે. આ સ્કલ્પચરને ટેકનોલોજી સાથે વણી લઈ અનોખું બનાવાયું છે. ઝાડ પર પહેલા સોલાર પેનલ લાગેલી હતી. ચાર સીટની વચ્ચે ડબ્બો બનાવી તેમાં ઓટોમેટિક ચાર્જ થાય તેવી બેટરી હતી. ટાયમર પણ મૂકેલું હતું જેથી અંધારું થાય એટલે ઓટોમેટિક લાઈટ ચાલુ થતી હતી. ત્યાં પહેલા મોબાઈલ ચાર્જ પણ થઈ શકતા હતા.

સાયકલિંગ સિટી બની રહેલા સુરતમાં 300 સાયકલોનું આકર્ષક શિલ્પ
તમને યાદ હોય તો મજુરાગેટ વિસ્તારમાં ટ્રાફિક પાર્ક હતું ત્યાંની 300 સાયકલોનું શું કરવું તે પ્રશ્ન સુરતને સતાવતો હતો. આ સાયકલોનું હાફ ગ્લોબ એટલે કે, અડધી દુનિયાનું શિલ્પ બનાવ્યું. આ સાયકલોની ઉપર એક મોટી સાયકલ મુકી છે. આ સ્કલ્પચર અણુવ્રત દ્વાર પર બ્રિજની નીચે મુકાયું છે. સુરત સાયકલિંગ સિટી બની રહ્યું છે તેને પ્રોત્સાહન આપવા સાયકલ ટ્રેક બન્યા છે. આ સાયકલનું શિલ્પ દોઢ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું.

ફૂલ અને ભમરાનું સ્કલ્પચર
પાલનપુર પાટીયા પાસે 2017માં મેટલના સ્ક્રેપમાંથી આ સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે. ફુલમાંથી રસ પીતો ભમરાનું આ સ્કલ્પચર મેટલની પાઈપમાંથી બનાવાયું હતું. જે ત્યાંથી પસાર થનારા લોકોમાં આકર્ષણ જગાવે છે.

ટેક્સટાઇલ સિટીની ઓળખ માટે બોબીનનું સ્કલ્પચર
આ સ્કલ્પચર રિંગ રોડ પર બનાવવામાં આવ્યું છે. સુરત ટેક્સટાઇલ સિટી છે. એટલે કપડા માર્કેટ વિસ્તારમાં રિંગ રોડ સહારા દરવાજા નજીક મેટલ સ્ક્રેપમાંથી આ શિલ્પ તૈયાર થયું છે. તે લગભગ 3થી 4 ટન વજનનું છે.

ગ્રોથ ઓફ સુરત પર બન્યું છે એક જ પથ્થરમાંથી સ્કલ્પચર
સાયન્સ સેન્ટરમાં એક જ પથ્થરમાંથી જે સ્કલ્પચર બનાવાયું છે તેમાં ચાર પાંખડી બતાવાઈ છે. દરેક પાંખડી અલગ અલગ કલ્ચરને બતાવે છે. બધા કલ્ચર ભેગા થઈને સુરતને વિકસિત શહેર બનાવ્યું છે. જેને ગ્રોથ ઓફ સુરત નામ અપાયું છે.

સિટી બ્યુટીફીકેશન માટે 68 મોટા સ્કલ્પચર બનાવાયા છે: શિલ્પકાર સની શ્રીધર
સુરત મહાનગર પાલિકાએ સિટી બ્યુટીફીકેશન માટે સ્કલ્પચર બનાવડાવ્યા જેમાં જાણીતા શિલ્પકાર સની શ્રીધરનો પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તેમણે જણાવ્યું કે શહેરના બ્યુટીફીકેશન માટે મોટા 68 સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે. સ્કલ્પચર બનાવવા માટે સિમેન્ટ, લોખંડ, ફાયબર ગ્લાસ, પથ્થરનો ઉપયોગ થયો છે. સુરતમાં બનાવેલા સ્કલ્પચર થીમ આધારિત અને તેમાં શહેરમાં અત્યારની પ્રોગ્રેસીવ સ્થિતિને વણી લેવામાં આવી છે. સુરતમાં ફુલના, પક્ષીના, ડાયમંડના શેપના શિલ્પ સુરતની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.

Most Popular

To Top