અમેરિકા: હિંદુ (Hindu) સંસ્કૃતિનો ડંકો સમગ્ર વિશ્વમાં (World) વાગે છે. અમેરિકાના (America) ટેક્સાસમાં સોમવારે ગુરુ પૂર્ણિમાના (Guru Purnima) અવસર પર એલન ઈસ્ટ સેન્ટરમાં 10,000 લોકોએ એકસાથે ભગવદ્ ગીતાનો (Bhagavd gita) પાઠ કર્યો હતો. આ પ્રસંગે 4 થી 84 વર્ષની વયના લોકો ભગવદ ગીતાના પાઠ કરવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન યોગ સંગીતા અને SGS ગીતા ફાઉન્ડેશન દ્વારા ભગવદ ગીતા પારાયણ યજ્ઞના રૂપમાં કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
મળતી માહિતી મુજબ સોમવારે ગુરુ પૂર્ણિમાના અવસરે અમેરિકામાં વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સંત ગણપતિ સચ્ચિદાનંદની હાજરીમાં ભગવદ ગીતાનું પઠન કરવામાં આવ્યું હતું. અવધૂત દત્ત પીઠમ એક આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કલ્યાણ સંસ્થા છે જેની સ્થાપના 1966 માં ગણપતિ સચ્ચિદાનંદજી સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી.
હિંદુ આધ્યાત્મિકતાનો ફેલાવો
ટેક્સાસમાં ભગવદ ગીતાનો જપ કરતા તમામ 10,000 લોકો તેમના ગુરુ ગણપતિ સચ્ચિદાનંદજી સ્વામી સાથે છેલ્લા 8 વર્ષથી જોડાયેલા છે. આ પહેલીવાર નથી કે જ્યારે સ્વામીએ અમેરિકામાં ભગવદ ગીતા જાપનો કાર્યક્રમ આયોજિત કર્યો હોય. સ્વામીજી છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે અને અમેરિકામાં મોટા પાયે હિંદુ આધ્યાત્મિકતા ફેલાવી રહ્યા છે. અમેરિકા સ્થિત સ્વામીજીની વ્યાપક દ્રષ્ટિ અને માનવજાતના ઉત્થાન માટે ઊંડી કરુણાએ પીઠમને માનવ જીવનની સુધારણા માટે વિવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટો હાથ ધરવા પ્રેરણા આપી છે.
આ વીડિયોને 4 લાખ લોકોએ જોયો હતો
ગણપતિ સચ્ચિદાનંદજી સ્વામીજી ભગવદ ગીતાનો ઉપદેશ આપવા અને સનાતન હિન્દુ ધર્મના મૂલ્યોનો ફેલાવો કરવા માટે વિશ્વ પ્રસિદ્ધ સંત છે. સોશિયલ મીડિયા પર આ ભગવદ ગીતા સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હજારો લોકોએ એકસાથે ભગવદ ગીતાનો પાઠ કર્યો. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 4 લાખ લોકો જોઈ ચૂક્યા છે.