સાપુતારા : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક (Hill station) સાપુતારા (Saputara) ખાતે મીની વેકેશનની (Mini vacation)રજાઓમાં (Holidays) કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ(Tourists) નો જનસેલાબ ઉમટી પડ્યો હતો.
વરસાદી માહોલ ધીમો પડતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ ધીમો પડતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. હાલમાં શનિવારથી મંગળવાર સુધીની લાંબી રજાઓ હોય જે રજાઓમાં મીની વેકેશનનો આસ્વાદ માણવા સાપુતારા, વઘઇનાં બોટનિકલ ગાર્ડન, ગીરાધોધ સહિતનાં સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રવિવારે ગિરિમથક સાપુતારામાં અસંખ્ય પ્રવાસીઓ નાના મોટા વાહનો સાથે ઉમટી પડતા હાઉસફૂલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા.
ફેસ્ટિવલનાં કાર્યક્રમનો ડોમ પણ ફૂલ
વાહનોનો ખડકલો થઈ જતા ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. મીની વેકેશનમાં ગિરિમથક સાપુતારા પ્રવાસીઓથી ભરચક રહેતા મોન્સૂન ફેસ્ટિવલનાં કાર્યક્રમનો ડોમ પણ ફૂલ થઈ ગયો હતો. ડાંગનાં ગિરિમથક સાપુતારા સહિત અન્ય પ્રવાસન સ્થળોએ મીની વેકેશનમાં પ્રવાસીઓએ પ્રકૃતિ સહિત નદી, નાળા અને ઝરણાઓનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.
વિલ્સન હિલ સૌપ્રથમવાર આયોજિત મોનસૂન ફેસ્ટિવલ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિલ્સન હિલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર વલસાડ અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા સૌપ્રથમવાર આયોજિત મોનસૂન ફેસ્ટિવલ 2022નું તા. 13મી ઓગસ્ટ 2022ના રોજ સાંજે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ધાટન કરાયું હતું. આ મોન્સુન ફેસ્ટિવલમાં તા.13મી ઓગસ્ટથી તા.16મી ઓગસ્ટ સુધી સતત 4 દિવસ માટે આદિવાસી પરંપરા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન, મેળો અને જંગલ ટ્રેકિંગ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.
આદિવાસી વિસ્તારોમાં પર્યટન સ્થળોને વિકસાવવાની જરૂર
ઉદ્ધાટન પ્રસંગે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, આપણા વિસ્તારનાં પ્રવાસન સ્થળોનો વિકાસ કરવો એ અમારું ધ્યેય છે. જિલ્લાનાં પ્રવાસન સ્થળો ખૂબ જ સુંદર છે એ સ્થળોને પ્રખ્યાત કરવા માટે વહીવટી તંત્ર સાથે મળી તમામ પ્રયાસો થઈ રહ્યા છે. આ સૌપ્રથમ મોન્સુન ફેસ્ટિવલનું સુંદર આયોજન વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમના પ્રયાસોથી જ શક્ય બન્યું છે. અંબાજીથી ઉમરગામ સુધી પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગો શક્ય ન હોય પર્યટન સ્થળોને વિકસાવવાની ઘણી જરૂર છે, જેથી આદિવાસીઓને રોજગારી મળી શકે અને તેનો સર્વાંગી વિકાસ કરી શકાય તેમ છે.