surat : શહેરના ડ્રીમ પ્રોજેક્ટ ( dream project) એવા મેટ્રો રેલ પ્રોજેક્ટ ( metro rail project) ના પ્રથમ ફેસ અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી કોરિડોરનું સોઇલ ટેસ્ટિંગ અને અન્ય આનુસાંગિક કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે. ત્યારે આ રૂટ માટે શહેરના અંદરના વિસ્તારમાં શરૂ થયેલું સોઇલ ટેસ્ટ ( Soil test ) નું કામ ભારે વિલંબમાં ચાલી રહ્યું છે. તેથી જ્યાં સોઇલ ટેસ્ટિંગ માટે બેરિકેટ કરવા પતરાં મારવામાં આવી રહ્યાં છે, તેના કારણે દુકાનદારોને મુશ્કેલી ઊભી થઇ રહી છે. હાલમાં કોટ વિસ્તારમાં ચોકબજાર અને કાદરશાની નાળમાં સોઇલ ટેસ્ટિંગ થઇ રહ્યું છે. અને હવે જ્યાંથી અંડર ગ્રાઉન્ડ રૂટ પસાર થવાનો છે તે મક્કાઇ પુલથી સુરત રેલવે સ્ટેશન અને ત્યાંથી કાપોદ્રા સુધીના અન્ડર ગ્રાઉન્ડ રૂટ માટે સોઇલ ટેસ્ટનું કામ ચાલુ થવા જઇ રહ્યું છે.
તેથી ઠેર ઠેર પતરાં મારી બેરિકેટ કરી સોઇલ ટેસ્ટિંગની કામગીરી ચાલુ કરાઇ છે. ખાસ કરીને જ્યાં અંડર ગ્રાઉન્ડ સ્ટેશન બનનાર છે, તે મસ્કતિ હોસ્પિટલ નજીક મહિધરપુરા પોસ્ટ ઓફિસથી ઐતિહાસિક ટાવર સુધી રોડની બંને બાજુ 10-10 ફૂટનાં પતરાં મારવાનું શરૂ કરાયું હોવાથી કોરોના કાળમાં દુકાનો બંધ રહેતાં બેહાલ થયેલા વેપારીઓ પર હવે નવું સંકટ આ બેરિકેટના કારણે આવ્યું છે. હવે માંડ માંડ દુકાનો ખૂલી રહી છે, ત્યારે આ પતરાં લાગતાં લગભગ 250 દુકાન મેઇન રોડ પર અને અંદરની સાઇડે આવતી 1 હજાર જેટલી દુકાનોનો ધંધો ચોપટ થવાનો ભય ઊભો થયો હોવાથી વેપારીઓ દ્વારા મનપા ખાતે મોરચો લાવી ચાર-ચાર ફૂટ નાનાં પતરાં લગાડવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે. જો કે, આ પ્રોજેક્ટ મનપાનો નહીં પણ સુરત મેટ્રો રેલ કોર્પોરેશન માટે બનેલી અલાયદી કંપનીનો હોવાથી મનપાના તંત્રવાહકોએ યોગ્ય જગ્યાએ રજૂઆત પહોંચાડવા ખાતરી આપી હતી.
મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત મહિધરપુરાથી ટાવર રોડની બંને સાઇડ પર સોઇલ ટેસ્ટીંગ માટે કોન્ટ્રાક્ટરે 10-10 ફૂટ ઉંચા પતરા લગાવાતા દુકાનો પતરા પાછળ ઢંકાઇ જતા દુકાનદાર વેપારીઓએ પાલિકા કચેરીએ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેને રજૂઆત કરી હતી.
મક્કાઇપુલથી સુરત રેલવે સ્ટેશન સુધીના મેટ્રોના અન્ડરગ્રાઉન્ડ રૂટનું કામ ચાલુ થતાં કોન્ટ્રાક્ટર દ્વારા પતરાં મારીને સોઇલ ટેસ્ટીંગની કામગીરી ચાલુ કરાઇ છે. ટાવર રોડ એસોસિએસનનું કહેવું છે કે, મહિધરપુરા પોસ્ટ ઓફિસથી કલોક ટાવર સુધી રોડની બંને સાઇડ ઠેરઠેર 10-10 ફૂટના પતરા મારીને સોઇલ ટેસ્ટીંગની કામગીરી ચાલુ રહી છે. જેથી દુકાનો દેખાતી બંધ થતાં ગ્રાહકો આવતા નથી. આ રોડ પર અંદાજે 250 દુકાનો છે. ચાર વર્ષ સુધી પ્રોજેકટ ચાલવાનો છે ત્યારે ચાર-ચાર ફુટ નાના પતરા લગાડવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે.