ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ શાહબુદ્દીને ભારતને ધમકાવતો એક ઑડિયો મેસેજ જારી કર્યો છે. આ સંદેશામાં તેણે જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદ ફેલાવવામાં તાલિબાની આતંકીઓની મદદ માટે વિનંતી કરે છે. ઓનલાઇન મૂકવામાં આવેલા આ સંદેશામાં શાહબુદ્દીને કહ્યું કે હું અલ્લાહને બંદગી કરું છું કે તે ઇસ્લામિક અમિરાત ઑફ અફઘાનિસ્તાનને મજબૂત બનાવે જેથી તેઓ ભારત સામે કાશ્મીરીઓની મદદ કરે.
દરમ્યાન આજે કાશ્મીરના પુલવામા જિલ્લામાં સલામતી દળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે ત્રાસવાદીઓ ઠાર મરાયા હતા. તેમની ઓળખ મુસૈબ અહમદ ભાટ અને મુઝામિલ અહમદ તરીકે થઈ છે. તેઓ ઘણા ત્રાસવાદી હુમલામાં સંડોવાયા હતા.
કબજાવાળા કાશ્મીર, બલુચિસ્તાન અને સિંધમાં તાલિબાની આતંકવાદીઓની હાજરી
સિંધની આઝાદી માટે લડત ચલાવતા પાકિસ્તાનના નાગરિક ઝફર સહિતોએ દાવો કર્યો કે પીઓકે, બલુચિસ્તાન, સિંધમાં તાલિબાની આતંકવાદીઓની હાજરી હોવાથી ભારત માટે ચિંતા વધશે. અમેરિકામાં રહેતા આ પાકિસ્તાન નાગરિકે કહ્યું હતું કે પાક. આર્મી જ તાલિબાનોને તાલીમ આપે છે.
સિવિલ એન્જિનિયર ઝફર સહિતો ૨૦૧૫થી સિંધમાં માનવ અધિકારો માટે લડત ચલાવે છે અને અમેરિકામાં રહીને સિંધ ફ્રીડમ મૂવમેન્ટ ચલાવે છે. આ માનવ અધિકાર કાર્યકરે દાવો કર્યો હતો કે માત્ર અફઘાનિસ્તાનમાં જ નહીં, પરંતુ તાલિબાની આતંકવાદીઓની હાજરી કાશ્મીરની સરહદે પણ છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર ઉપરાંત બલુચિસ્તાન અને સિંધમાં તાલિબાની આતંકવાદીઓ મોજુદ છે.
ઝફરના દાવા પ્રમાણે આ આતંકવાદીઓને પાકિસ્તાનની સરકારની સહમતીથી પાકિસ્તાની આર્મીએ તાલીમ આપી છે. પાકની નાપાક ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ આ તાલિબાનીઓને તાલીમ આપીને આતંકવાદ ફેલાવવા તૈયાર કરે છે.
એક મુલાકાતમાં ઝફર સહિતોએ કહ્યું હતું કે જો તાલિબાની આતંકવાદીઓને ઉગતા જ ડામી દેવામાં નહીં આવે તો એ માત્ર અફઘાનિસ્તાન માટે જ નહીં, પરંતુ પશ્વિમ એશિયાના દેશો સહિત આખા વિશ્વ માટે ખતરનાક બની જશે