Business

હીરો ઇલેક્ટ્રિક અને ઓકિનાવા સહિત આ 7 કંપનીઓએ આ છેતરપિંડી કરી

નવી દિલ્હી: હીરો ઇલેક્ટ્રિક (Hero Elelctric) અને ઓકિનાવા (Okinawa) સહિત 7 ઇલેક્ટ્રિક ટુ- વ્હીલર (EV) કંપનીઓએ ફેમ-2 યોજનાનો લાભ લેવા માટે છેતરપિંડી (Fraud) કરી છે. જે બાદ હવે સરકારે આ કંપનીઓને 469 કરોડ રૂપિયા ચુકવવા માટેનો આદેશ આપ્યો છે. દોષિત કંપનીઓમાં હીરો ઇલેક્ટ્રિક, ઓકિનાવા ઓટોટેક, એમ્પિયર ઇવી, રિવોલ્ટ મોટર્સ, બેનલિંગ ઇન્ડિયા, એમો મોબિલિટી અને લોહિયા ઓટો છે. કેન્દ્ર સરકારે હીરો ઈલેક્ટ્રિક અને ઓકિનાવા સહિત સાત ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકોને FAME-II સ્કીમ હેઠળ ઈન્સેન્ટિવનો દાવો કરવા બદલ રૂ. 469 કરોડ રિફંડ કરવા માટે કહ્યું છે. એક સરકારી અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે આ રકમ ન ચૂકવવાની સ્થિતિમાં આ તમામ કંપનીઓને સાત-દસ દિવસમાં ફેમ-2 સ્કીમમાંથી હટાવી દેવામાં આવશે. આ સિવાય તેમને આ પ્રોત્સાહક યોજનામાં ભાગ લેવાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં.

ઇલેક્ટ્રિક વાહનોના ઝડપી ઉપયોગ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે વર્ષ 2019 થી FAME-2 યોજના શરૂ કરી છે. આ માટે 10,000 કરોડ રૂપિયાની પ્રોત્સાહક રકમ ફાળવવામાં આવી છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ પ્રોત્સાહનનો દાવો કરતી સાત કંપનીઓ નિર્ધારિત જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા માટે દોષી સાબિત થઈ છે. ભારે ઉદ્યોગ મંત્રાલયની તપાસમાં સામે આવ્યું છે કે આ કંપનીઓએ નિયત ધારાધોરણોનું ઉલ્લંઘન કરીને પ્રોત્સાહનો લીધા છે.

ભારે ઉદ્યોગ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે અમારી તપાસમાં છ કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સાત કંપનીઓ ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થઈ છે. અમે તેમની પાસેથી 469 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા છીએ. તેઓએ આ રકમ સરકારને પરત કરવી પડશે. આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે સાતમાંથી બે કંપનીઓ વ્યાજ સાથે પ્રોત્સાહન રકમ પરત કરવા સંમત થઈ છે.

આ મામલે હીરો ઈલેક્ટ્રીકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જે સમયગાળા માટે નોટિસ જારી કરવામાં આવી હતી તે સમયગાળા દરમિયાન કંપનીએ પાલનમાં કોઈ ક્ષતિ કરી નથી. તેથી આ સૂચના કંપની માટે સંબંધિત નથી. બીજી તરફ લોહિયા ઓટોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આયુષ લોહિયાએ જણાવ્યું હતું કે અમે કહેવા માંગીએ છીએ કે અમને સબસિડી પરત કરવા અંગે સરકારના કોઈપણ વિભાગ તરફથી કોઈ માહિતી કે સૂચના મળી નથી. જ્યારે ઓકિનાવા ઓટોટેક અને રિવોલ્ટ મોટર્સે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

Most Popular

To Top