ઠાસરા: ઠાસરામાં નીકળેલી શિવજીની યાત્રા બપોરના સમયે મસ્જીદ આગળથી પસાર થઈ હતી. તે વખતે મસ્જીદની અગાશી ઉપર ઉભેલાં કેટલાક વિધર્મીઓએ ઓચિંતો પથ્થરમારો કરી દીધો હતો. જેથી શિવભક્તોમાં નાસભાગ મચી હતી અને વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, સ્થિતી વધુ વણસે તે પહેલાં જ પોલીસે મામલો સંભાળી લીધો હતો. ઠાસરામાં આવેલ નાગેશ્વર મંદિરમાંથી તારીખ 15મી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ શ્રાવણ મહિનાની અમાસ નિમિત્તે પરંપરા મુજબ શિવજીની યાત્રા કાઢવામાં આવી હતી.
ડી.જેના તાલ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયાં હતાં. આ યાત્રા નગરના વિવિધ માર્ગો ઉપર ફરીને બપોરે આશાપુરા મંદિરે પહોંચી હતી. દરમિયાન નજીકમાં આવેલ મસ્જીદની અગાશી ઉપર ઉભેલાં વિધર્મીઓએ એકાએક શિવજીની યાત્રા ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેથી અફરાતફરી મચી હતી અને શિવભક્તોમાં નાસમભાગ મચી હતી. બીજી બાજુ વિધર્મીઓ દ્વારા સતત પથ્થરમારો ચાલુ રાખવામાં આવ્યો હતો.
આ પથ્થરમારામાં કેટલાક શિવભક્તોને નાની-મોટી ઈજા પહોંચી હતી. તો વળી, આસપાસમાં પાર્ક કરેલાં વાહનો તેમજ લારી-ગલ્લાંને ભારે નુકશાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે આ વિસ્તારના વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને ઘરે ભાગી ગયાં હતાં. બીજી બાજુ બનાવની જાણ થતાં ઠાસરા પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતીને કાબુમાં લેવા તજવીજ હાથ ધરી હતી.
પરંતુ, ત્યાં સુધીમાં તો વાતાવરણ ભારે તંગદિલી ભર્યું બની ગયું હતું અને કોમી ધીંગાણું સર્જાય તેવો માહોલ સર્જાયો હતો. જેથી ઠાસરો પોલીસે નજીકના ડાકોર, સેવાલિયા સહિતની પોલીસ ફોર્સ બોલાવી લીધી હતી. આ ઉપરાંત જિલ્લામાંથી એસ.પી, ડી.વાય.એસ.પી તેમજ એલ.સી.બી પોલીસની ટીમ પણ દોડી આવી હતી. જેથી ઠાસરા નગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું અને કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે સમગ્ર નગરમાં ફ્લેગમાર્ચ યોજી હતી અને ગણતરીની મીનીટોમાં જ સ્થિતી પર કાબુ મેળવી લીધો હતો. આમ, પોલીસની સતર્કતાથી કોમી ધીંગાણું થતાં અટક્યું હતું.