Vadodara

દાહોદ-આણંદ મેમુ ટ્રેનમાં આગ

દાહોદ: પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ જેકોટ રેલવે સ્ટેશન પર આવીને ઉભેલી 09350 ડાઉન દાહોદ-આણંદ મેમુ ટ્રેનના કોચમાં ઓચિંતી ધુમાડો નીકળતા સમય પારખી ગયેલા મુસાફરો નીચે ઉતર્યાના થોડીક જ પળમાં કોચમાં આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન રેલવેના ADRM તેમજ પંચમહાલ રેન્જ આઇ.જી, દાહોદ જિલ્લા પોલીસવડા, તેમજ આરપીએફ તથા ગ્રામ્ય પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.

જોકે આ આગના બનાવના પગલે સુરક્ષાની દ્રષ્ટિએ દિલ્હી-મુંબઈ તરફનો બન્ને તરફનો વ્યવહાર બંધ કરી દેવાની ફરજ પડતા પશ્ચિમ રેલવેના અતિ વ્યસ્ત ગણાતા દિલ્હી-મુંબઈ રેલમાર્ગ બંધ થવાથી એક પેસેન્જર ટ્રેન ને રદ કરવામાં આવી હતી. તો અન્ય કેટલીક ટ્રેનો તેમના નિર્ધારીત સમય કરતા મોડી સંચાલિત કરવામાં આવી હતી. ટ્રેન નંબર 09350 દાહોદ-આણંદ સ્પેશિયલ મેમુ તેના નિર્ધારીત સમયે સવારના 11.38 કલાકે આણંદ તરફ રવાના કરી દેવામાં આવી હતી. આ ટ્રેન પોણા બાર વાગ્યાના સુમારે દાહોદ થી 10 કિલોમીટર દૂર જેકોટ ખાતે જઈને ઉભી રહી હતી.

તે દરમિયાન ટ્રેનના પાછળના એન્જીન સાથે જોડાયેલા ફર્સ્ટ ક્લાસ કોચમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા કોચમાં સવાર મુસાફરો ભયભીત થતા કશુક અજુગતું બનવાની આશંકાએ સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા થોડીક જ ક્ષણોમાં કોચમાં ઓચિંતી આગ ફાટી નીકળતા મુસાફરોમાં બુમાબુમની સાથે દોડધામ મચતા રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ ટ્રેનને આગળ જવા ગ્રીન સિગ્નલ મળ્યું હોવા છતાંય ટ્રેન આગળ ન જતા શું થયું તે જોવા નીકળેલા સ્ટેશન માસ્તરને ટ્રેનના પાછળના ભાગે ધુમાડાની સાથે આગ જોવા મળતા તેઓએ તાબડતોડ આજ્ઞા બનાવની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેમજ રતલામ કંટ્રોલને કરતા રેલવેના સંબંધિત વિભાગોમાં પણ દોડધામ પછી જવા પામી હતી.

બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવતા રેલવે સત્તાધીશોએ આણંદ-મેમુ ટ્રેનના આગની લપટોમાં ઘેરાયેલા કોચ સહિત ત્રણ બોગીઓને ટ્રેનથી છૂટી પાડી ટ્રેનને બે કલાક મોડી પોતાના ગંતવ્ય સ્થાન ઉપર જવા માટે રવાના કરવામાં આવી હતી. જોકે અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ કયા કારણોસર લાગી હતી તે અંગેની શોધખોળમાં જોતરાયા હતા.

Most Popular

To Top