National

ઉત્તરાખંડમાં એકધારા વરસાદથી ભારે તબાહી: 47નાં મોત

સોમવારથી શરૂ થયેલા એકધારા વરસાદે ઉત્તરાખંડ (Uttarakhand Flood) રાજ્યના વિવિધ ભાગોને ધમરોળવાનું આજે પણ ચાલુ જ રાખતા, ખાસ કરીને કુમાઉ પ્રદેશમાંથી ભારે તબાહીના અહેવાલ આવી રહ્યા છે જ્યાં અનેક મકાનો જમીનદોસ્ત થઇ ગયા છે અને ઘણા લોકો કાટમાળ હેઠળ દબાયા છે. અત્યાર સુધીમાં 47નાં મોત નિપજ્યા હતા.

મંગળવારે ભારે વરસાદમાં વધુ 42નાં મોત સાથે બે દિવસનો કુલ મૃત્યુઆંક 47 પર પહોંચયો છે. આજે વરસાદને લગતી ઘટનાઓમાં વધુ 42નાં મોત નિપજ્યા હતા, જ્યારે કે ગઇકાલે 5ના મોત થયા હતા. વાદળ ફાટવાની અને ભેખડો ધસી પડવાની ઘટનાઓને કારણે ઘણા મકાનો તૂટી પડ્યા છે કે ભારે નુકસાન પામ્યા છે અને તેને કારણે ઘણા લોકો કાટમાળ હેઠળ દબાયા હોવાનો ભય સેવાઇ રહ્યો છે એમ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પત્રકારોને જણાવ્યું હતું.

SDRFના સચિવ મુરુરેસને જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 200 મિમિ કરતા વધુ વરસાદ થયો છે. ગઇકાલે ભારે વરસાદને કારણે પૌડી અને ચંપાવતમાં કુલ પાંચનાં મોત થયા હતા, જેમાં નેપાળથી આવેલા ત્રણ મજૂરોનો પણ સમાવેશ થાય છે જ્યારે આજે અલ્મોડા, નૈનિતાલ અને ઉધમસિંહ નગર વગેરે વિસ્તારોમાં 42 લોકોનાં જીવ ગયા હતા, આમાં સૌથી વધુ 28નાં મોત નૈનિતાલમાં થયા હતા. નૈનિતાલ અને રૂદ્રપુરમાં માર્ગો, પુલો અને રેલવેના પાટાઓને નુકસાન થયું છે. ભારે વરસાદની સૌથી વધુ અસર કુમાઉ પ્રદેશમાં થઇ છે.

હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં એસડીઆરએફ બચાવ અને રાહત કાર્ય કરી રહ્યું છે. મુખ્યમંત્રી ધામીએ પણ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. હવાઇ દળના ત્રણ હેલિકોપ્ટરો રાજ્યમાં આવી પહોંચ્યા છે જેઓ બચાવ અને રાહત કાર્યોમાં જોતરાયા છે. આમાંથી બે હેલિકોપ્ટર નૈનિતાલમાં અને એક હેલિકોપ્ટર ગઢવાલમાં તૈનાત કરવામાં આવ્યું છે. એનડીઆરએફની 15 ટીમો આ રાજ્યમાં બચાવ કાર્યમાં જોતરવામાં આવી છે. આ હોનારત અંગે વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દરેક મૃતકના પરિવારજનો માટે રૂ. 4 લાખની ઉચ્ચક સહાય જાહેર કરી છે.

નૈનિતાલ વિખુટું પડી ગયું

ઉત્તરાખંડમાં આવેલ પ્રખ્યાત ટુરિસ્ટ સ્થળ નૈનિતાલનો સંપર્ક રાજ્યના બાકીના ભાગો સાથે કપાઇ ગયો છે. અહીં સુધી આવતા ત્રણેય માર્ગો ભૂસ્ખલનને કારણે અવરોધાઇ ગયા છે. નૈનિતાલ જિલ્લામાં કાઠગોદામ રેલવે સ્ટેશન નજીક રેલવે લાઇન પણ ધોવાઇ ગઇ છે. નૈનિતાલમાં જાણીતા નંદા મંદિરમાં પણ પાણી ઘૂસી ગયું હોવાના અહેવાલ છે. સાંજે નૈનિતાલનો સંપર્ક ફરી સ્થાપિત થયો હતો.

ચાર ધામ યાત્રાના યાત્રાળુઓને જ્યાં છે ત્યાં રોકાઇ રહેવા સૂચના

અનેક હિન્દુ યાત્રા સ્થળો ધરાવતા ઉત્તરાખંડ રાજ્યમાં ભારે વરસાદને કારણે ચાર ધામ યાત્રા અટકાવી દેવી પડી છે. આ યાત્રા માટે આવેલા યાત્રાળુઓને વિનંતી કરવામાં આવી છે કે હાલમાં તેઓ જ્યાં છે ત્યાં જ રોકાઇ રહે અન્યત્ર જવાનું સાહસ કરે નહીં. હવામાન સુધર્યા પછી આ યાત્રા ફરી શરૂ કરાશે.

ઉત્તરાખંડમાં ક્યાં કેવી છે સ્થિતિ?

  • પિથૌરાગઢ: અહીં પૂર જેવી સ્થિતિ છે. ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે.
  • ચમૌલી: થરાલી અને કર્ણપ્રયાગ વચ્ચે નેશનલ હાઈવે ભૂસ્ખલનને લીધે રસ્તાઓ બંધ થયા છે. ચમોલીમાં ભારે વરસાદના લીધે અનેક મકાનો ધરાશાયી થયા છે.
  • ઋષિકેશ-બદ્રીનાથ: નેશનલ હાઈવે 58 બંધ કરી દેવાયો છે.
  • હરિદ્વાર: ગંગા ભયજનક સપાટીથી ઊંચી વહી રહી છે. ઉત્તરાખંડથી યુપી સુધી એલર્ટ જાહેર કરાયું છે.
  • કાઠગોદામ: ઉત્તરાખંડના હલદ્વાનીમાં ગૌલા નદીની નજીક કાઠગોદામ અને દિલ્હીને જોડતી રેલવે લાઈનનો એક હિસ્સો બારે વરસાદના લીધે તૂટી ગયો છે.
  • કલછનાથ: રૂદ્રનાથ ટ્રેક રૂટ પર કલચંથમાં ફસાયેલા કોલકત્તાના 10 લોકોને રેસ્ક્યૂ કરી ગોપેશ્વર લઈ જવાયા છે.
  • ઉધમસિંહ નગર: ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં નાનક સાગર બાંધના તમામ ગેટ ખોલી દેવાયા છે.
  • અલ્મોડા: અલ્મોડામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાના લીધે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. અહીં રાપડ ગામમાં ભૂસ્ખલનના લીધે એક ઘર દબાઈ ગયું છે. પરિવારના 4 લોકોના મોત થયા છે. જ્યારે 1 મહિલાને બચાવી લેવાઈ છે.

Most Popular

To Top