ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે. જૂનાગઢ (Junagadh) અને જામનગર (Jamnagar) જળબંબાકાર બન્યા છે, આ શહેરોના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે, રસ્તાઓ નદીઓ બની ગયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતની (South Gujarat) તમામ નદીઓ વહેતી થઈ ગઈ છે. નવસારીમાં (Navsari) છેલ્લા 24 કલાક દરમિયાન 4 થી 9 ઈંચ વરસાદ નોંધાયો છે. ગાંધીધામ (GandhiDham) રેલ્વે સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા છે. ગુજરાતના તમામ 33 જિલ્લામાં હળવોથી ભારે વરસાદ પડ્યો છે. પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CMBhupendraPatel) ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે બેઠક યોજી એનડીઆરએફની (NDRF) ટીમોને સ્ટેન્ડબાય પર રાખવા સૂચના આપી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 27 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર (Visavadar) તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ એટલેકે 398 મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યના 6 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ તથા રાજ્યના અન્ય 13 તાલુકાઓમાં 6 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય 187 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
ઓઝત વિયર ડેમના 10 દરવાજા ખોલાયા
જુનાગઢમાં છેલ્લાં દોઢ દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અહીંના વિસાવદરમાં રેકોર્ડ બ્રેક 22 ઈંચ વરસાદ વરસ્યો છે. અહીંના ભેંસાણમાં સવારથી બપોર સુધીમાં ચાર ઈંચ સાથે દોઢ દિવસમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ઓઝત વિયર ડેમના 10 દરવાજા ખોલવા પડ્યા છે, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.
દરમિયાન હવામાન વિભાગે આજે પણ જૂનાગઢ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જૂનાગઢ એસટી ડિવિઝનના એસટીના 158 રૂટ રદ કરવામાં આવ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જુનાગઢ જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.
કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશનમાં પાણી ભરાયા
કચ્છના અંજારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોરદાર પ્રવાહ સાથે વહી રહ્યા છે. ગામડાઓમાં અને શહેરોમાં પણ રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. ગાંધીધામ રેલવે સ્ટેશનની અંદર પણ ભારે પાણી ભરાયા છે. કચ્છના ગલપાધરમાં નદીના ઝડપી વહેણ વચ્ચે 3 લોકો ફસાયા હતા જેમને ડીએમ અમિત અરોરા અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમે બચાવી લીધા હતા.
જામનગરમાં ગામડાઓના રસ્તા બંધ થયા
જામનગરના ધ્રોલ તાલુકાના રોજિયા ગામના ગ્રામજનોને પણ આવવા-જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અહીં ભારે વરસાદને કારણે ગામમાં જવાના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. પુલ પરથી પસાર થવા માટે સ્થાનિક ગ્રામજનોએ દોરડું બાંધીને લોકોને બચાવ્યા હતા. તેમને પાણીમાં ડૂબતા બચાવવા માટે દોરડું બાંધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. દોરડા બાંધીને ગ્રામજનો મુસાફરોને ડૂબતા બચાવી રહ્યા છે.
નવસારી, અમદાવાદમાં ધોધમાર વરસાદ
નવસારીમાં પણ વરસાદના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. નદીઓ, ખેતરો, કોઠાર, શેરીઓ અને મેદાનોમાં પાણી વધી ગયું છે, તમામ ડૂબી ગયા છે. અમદાવાદમાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રોડની આસપાસ પાર્ક કરાયેલા વાહનો પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. બનાસકાંઠાના પાલનપુરમાં મોડી રાત્રે પડેલા વરસાદને લઈને અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાયા હતા.
વડોદરામાં મગર રોડ પર દોડી આવ્યા
વડોદરામાં વરસાદ શરૂ થતાની સાથે જ મગરો દેખાવા લાગ્યા છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં ગઈકાલે રાત્રે (30 જૂન) રાત્રે 10 ફૂટ લાંબો મગર રોડ પર જોવા મળ્યો હતો. મગરને જોતા જ સ્થાનિક લોકોએ વન વિભાગનો સંપર્ક કર્યો હતો. રાત્રીના અંધારામાં વન વિભાગ દ્વારા ટોર્ચની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આજે પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતમાં ભારે વરસાદના સંકેતો છે. આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાવાના કારણે ટ્રાફિકમાં સમસ્યા સર્જાય છે. ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, નેશનલ હાઈવે પરથી પસાર થતા તમામ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.