મોડાસા: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. જેના કારણે અનેક જિલ્લામાં ફરી નદી-તળાવો છલકાયા છે. કેટલાક જિલ્લામાં કોઝવે (Causeway) છલકાતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગઈકાલે એટલે કે શુક્રવારે સાંજે અરવલ્લી (Arvalli) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસયો હતો. ભારે વરસાદના કારણે ખેતર તેમજ નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે મોડાસાના લાલપુર ગામે આવેલી નદી પરનો કોઝવે છલકાય ગયો હતો. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. ભારે વરરસાદના કારણે કેટલાક વિસ્તારમાં પૂર આવ્યું હોય તેવા દર્શયો જોવા મળ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં વિરામ બાદ ફરી ખાબકેલા વરસાદે ફરી લોકોને મુશકેલીમાં મુકી દીધા છે. ફરી એકવાર મૂશળધાર વરસાદ વરસતા નદી-તળાવો છલકાયા હતા. ભારે વરસાદના કારણે મોડાસના લાલપુર ગામે આવેલી નદી પરનો કોઝવે પણ છલકાયો હતો. જેના કારણે સવારે શાળા ગયેલા વિદ્યાર્થીઓ કોઝવેની બીજી સાઈડ ફસાઈ ગયા હતા. ધીમે ધીમે કોઝવેનું પાણી વધતા વિદ્યાર્થીઓ કોઝવે પાર કરવા માટે અસમર્થ બન્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીઓને જેસીબીની મદદથી તમામ શાળાનાં બાળકોને રેસ્ક્યુ કરી સામે પાર પહોંચાડ્યા હતા. આ ઉપરાંત જિલ્લના ટીંટીસર ગામમાં પણ મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ગામની મધ્યમાં ઢીંચણસમાં પાણી ભરાયાં હતાં.
નદી જેવા વહેતા પ્રવાહમાંથી દોરડું બાંધી બાઈકનું રેસ્ક્યુ કરાયું
ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લામાં પાણી ભરાઈ ગયા હતા. અને રોડ પર નદી વહેતી હોય તેવા દર્શયો સામે આવ્યા હતા. ત્યારે સજાપુરમાં એક બાઈક ભારે પાણીના પ્રવાહમાં તણાઈ જાતી જોવા મળી હતી. પરંતુ કેટલાક યુવકોએ બાઈકને પ્લાસિટકનું દોરડું બાંધી પાણીના સામા પ્રવાહે ખેંચી લીધી હતી. જેથી બાઈક પાણીમાં વહી જતા બચી હતી.
48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ ખાબકશે
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. તેમજ 8 અને 9 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં દક્ષિણ ગુજરાત ભારે અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે તેમજ મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.