વડોદરા : વડોદરા શહેરમાં લાંબા ગાળાના વિરામ બાદ નવરાત્રીના છઠ્ઠા નોરતે મેઘરાજાના વધામણાં થતા ગરબા રસિકોની મઝા બગડી હતી.શહેરમાં 6 એમ.એમ.વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ગરબાના મેદાનોમાં પાણી ભરાઇ ગયા હતા.જેને કારણે ગરબા આયોજકોની હાલત કફોડી બની હતી. વડોદરા શહેરમાં મંગળવારે આખો દિવસ ભારે ઉકળાટ બાદ સાંજના સુમારે શહેરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો કાળાડિબાંગ વાદળોની ફોજ સાથે આવી ચડેલા મેઘરાજાએ થોડી ક્ષણ માટે અસલ મિજાજ બતાવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
જ્યારે બીજી તરફ ગરબા ખેલૈયાઓ હતાશ થયા હતા.સાંજના 8 કલાક સુધીમાં વડોદરા શહેરમાં 6 એમ.એમ, ડભોઇમાં 11 એમ.એમ.અને વાઘોડિયામાં 8 એમએમ વરસાદ નોંધાયો હતો.જેને લઇને શહેર અને જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.જેથી નગરજનોએ ગરમીથી રાહત અનુભવી હતી.વડોદરા શહેરના અનેક વિસ્તારમાં સાંજના સમયે શરૂ થયેલો વરસાદ આઠ વાગ્યા સુધી યથાવત રહેવા પામ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઊઠવા માંડ્યા છે.છૂટાછવાયા વરસાદી ઝાપટાંએ પણ પાલિકા તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી હતી.