SURAT

VIDEO: સુરત-ઓલપાડને જોડતા સારોલીના બ્રિજ પર મોટું ગાબડું પડ્યું

સુરત(Surat) : ધોધમાર વરસાદ (Heavy Rain) ત્રણ દિવસથી સુરત શહેર અને જિલ્લાને ધમરોળી રહ્યો છે. હવામાન વિભાગની (Weather Department) આગાહી મુજબ જ સુરતમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના લીધે શહેરમાં ઠેકઠેકાણે રસ્તાઓ પર ખાડા પડી જવા, ઝાડ પડવા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની રહી છે. મંગળવારે આખી રાત મૂશળધાર વરસાદ વરસ્યો હતો જે વહેલી સવારે 5 વાગ્યા બાદ વધ્યો હતો, જેના પગલે સુરત અને ઓલપાડને (Olpad) જોડતા સારોલી બ્રિજના (Saroli Bridge) રોડ પર મોટા મોટા ભુવા પડી ગયા હતા. રસ્તો આખો તૂટી જવાનો ભય ઉભો થયો હતો, જેના પગલે તંત્ર દ્વારા આ બ્રિજ પરથી બસ, ટ્રક જેવા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. અહીંથી સાવચેતીપૂર્વક કાર અને ટુ-વ્હીલર્સની અવરજવર ચાલુ રાખવામાં આવી છે.

સુરતના જહાંગીરપુરાથી ઓલપાડ તરફ જવાના સારોલી બ્રિજ નજીક રોડ પર મોટું ગાબડું પડી ગયું છે, જેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો બેસી જતા તંત્ર દ્વારા બેરિકેટ મુકવામાં આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રાત્રિના સમયે એકાએક રસ્તાની એકતરફનો ભાગ બેસી ગયો હતો. અંદાજે 10 મીટર જેટલો રોડ બેસી ગયો છે. તે સમયે સદ્દનસીબે કોઈ વાહન પસાર થતું નહીં હોવાથી મોટો અકસ્માત ટળ્યો છે. સ્થાનિક લોકોએ રસ્તાની નબળી કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અહીં નવો બ્રિજ બની રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ભારે વરસાદને લીધે માટીનું ધોવાણ થયું હોય રસ્તો બેસી ગયો છે. તાકીદના ધોરણે રસ્તાના રિપેરીંગનું કામ તંત્ર દ્વારા શરૂ કરાયું છે.

પરવટ પાટિયાની રણછોડ નગર સોસાયટી બહાર ઘુંટણ સુધીના પાણી ભરાયા
ગઈકાલે સુરત જિલ્લાના પલસાણા, માંગરોળમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના લીધે સુરત શહેરમાંથી પસાર થતી મીઠીખાડી ઉભરાઈ હતી અને તેના પરિણામે સણીયા હેમાદ, કુંભારીયા ગામ, પરવટ પાટિયા અને લિંબાયત વિસ્તારમાં ખાડી પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. દરમિયાન મંગળવારે આખી રાત ધોધમાર વરસાદ વરસતા આજે પરવટ પાટિયા વિસ્તારના રહીશો સવારે ઉઠ્યા ત્યારે તેઓના ઘર આંગણે સોસાયટીની બહાર રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. સવારે 8.15 કલાકે પરવટ પાટિયાની ચોયાર્સી ડેરી પાસે આવેલી રણછોડ નગર સોસાયટીની બહાર લોકોએ પાણીમાંથી ચાલીને પસાર થવાની નોબત આવી હતી.

સુરત શહેરમાં 10 કલાકમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો
મંગળવારે રાત્રિના 12 વાગ્યા બાદથી સવારે 10 વાગ્યા સુધીના 10 કલાકમાં સુરત શહેરમાં 42 મિ.મિ. વરસાદ વરસ્યો છે. ત્રણ દિવસથી ઘડીકમાં ઝપાટાભેર તો ઘડીકમાં રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે, તે રાત્રિ દરમિયાન અને સવારે પણ ચાલુ રહ્યો હતો. સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 42 મિ.મી. પડ્યો છે. ત્યાર બાદ સાઉથ ઈસ્ટ ઝોનમાં 41 મિ.મી. વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં 28 મિ.મી., નોર્થ ઝોનમાં 26 મિ.મી., ઈસ્ટ ઝોન એમાં 23 મિ.મી., ઈસ્ટ ઝોન બી માં 35 મિ.મી., સાઉથ ઝોનમાં 40 મિ.મિ. અને સાઉથ વેસ્ટ ઝોનમાં 37 મિ.મિ. વરસાદ પડ્યો છે.

Most Popular

To Top