નડિયાદ: ખેડા શહેરમાં જીઈબીની ઓફિસની નીચે આવેલ સ્વિચ યાર્ડના નીચેના ભાગમાં બુધવાર સવારના આગ લાગતાં અફડા-તફડી મચી હતી. જીઈબીના કર્મચારીઓને તુરંત જ સ્થળ પર જઈને પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નીચે સુકા ઘાસમાં આગ પ્રસરી ગઈ હોવાથી કાબુમાં આવી ન હતી. જેથી ખેડા પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. ગણતરીની મિનીટોમાં જ આગ કાબુમાં આવી જતાં જીઈબીના અધિકારી અને કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
જો સમયસર આગ કંટ્રોલમાં ન આવી હોત અને આગ વધુ પ્રસરી હોત તો જીઈબીના સ્વિચ યાર્ડને વધુ નુકશાન થવાની શક્યતા હતી. જોકે, આગ સમયસર કંટ્રોલમાં આવતા મોટી જાનહાની ટળી હતી. બપોર બાદ ખેડા નગરપાલિકા બહાર આવેલ ડી.પીના નીચેના ભાગે પડેલા સૂકા કચરામાં તેમજ શાલીમાર સોસાયટી પાસે મુકેલાં કચરાના ડબ્બામાં પણ આગ લાગવાના બનાવો બન્યાં હતાં. આ બંને જગ્યાએ પણ ફાયરબ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.