વ્યારા: વ્યારા(vyara)ની કોવિડ-૧૯ હોસ્પિટલ (covid hospital) છેલ્લા બે દિવસથી વિવાદનાં ઘેરામાં મુકાઈ છે. ગત રોજ સોનગઢના નાના કાકડકૂવામાં કોરોનાગ્રસ્ત શિક્ષકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી શંકાસ્પદ મોત (death) થવાની ચકચારી ઘટનાને લઈ તેમના સગાએ ફરજ પરના તબીબ સામે આરોગ્યલક્ષી સારવાર અંગે બેદરકારીના આક્ષેપો કર્યા હતા.
હજુ તો તંત્ર તેની ગંભીરતા લે એ પહેલાં જીવિત (live) કોરોના દર્દીને મૃત જાહેર કરવાનો બીજો વિવાદ ઊભો થતાં આ દર્દીઓના સગાએ વ્યારા સિવિલમાં ભારે હંગામો મચાવ્યો હતો. દર્દીના સગાને બીજા દર્દીનો મૃતદેહ (body) પધરાવી દીધો હતો. જ્યારે આ દર્દીના સગાએ હોસ્પિટલની અંદર જઇને જોયું તો તે દર્દી સારવાર લઇ રહ્યો હતો. આ દર્દીને સવારે જ હોસ્પિટલમાં દાખલ કર્યો ને ગણતરીના કલાકમાં આ દર્દીનું મોત થયાની જાણ થતાં પરિવાર (family) હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. જેમાં જીવિત દર્દીને મૃત બતાવી પધરાવવાની સમગ્ર ઘટનામાં ફરજ પરના તબીબની આવી અત્યંત ગંભીર ગણી શકાય તેવી બેદરકારી બહાર આવી હતી. આટલું ઓછું હોય તેમ તબીબોએ જીવિત આ દર્દીના મોત અંગેના સર્ટિ.માં સહી કરી દીધેલો કાગળ પણ દર્દીના સગાને આપી દીધો હતો.
વ્યારાના કાનપુરાના આકાશ અજિતભાઈ પંચોલીના દાદા ધીરજલાલ નરોત્તમદાસ પંચોલી શનિવારે સવારે જનક હોસ્પિટલથી સિટી સ્કેન કરાવ્યા પછી કોરોના પોઝિટિવ (positive) આવતાં તેમને સિવિલ લઇ ગયા હતા. ત્યાર પછી એક જ સગાને ત્યાં રોકાવવાનું કહ્યું અને બાકીનાને ઘરે મોકલી આપ્યા હતા. આકાશ પંચોલી પોતાના ઘરે પહોંચે એ પહેલાં તમારા પેશેન્ટની તબિયત ક્રિટિકલ છે, તમારા દાદા મૃત્યુ પામ્યા છે. તેઓ પોતાના પરિવાર સાથે તાત્કાલિક કોવિડ-૧૯ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને પરિવારજનોએ મૃતદેહ જોવાની માંગ કરી તો મૃતદેહ બતાવવાનો તબીબોએ ઈન્કાર કર્યો હતો. વ્યારાની રેફરલ હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીને મૃત ઘોષિત કરતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બળજબરી કોવિડ-૧૯ હોસ્પિટલમાં અંદર જઈને જોયું તો દાદા જીવતા હતા. જો કે, તેમના મોત અંગેની રસીદ પણ દર્દીના સગાને આપી દીધી હતી.
ડોક્ટરોની મોટી ભૂલ થઈ હોવાથી તપાસ કરતાં માલૂમ પડ્યું કે નિઝરની વ્યક્તિનું મોત થયા બાદ જીવિતને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેની મૃત બોડી પધરાવવામાં આવી તે મૃતક વ્યક્તિ રતન શ્યામભાઈ પટેલ નિઝર તાલુકાનો રહેવાસી હતો. તેઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. તેમને રેફરલ હોસ્પિટલમાં શનિવારે સવારે જ સારવાર માટે લાવવામાં આવ્યા હતા. મૃતક વ્યક્તિનો મૃતદેહ તેના પરિવારજનોને કોરોનાના કારણે બતાવવામાં આવ્યો ન હતો. આવા સમયે દર્દીના પરિવારજનોએ ડોક્ટરોની વાત માની જો અંત્યેષ્ઠિ કરી દીધી હોત તો વ્યારા સિવિલનું કોવિડ-૧૯ હોસ્પિટલ તબીબોના ભરોસે છે કે પછી પટાવાળાઓના ભરોશે ? કારણ કે, ગત રોજ કોરોનાના નેગેટિવ આવેલા શિક્ષકનું મોત થયા બાદ તેઓના સગાએ પણ કોરોનાના દર્દીને સારવાર આપવા રાત્રિએ તબીબો કે નર્સો જતી નથી તેવા સીધા આક્ષેપો કર્યા હતા.
સારવાર આપનાર તબીબથી ભૂલ થઈ છે, તે હું સ્વીકારું છું: ડો.નૈતિક ચૌધરી
તાપી સિવિલના ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર ડો.નૈતિકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ભૂલથી હું દુઃખ સાથે ખૂબ જ દિલગીરી વ્યક્ત કરું છું. આ પ્રકારની ભૂલને માનવ ઉચિત કહી શકાય. તબીબો પર કામનું ભારણ વધુ હોય છે. બે દર્દી એકસાથે એક સમય દાખલ થતા હોય ત્યારે બે જણાનાં નામમાં મિસ અન્ડર સ્ટેન્ડિંગ થઈ છે. ફરજ પરના કર્મચારીને પણ આની જાણ થતાં તાત્કાલિક તેનો સુધારો કરી લીધો છે. આ બાબતને અમે ગંભીરતાથી લીધી છે. હવે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી લેવાશે. સારવાર આપનાર તબીબથી આ પ્રકારની ભૂલ થઈ છે. આ ભૂલને હું સ્વીકારું છું.