હથોડા: (Hathoda) મોટા બોરસરા જીઆઇડીસીમાં (GIDC) આવેલી નીલમ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં અગાઉના મુદ્દામાલ ઉપર આજે વરસાદનું (Rain) પાણી પડતાં, ધુમાડો નીકળતાં તેમજ દુર્ગંધ ફેલાતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતાં આસપાસના વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. ઘટનાને પગલે GPCB અને ફાયર વિભાગ દોડતું થયું હતું.
- મોટા બોરસરાની નીલમ કંપનીમાં ઝેરી મુદ્દામાલમાંથી ફરી ધુમાડો નીકળતાં લોકોને ગૂંગળામણનો અનુભવ
- તાજેતરમાં જ બેરલનું ઢાંકણું ખોલતાં કેમિકલ લીક થવાથી ચારનાં મોત થયાં હતાં
મોટા બોરસરા જીઆઇડીસીમાં આવેલી નીલમ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં એક મહિના પહેલાં કેમિકલના બેરલનું ઢાંકણું ખોલતાં કેમિકલ લીક થતાં સર્જાયેલી ઘટનામાં ચારનાં મોત થવાની ઘટના બની હતી. અને જે-તે સમયે માલિક સહિત બે સામે ગુનો દાખલ થયો હતો. એ જ નીલમ કંપનીમાં અગાઉના મુદ્દામાલ ઉપર આજે વરસાદનું પાણી પડતાં, ધુમાડો નીકળતાં તેમજ દુર્ગંધ ફેલાતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતાં આસપાસના વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જી.પી.સી.બી. તંત્ર, ફાયરની ટીમ તેમજ પોલીસ તંત્ર ઘટના સ્થળે ધસી ગયું હતું અને જરૂરી કામગીરી કરી ધુમાડો બંધ કરી દુર્ગંધ બંધ કરી હતી.
કંપનીમાં અગાઉના ચૂનાનો પાઉડર જેવો કેમિકલયુક્ત મુદ્દામાલ થોડો ઘણો હતો. જે દીવાલ પાસે હોવાથી વરસાદનું પાણી દીવાલ પરથી તેના પર પડતાં ધુમાડાના ગોટેગોટા દુર્ગંધ સાથે નીકળ્યા હતા. અને આસપાસના વિસ્તારમાં ફેલાતાં લોકોને ગૂંગળામણ જેવો અનુભવ થયો હતો. શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. આ ઘટના અંગે જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું.
માંડવીના ગામતળાવ બુજરંગમાં વરસાદથી રસોડાની દીવાલ ધરાશાયી : પરિવારનો બચાવ
માંડવી: માંડવીના ગામતળાવ બુજરંગ ગામે મોડી સાંજે મુશળધાર વરસાદ પડતાં ઘરના રસોડાની દીવાલ ધરાશાયી થઈ હતી. પરંતુ પરિવારનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેર તથા જિલ્લામાં મુશળધાર વરસાદ પડતાં કેટલીક જગ્યાએ નુકસાન થયાનું બહાર આવ્યું છે. ત્યારે માંડવી તાલુકામાં આવેલા ગામતળાવ (બુજરંગ) ગામે કેવડા ફળિયામાં રહેતી મધુબેન કાળીદાસભાઈ વસાવાના ઘરના રસોડાની દીવાલ મોડી રાત્રે 3 વાગ્યાના સમયે ધરાશાયી થતાં નુકસાન થયું હતું. પરંતુ પરિવાર ઘરના આગળના રૂમમાં સૂતેલા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જે અંગેની જાણ ગામનાં મહિલા સરપંચ છાયાબેન હળપતિ તથા ડેપ્યુટી સરપંચ હાર્દિક પટેલને થતાં સ્થળ નિરીક્ષણ કરી તલાટી રંજનબેન ચૌધરી જણાવતા સરવેની હાથ ધરી હતી.