SURAT

મોડી રાત્રે ઉકાઈ ડેમમાં આવતા પાણીની માત્રા ઘટી, હથનૂરમાંથી રાત્રે 1 કલાકે 75 હજાર ક્યુસેક પાણી છોડાયું


ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે હથનૂર ડેમમાંથી મોટાપાયે પાણી છોડાતાં ઉકાઈ ડેમમાં રવિવારે આવક 5 લાખ ક્યુસેકથી પણ વધી ગઈ
ઉકાઈ ડેમની સપાટી તેની ભયજનક 345થી વધે નહીં તે માટે 3.50 લાખ ક્યુસેક પાણી મોડીરાતથી છોડાતાં તેની અસર સોમવારે સવારે જોવા મળશે
ઉપરવાસમાં નવો વરસાદ નહીં પડે તો સ્થિતિ બે દિવસમાં સામાન્ય થવાની ધારણા, અન્યથા સુરતવાસીઓ માટે મોટી ચિંતા સર્જાશે

સુરત: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક 5 લાખ ક્યુસેકથી પણ વધી જતાં રવિવારે ઉકાઈની સાથે સાથે સુરત મનપાના શ્વાસ પણ અદ્ધર થઈ જવા પામ્યા છે. ઉકાઈમાંથી 5.34 લાખ ક્યુસેક પાણીની આવક સામે તંત્રએ મોડી રાત્રે 3 કલાકે 3.50 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનો નિર્ણય કરતાં આવતીકાલે તાપી નદી બંને કાંઠે વહેવાની સાથે તેની ફરતેના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જશે. સુરતવાસીઓને ચિંતામાં મૂકી દેનારી ઉકાઈ ડેમમાં પાણીની આવક અને જાવકમાં મોડી રાત્રે એટલા રાહતના સમાચાર મળ્યા હતા કે હથનુર ડેમમાંથી છોડવામાં આવતા પાણીની માત્રા રાત્રે 12 કલાકે 75 હજાર ક્યુસેક કરી દેવામાં આવી હતી. હથનુર ડેમમાંથી પાણીની જાવક ઘટી જતાં ઉકાઈ ડેમમાં આવતી પાણીની આવકમાં પણ ઘટાડો નોંધાયો હતો. રાત્રે 1 કલાકે ઉકાઈ ડેમમાં પાણીની આવક 4.81 લાખ ક્યુસેક નોંધાઈ હતી. જેને પગલે હવે ઉકાઈમાં આવતા પાણીના જથ્થામાં ઘટાડો થવાની સંભાવના છે.

ઉકાઈ ડેમથી મળતી માહિતી પ્રમાણે, હથનૂર ડેમમાંથી છોડવામાં આવતા પાણીની માત્રા ક્રમશ: ઘટી રહી છે. સાંજે આ માત્રા 1 લાખ ક્યુસેકની આસપાસ હતી. જે મોડી રાત્રે ઘટીને 75 હજાર ક્યુસેક થઈ ગઈ હતી. જોકે, તે પહેલા હથનૂર ડેમમાંથી મોટી માત્રામાં છોડવામાં આવેલું પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું હોવાથી ઉકાઈ ડેમમાં પાણીની આવક રવિવારે ક્રમશ: વધીને 5 લાખ ક્યુસેક કરતાં પણ વધારે જોવા મળી હતી. હથનૂર ડેમમાંથી છોડવામાં આવેલું પાણી 24 કલાકે ઉકાઈ ડેમમાં આવતું હોવાથી ઉકાઈ ડેમમાં પાણીની આવક એકાદ દિવસ સુધી ચાલું રહેશે અને બાદમાં ક્રમશ: ઘટતી રહેશે. ઉપરવાસમાં પડેલો વરસાદ થંભી જતાં હથનૂર ડેમમાં પાણીની આવક પણ મોટાપ્રમાણમાં ઘટી ગઈ છે. જો ઉપરવાસમાં નવો વરસાદ નહીં પડે તો બે દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ શકે પણ જો ફરી ઉપરવાસમાં વરસાદ પડશે તો તે સુરત માટે મોટી ચિંતાનું કારણ બની શકે છે. સુરત મનપાના અધિકારીઓ દ્વારા સતત રાત્રે જાગતા રહીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

સુરતમાં ફ્લડગેટ બંધ કરવામાં આવતા અને તાપી નદીમાં 3.50 લાખ ક્યુસેક પાણી છોડાતાં જિલ્લાના વરસાદ સાથે તાપી નદીમાં ચારેક લાખ ક્યુસેક પાણીની અસર દેખાશે. જેને કારણે સુરતના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી આવવાની સંભાવના છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ગટરના પાણી બેક મારશે. મંગળવારથી ગણેશોત્સવ ચાલુ થઈ રહ્યો છે ત્યારે તેની પહેલા ફરી એક વખત ઉકાઈ ડેમ અને તાપી નદીની ભયાનકતા દેખાઈ રહી છે.

Most Popular

To Top