Comments

પગારદાર વર્ગ માટે આવકવેરો હવે સાવ અન્યાયી બની ગયો છે?

બજેટ રજૂ થઇ ચૂકયું છે. આવકવેરામાં મોટા પરિવર્તનની આશા રાખનાર નોકરિયાત વર્ગ શરૂઆતના ઉત્સાહ પછી નિરાશ થઇ ગયો છે. અર્થતંત્ર હવે બજેટથી મોટી અસર નથી પામતું માટે તે રાબેતા મુજબ ચાલી રહ્યું છે. ખાનગીકરણ અને ઉદારીકરણ પછી આર્થિક નિષ્ણાતો મોટે ભાગે વેપાર ઉદ્યોગ જગતના વકીલ બની ગયા છે. એટલે શુધ્ધ અર્થશાસ્ત્રીય ચર્ચાઓ ભાગ્યે જ જોવા મળે છે. સ્વતંત્રતા પછી તરત આર્થિક નીતિઓના ઘડતર માટે દુનિયાભરના વિદ્વાનોનો ભારતના ઘડવૈયા લાભ લેતા હતા. આપણે મિશ્ર અર્થતંત્ર વિચાર્યું અને વ્યાપક ગરીબીવાળા ભારતમાં સમાજવાદી સમાજરચનાને અગ્રિમતા આપી.

ભારતમાં વિકાસપ્રેરક કરમાળખું ઘડવા માટે અગ્રણી અર્થશાસ્ત્રીઓની સલાહ લેવામાં આવી. આયોજનની શરૂઆતમાં જ કાલ્ડોરે ભારતના સામાજિક આર્થિક માળખાને તપાસીને ભારતમાં આવકવેરાને બદલે ખર્ચ વેરો લેવાનું સૂચન કરેલું.
ભારતીય પ્રજાનું આવક સ્તર નબળું હતું. મોટા ભાગની પ્રજા ખેતી પર નિર્ભર હતી. અભણ અને હિસાબો અવ્યવસ્થિત રાખનારા લોકોની આવક કેવી રીતે જાણવી? વળી ખર્ચવૃત્તિ ઉંચી, વપરાશી ખર્ચ વધુ સામાજિક ધાર્મિક બાબતો પાછળ પરંપરાગત ખર્ચ વધારે બચતો ઓછી.આવા સંજોગોમાં લોકોમાં ખર્ચવૃત્તિ ઘટે, બચત વધે અને મૂડી રોકાણ માટે મૂડી મળે તેવા ઉદ્શોથી કાલ્ડોરે આવક પર વેરો લાદવાને બદલે ખર્ચ પર વેરો લાદવા ભલામણ કરેલી. વળી આવકવેરો હોય તો પણ તે એક મર્યાદાથી વધારે તો ન જ હોય તેમ પણ અર્થશાસ્ત્રીઓ માનતા. પણ નહેવીના સમાજવાદી સપનાએ આવકવેરાનો દર 98 ટકા જેટલો ઊંચો પણ રાખેલો!

ખેર, 1991 પછી ભારતમાં આવકવેરાનું માળખું રેશનલ થયું! એમાંય ચિદમારમ્‌ના ડ્રિમ બજેટ પછી આવકવેરાના સ્લેબમાં દર વર્ષે બદલાવ ન કરવો તેવા સ્થિરતાલક્ષી પગલાં લેવાયાં. આવકવેરાના ચાર- કે પાંચ સ્લેબ થયા અને આવકવેરાનો દર મહત્તમ ત્રીસ ટકા જેટલો રહેવા લાગ્યો. ઉદારીકરણ અને ખાનગીકરણને પણ હવે ત્રીસ વર્ષ થયાં. ખર્ચ-આવકના સ્તરમાં મોટો વધારો થયો. 1991માં ભારતીય જનતા પાર્ટીની માંગણી એક લાખ સુધીની આવકવેરા મુકત કરવાની હતી. જે 2011માં પાંચ લાખ થયેલી. હવે પોતે જ આવકવેરાનો સ્લેબ ત્રણ લાખથી આગળ વિચારી શકતા નથી. પણ હવે જી.એસ.ટી.નો નવો યુગ શરૂ થયો છે. સાથે સાથે નાણાં મંત્રી અમેરિકાની આવકવેરા નીતિથી પ્રભાવિત થઇને કોઇ પણ પ્રકારની કપાત વગરનું સીધું જ આવકવેરા માળખું લાવવા માંગે છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ અન્યાય અને સૌથી વધુ બોજો પગારદાર નોકરિયાત વર્ગ પર પડી રહ્યો છે.

સૌ પ્રથમ તો એ વિચારવું જરૂરી છે કે શું ભારતમાં બચતોને પ્રોત્સાહન આપવાનું બંધ કરી દેવું હિતાવહ છે? વળી જો હોમલોનના વ્યાજને પણ કરમુકત કરવામાં ન આવે તો પગારદાર નોકરિયાત વર્ગની હાલત શું થાય? વ્યકિતગત આવકવેરો ભરનારા મુખ્યત્વે બે પ્રકારનાં લોકો હોય છે! એક વ્યવસાયી કરદાતા અને બીજા પગારદાર કરદાતા. હવે જો તમામ કરપ્રોત્સાહન કપાતો રદ કરી દેવામાં આવે તો વ્યવસાયી કરદાતાને નુકસાન ન થાય પણ પગારદાર કરદાતાને નુકસાન થાય કારણ વ્યવસાયી કરદાતાની આવક ગણતા પહેલાં તેના ખર્ચ તેને બાદ મળે છે. જયારે પગારદાર કરદાતાની સંપૂર્ણ આવક જ કરપાત્ર ગણાય છે. દા.ત. વકીલ, ડોકટર, એન્જીનિયર જેવા વ્યવસાયી કરદાતાની આવક ગણતાં પહેલાં તેની ઓફિસનું ભાડું, મિલકતનો ઘસારો, લોનનું વ્યાજ, ગાડીનો ખર્ચ તેને બાદ મળે છે અને કુલ કમાણીમાંથી વ્યવસાય ચલાવવા જે ખર્ચ થયો તે બાદ કર્યા પછી જે બચે તે વેરા પાત્ર બને છે! પગારદાર વર્ગ માટે સરકાર તેની તમામ આવકને જ વેરા ગણવામાં ઉપયોગમાં લે છે. આવક કમાવા માટે કરવો પડતો વાજબી ખર્ચ પણ તેને બાદ મળતો નથી.

આમ તો સ્ટાન્ડર્ડ ડીડકશન એ આ કમાણી કરવા માટેનો ‘લમસમ ખર્ચ’ બાદ આપવા માટે જ છે! વચ્ચેના વર્ષમાં આ સ્ટાન્ડર્ડ ડિડકશન પણ રદ કરી દેવાયું હતું! પણ હવે તે ચાલુ કરવામાં આવ્યું છે. જો કે ત્રણ લાખની આવક અને પચાસ હજાર સ્ટાન્ડર્ડ ડિડકશન સાથે ગણતા સાડા ત્રણ લાખની આવક પછી વેરો શરૂ થઇ જાય છે. માત્ર જેને કુલ સાત લાખ કે તેથી ઓછી આવક છે તેને વેરો ભરવાનો નથી. મતલબ જેને મહિને 60 હજારથી ઓછો પગાર છે તેને! પણ જો તમારી પગારની આવક દસ લાખ છે તો તમે વેરો ત્રણ લાખના સ્લેબ પછી ભરો છો તે યાદ રાખો.

હવે જો કપાત વગરના માળખામાં પગારદાર કરદાતા જાય તો તેને વાહન વ્યવહાર ખર્ચ, પોતાની નોકરીમાં ટકી રહેવા કરવો પડતો ખર્ચ કે મકાનની લોનનું વ્યાજ બાદ મળતું નથી. વકીલને તેની ઓફીસ કે ડોકટરને તેના દવાખાના માટે લીધેલી લોનનો હપ્તો તથા વ્યાજ બધું જ બાદ મળે છે. ઓફીસ કે દવાખાને જવા આવવાના વાહનનો ઘસારો, પેટ્રોલ ખર્ચ બાદ મળે છે જયારે પગારદાર વર્ગને અપડાઉનમાં મહિને ત્રણથી પાંચ હજાર ખર્ચાય તો પણ બાદ મળતા નથી! હવે જી.એસ.ટી.નો વિચાર કરો. તમામ વેપાર ધંધા ઉદ્યોગોના કરવેરાની ગણતરીમાં જી.એસ.ટી બાદ મળે છે. જી.એસ.ટી.ની ગણતરીમાં રીબેટ પણ મળે છે. આખા અર્થતંત્રમાં માત્ર પગારદાર કર્મચારી એવો કરદાતા છે જેને જી.એસ.ટી. બાદ મળતો નથી. ઉલ્ટાનું તે બધે જ વેરા ભરે છે અને વર્ષના અંતે આ ભરેલા વેરા પર પણ વેરો ભરે છે.

કરવેરાના સિદ્ધાંતોમાં ‘સમાન સાથે સરખો ન્યાય’ સરખા લોકો સરખો ત્યાગ કરે ‘વેરા ઉપર વેરો ન હોય.આવા પાયાના નિયમ છે. જયારે આજે ભારતમાં પગારદાર નોકરિયાત વર્ગ ટોલેટેક્ષ ભરે, મિલકતવેરો ભરે, સવારે દૂધની થેલીથી રાત્રે સિનેમાના મનોરંજન સુધી જી.એસ.ટી. ભરે, પંડોલ પર વેરો ભરે, મોબાઈલ પર વેરા ભરે હવે તો બેંકમાં ચેકબુક લે તો ચાર્જ ચૂકવે. પચાસ હજારથી વધુ ખાતામાં જમા કરાવે છે.ઉપાડે તો હેન્ડબીલ ચાર્જ ચૂકવે. અને આખું વરસ જે ટેક્ષ વેરો, ચાર્જ ચૂકવે છે તે તેની આવકમાં ગણાય છે. માટે તેના પર પણ ટેક્ષ ચૂકવે છે. માટે અર્થશાસ્ત્રના શુદ્ધ નિયમો મુજબ વિચારીએ તો સત્તાવાળાએ પગારદાર કરદાતા માટે વેરો ઉઘરાવવાનો કોઇ નવો વિકલ્પ વિચારવો પડશે.

છેલ્લે (ભારતીય સંસ્કૃતિ અને સંયુકત કુટુંબ પ્રથા જેવાં માનવમૂલ્યોને આદર આપનારી સરકારને જણાવવાનું કે જે એક ઘરમાં છ સભ્યો છે અને બધા સાથે રહે છે. બધાનો વાર્ષિક પગાર છ લાખ છે તો ત્રીસ લાખની આવક થવા છતાં તે કુટુંબ વેરો ભરશે નહીં અને બાજુમાં જ ઘરડાં મા-બાપ ભણતાં ભાઈ-બહેન સાથે રાખીને નોકરી કરતો વ્યક્તિ જેને પત્ની સૌને સાચવે છે એક બાળકને ભણાવે છે અને કુલ આઠ વ્યક્તિના આ કુટુંબમાં એક જ વ્યક્તિ કમાય છે જેની પગારની આવક પચ્ચીસ લાખ છે તે પાંચ લાખ વેરો ભરશે. સંસ્કૃતિને બચાવવા આમાં કાંઇ થઇ શકે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top