Columns

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ધમકી આપીનેઅમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા મજબૂર કર્યું છે?

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થયું છે, તેવા સમાચાર ભારતના વડા પ્રધાન કે વેપાર પ્રધાન દ્વારા નહીં પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવ્યા તે જોયા પછી દાળમાં કાંઈક કાળું હોવાની શંકા પેદા થયા વિના રહેતી નથી. હજુ સુધી ભારત કે અમેરિકા દ્વારા અધિકૃત રીતે આ ટ્રેડ ડીલની વિગતો જાહેર કરવામાં આવી નથી; પણ અમેરિકાએ ભારત પરનો ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો તે જાણ્યા પછી લાગ્યા વિના રહેતું નથી કે અમેરિકાનો લાલો લાભ વગર લોટે તે વાતમાં માલ નથી.

અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડ્યો તેની સામે ભારતે શું ગુમાવ્યું? તેની વિગતો પણ હજુ જાહેર થઈ નથી, પણ અમેરિકાના કૃષિસચિવ બ્રુક રોલિન્સની જાહેરાત પછી લાગે છે કે તેને કારણે ભારતના કિસાનોનો કોળિયો ઝૂંટવી લેવામાં આવશે અને અમેરિકાના ખેડૂતોનું ખપ્પર ભરવામાં આવશે. ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરારની જાહેરાત બાદ યુએસ કૃષિસચિવ બ્રુક રોલિન્સે જણાવ્યું હતું કે આ વેપાર કરારથી ભારતીય બજારમાં અમેરિકાનાં કૃષિ-ઉત્પાદનોની નિકાસમાં વધારો થવાની અપેક્ષા છે.

અમેરિકાના કૃષિસચિવ બ્રુક રોલિન્સે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે નવા અમેરિકા-ભારત કરારથી ભારતના વિશાળ બજારમાં અમેરિકાનાં કૃષિ-ઉત્પાદનોની નિકાસ વધશે. તેમણે વધુમાં જણાવ્યું કે ૨૦૨૪ માં ભારત સાથે અમેરિકાની કૃષિ વેપાર ખાધ ૧.૩ અબજ ડોલરની હતી. ભારતની વધતી વસ્તી અમેરિકાનાં કૃષિ-ઉત્પાદનો માટે એક મહત્ત્વપૂર્ણ બજાર છે અને આજનો કરાર આ ખાધ ઘટાડવામાં ઘણી મદદ કરશે. તેમણે વ્હાઇટ હાઉસની એક પોસ્ટ શેર કરી જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી , જે દરમિયાન મોદી રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકાના તેલની ખરીદી વધારવા સંમત થયા હતા, જેમાં વેનેઝુએલાનો પણ સમાવેશ થાય છે. કદાચ એપ્સ્ટિન ફાઇલનો ઉપયોગ કરીને મોદીને આ કરાર માટે તૈયાર કરવામાં આવ્યા હોય તેવું પણ બની શકે છે.

હકીકતમાં, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અચાનક ભારત સાથેના ટ્રેડ ડીલની જાહેરાત કરવા પાછળ કારણ ભારત-EU વેપાર કરાર છે. આ કરારની જાહેરાત પછી ડોનાલ્ડ ટ્રમ્પને પોતે પાછળ રહી ગયા હોવાની લાગણી થઈ હતી, જેને કારણે તેમણે ભારત સાથેનો કરાર કરવામાં ઉતાવળ રાખી હતી. ભારત-EU વેપાર કરાર સૌથી સ્પષ્ટ આર્થિક કરાર છે. આ કરાર નિઃશંકપણે બંને પક્ષો વચ્ચે વેપારમાં વધારો કરશે. EU પહેલેથી જ માલસામાનમાં આપણો સૌથી મોટો વેપાર ભાગીદાર છે અને જો સેવાઓનો સમાવેશ કરવામાં આવે તો બીજો સૌથી મોટો ભાગીદાર બનશે.  હાલમાં અમેરિકા ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. FTA વિના પણ આ વાસ્તવિકતા છે.

FTAમાં કેટલીક સેવાઓનો સમાવેશ થાય છે, તેથી ત્યાં પણ ફાયદા હોવા જોઈએ. ભારત અને EU માટેના સંભવિત વેપાર લાભોની આપણા મીડિયામાં આર્થિક નિષ્ણાતો અને અન્ય લોકો દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ભારત માટે સૌથી મોટો ફાયદો એ થશે કે આપણા અર્થતંત્રના શ્રમ અને રોજગાર-સઘન ક્ષેત્રો, જેમ કે કાપડ, ચામડાંની ચીજવસ્તુઓ, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, જે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ૫૦ ટકા ટેરિફ હેઠળ અમેરિકામાં નિકાસમાં ઘટાડો થવાને કારણે દબાણ હેઠળ આવ્યા હતા, તેમના માટે EU બજારમાં પ્રવેશ મળશે. અલબત્ત, આ માલ પર શૂન્ય ટેરિફના ફાયદા ભારત-EU FTA અમલમાં આવ્યા પછી જ કાર્યરત થશે.

જો અમેરિકા એવું વિચારતું હોય કે તે ભારતને શરણાગતિ સ્વીકારવા માટે ધમકાવી શકે છે, તો વાસ્તવિકતા એ છે કે ભારતને ઘણા દેશો સાથે FTA વાટાઘાટો કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યું છે, જેથી WTO ની નબળી પડતી ખંડિત વેપાર-વ્યવસ્થામાં ભારત પસંદગીના ભાગીદારો સાથે અનુકૂળ વેપાર વ્યવસ્થા કરી શકે. ભારતે પહેલાથી જ UK, યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસીએશન, ઓસ્ટ્રેલિયા, UAE, ન્યુઝીલેન્ડ અને ઓમાન સાથે FTA પર હસ્તાક્ષર કર્યા છે. તે ચિલી, પેરુ અને ઇઝરાયલ સાથે પણ સોદાઓ પર વાટાઘાટો કરી રહ્યું છે અને કેનેડા સાથે FTA વાટાઘાટો ફરી શરૂ થઈ રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની માંગણીઓના જવાબમાં EU દેશો તેમના સંરક્ષણ ખર્ચમાં વધારો કરી રહ્યા છે, પરંતુ હવે તેમની સુરક્ષા માટે અમેરિકા પર નિર્ભરતા ઘટાડવા માટે તેમની પાસે પોતાની સ્વતંત્ર સંરક્ષણ ક્ષમતાઓ વિકસાવવાનું પ્રોત્સાહન છે, કારણ કે હવે NATO હેઠળ યુરોપ માટે અમેરિકાનું સુરક્ષા છત્ર અનિશ્ચિત બની ગયું છે. ભારત યુરોપમાં નવી સંરક્ષણ ઉત્પાદન સપ્લાય ચેઇનમાં ભાગ લઈ શકે છે અને ભારતના પોતાના સંરક્ષણ આત્મનિર્ભરતાના ભાગરૂપે યુરોપિયન યુનિયન સંયુક્ત વિકાસ અને ઉત્પાદનનું અન્વેષણ પણ કરી શકે છે.  ભારત અને EU વચ્ચેના વેપાર કરારની સરખામણી ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરાર સાથે કરવા જેવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રેઝરી અને વાણિજ્ય સચિવોની મહિનાઓની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ પછી અચાનક પોતાનો રસ્તો બદલી નાખ્યો છે અને ભારત સાથે વેપાર કરારની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે મોદી રશિયન ખનિજ તેલ ન ખરીદવા માટે સંમત થયા છે અને ભારત હવે અમેરિકન અને સંભવિત રીતે વેનેઝુએલાનું તેલ ખરીદશે. જો કે, વડા પ્રધાન મોદીએ આવી કોઈ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોય તેવું જાહેર કરવામાં આવ્યું નથી, કારણ કે ભારતનું વલણ એ રહ્યું છે કે અમારા નિર્ણયો બજારનાં પરિબળો, ભાવ પરિબળ, સ્રોતોના વૈવિધ્યીકરણ અને ઊર્જા સુરક્ષા પર આધારિત હશે. હકીકતમાં, અમેરિકન સંરક્ષણ કંપનીઓ ભારતીય બજારમાં યુરોપ સામે હારી જવાથી ગભરાઈ ગઈ હતી, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પ્રત્યેની વેપાર નીતિઓ અમેરિકા સાથે સંરક્ષણ ભાગીદારીમાં વિશ્વાસ ઘટાડી રહી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત અમેરિકાનાં ઉત્પાદનો પર શૂન્ય ટેરિફ તરફ આગળ વધશે તે ગેરમાર્ગે દોરનારું છે, કારણ કે ભારતે તમામ ક્ષેત્રોમાં નહીં પરંતુ પસંદગીના અમેરિકન ઔદ્યોગિક ઉત્પાદનો પર શૂન્ય ટેરિફ માટે સંમતિ આપી હોય તેવું લાગે છે. ભારત ૫૦૦ અબજ ડોલરના અમેરિકી ઊર્જા, ટેકનોલોજી, કૃષિપેદાશો અને કોલસો ખરીદશે તે ડોનાલ્ડ ટ્રમ્પની એવું બતાવવાની યુક્તિ છે કે તેમની માંગણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને સોદો કરવાની તેમની બળજબરીભરી પદ્ધતિઓ હંમેશા સફળ રહે છે.

કોઈ પણ સંજોગોમાં, ભારતની એવી અપેક્ષા નહોતી કે અમેરિકા આપણી શ્રમ-સઘન નિકાસને ડ્યુટી-મુક્ત પહોંચ આપશે, કારણ કે અમેરિકા બાંગ્લા દેશની કાપડ આયાત પર ૨૦ ટકા અને પાકિસ્તાનના કિસ્સામાં ૧૯ ટકા ટેરિફ લાગુ કરી રહ્યું છે. જો ભારત પરનો ટેરિફ ૧૮ ટકા કરાયો છે, તો તે આપણને થોડો ફાયદો આપે છે. તેમ છતાં, ભારત-EU વેપાર કરાર દ્વારા EU સાથે શૂન્ય-ટેરિફ શાસન અને અમેરિકા સાથે નાના ફાયદાકારક ટેરિફ શાસન સાથે, આપણે પડોશીઓ કરતાં સારી સ્થિતિમાં છીએ.

ભારતમાં અમેરિકાની કૃષિપેદાશોની આયાત બાબતમાં હજુ પણ ગૂંચવાડો દેખાઈ રહ્યો છે. ભારત સરકારનાં ઉચ્ચ સ્તરીય સૂત્રો કહે છે કે ‘‘ભારત-અમેરિકા વેપાર કરારમાં ભારતીય કૃષિ-ઉત્પાદનો પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. સરકાર કૃષિ-ઉત્પાદનો પર પોતાના વલણ પર અડગ રહે છે. કૃષિ અને ડેરી પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. કૃષિ અને ડેરીમાં ભારતીય હિતો પહેલાં પણ હતાં, હજુ પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. મોદી સરકાર ભારતીય ખેડૂતોનાં હિતો પર કોઈ સમાધાન કરશે નહીં.’’ એક બાજુ ભારત સરકારની આ જાહેરાત છે અને બીજી બાજુ અમેરિકાના કૃષિસચિવ બ્રુક રોલિન્સની જાહેરાત છે; કોના પર વિશ્વાસ મૂકી શકાય?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top