Vadodara

હર્ષિલે સિક્યુરિટી કોન્ટ્રાકટર પાસેથી પણ રૂ.9.76 લાખ ખંખેરી લીધા

વડોદરા : વડોદરાના મહાઠગ હર્ષિલ લિંબાચીયા સામે અગાઉ માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલા રૂપિયા 48 લાખની છેતરપિંડીની ગુનામાં આજે ફર્ધર રિમાન્ડ પુર્ણ થાય છે. તે પહેલા જ મહાઠગ સામે માંજલપુર પોલીસ મથકમાં વધુ એક છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. હર્ષિલ લિંબાચીયાએ જીએમઇઆરએસમાં સેટીંગ કરીને સિક્યુરીટીનો કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને બોગસ વર્ક ઓર્ડર આપી લાખો પડાવ્યા હતા.

માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, દિપકકુમાર સતીષચંદ શર્મા (ઉં. 40) (રહે. ચાણક્ય પુરી, સમા રોડ) સિક્યુરીટી એજન્સીનું કામ કરે છે. તેઓ ઇન્ડિયન આર્મર સર્વિસીસ નામથી સિક્યુરીટી ચલાવે છે જેની ઓફિસ છાણી ખાતે આવેલી છે. વર્ષ 2019માં તેઓ મિત્ર થકી હર્ષિલ લિંબાચીયાના સંપર્કમાં આવ્યા હતા. હર્ષિલે મુલાકાતમાં જણાવ્યું કે, જીએમઇઆરએસના સમગ્ર ગુજરાતના ડાયરેક્ટર સાથે મારે ઓળખાણ છે. સેટીંગ કરાવીને સિક્યોરીટીના કોન્ટ્રાક્ટ અપાવું છું, તમારે કામ હોય તો કહેજો. વાત આગળ વધતા હર્ષિલે દિપક કુમાર પાસેથી સિક્યોરીટીના કોન્ટ્રાક્ટના કમિશ્ન પેટે રૂ. 11 લાખ રોકડાની માંગ કરી હતી.

જે ડાયરેક્ટર સાથે મીટીંગ બાદ આપવાનું નક્કી થયું હતું. જે બાદ હર્ષિલે એક દિવસ સવારે ફોન કરીને ડાયરેક્ટરને મળવાનું છે તેમ કહીને  ગોત્રી લઇ ગયો હતો. ત્યાં પાર્કિંગમાં દિપકકુમારને બેસાડીને ડાયરેક્ટરને ફોન કરૂ છું તેમ જણાવ્યું હતું. કોઇની સાથે ફોન પર વાત કરી જવાબ આપ્યો કે, ડાયરેક્ટર ગાંધીનગર છે. કાલે આવવાના છે, કાલે મળીશું. તેમ કહી દિપક કુમારને એક મોબાઇલ નંબર આપ્યો હતો. જે નંબર ડાયરેક્ટર સંજયરાવ શુક્લાનો હોવાનું કહ્યું હતું. અને તેના પર ફોન નહિ કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ કોન્ટ્રાક્ટનો વર્ક ઓર્ડર મળી ગયો હોવાની જાણ કરતો ફોન હર્ષિલ લિંબાચીયાએ કર્યો હતો.હર્ષિલે વોટ્સએપ થકી દિપકકુમારને મોકલી આપી હતી. વર્ક ઓર્ડરની હાર્ડ કોપી લેવા માટે રૂ. 9 લાખ રોકડા લઇને હર્ષિલના ઘરે બોલાવ્યા હતા. હ. અને રૂ. 1 લાખ ગુગલ પે મારફતે હર્ષિલને મોકલ્યા હતા. પછી ડાયરેક્ટર શુક્લાને આઇફોન અને રૂ. 31,500 રોકડા ગિફ્ટમાં આપવાના હોવાનું જણાવીને બંને વસ્તુઓ મંગાવી હતી.

આખરે સિક્યોરીટીના માણસે ક્યાં ક્યાં મુકવાના છે તે સહિતની માહિતી માંગતા હર્ષિલે પુછીને જાણ કરવાનું જણાવ્યું હતું.  દિપકકુમારે  ઇન્કવાયરી કરતા કોઇ સિક્યોરીટી બદલવાની નહિ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓએ હર્ષિલ પાસેથી રૂ. 11 લાખ પરત માંગ્યા હતા.  તેણે બે ચેક આપ્યા હતા. જે બાઉન્સ થયા હતા. સમગ્ર બનાવટી વર્ક ઓર્ડરના કૌભાંડમાં હર્ષિલે રૂ. 9.76 લાખની ઠગાઇ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. તે ઉપરાંત જીએસટી, સિક્યુરીટી ગાર્ડના યુનિફોર્મ મળીને રૂ. 9.76 લાખનું નુકશાન પહોંચાડ્યું હતું. આખરે હર્ષિલ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મહાઠગની માયાજાળમાં ફસાયેલા અનેક લોકો આગળ આવી શકે છે. અને ઠગાઇના વધુ કિસ્સાઓ પોલીસ મથક સુધી પહોંચે તો નવાઇ નહિ.

Most Popular

To Top