SURAT

વડાપ્રધાન સાથે મુલાકાત બાદ સુરતના નેતા હર્ષ સંઘવી વિશે ઉઠી આવી ચર્ચા

સુરત: એક સમયે ભાજપના (BJP) સામાન્ય કાર્યકર હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે દક્ષિણ ગુજરાતમાંથી (South Gujarat) ભાજપના સૌથી મોટા ગજાના નેતા તરીકે ઉભરી ગયા છે. સને 2012માં હર્ષ સંઘવીએ મજૂરા બેઠક પરથી પહેલી વખત ચૂંટણી (Election) લડ્યા બાદ બીજી ટર્મમાં રાજ્ય સરકારમાં બીજા નંબરનું મનાતું ગૃહ વિભાગ (Home Ministry) અને છેલ્લે મહેસૂલ વિભાગ પણ સંભાળનાર હર્ષ સંઘવી આગામી ચૂંટણી બાદ રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી કે મુખ્યમંત્રી બને તેવી સંભાવના રાજકીય વર્તૂળો જોઈ રહ્યા છે. હર્ષ સંઘવીનું ધીરેધીરે ભાજપમાં કદ વધી રહ્યું છે અને તે ત્યાં સુધી કે જ્યારે વડોદરામાં ટિકીટ કપાતા આગેવાનો દ્વારા બળવો કરવામાં આવ્યો ત્યારે પાર્ટીએ તેમને સમજાવવા માટે હર્ષ સંઘવીને જ મોકલ્યા હતા. જે રીતે ભાજપ દ્વારા હર્ષ સંઘવીને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા તે જોતા સરકારમાં તેઓ અતિ મહત્વના સ્થાને હશે તે નક્કી છે.

  • અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ બનશે તેવી જાહેરાત કરી જ છે પરંતુ રાજકીય વર્તુળોમાં હર્ષ સંઘવીના નામની ચર્ચા
  • મોરબી હોનારત વખતે મોદી દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી ત્યારે હર્ષ સંઘવી તેમની સાથે જ હતા
  • સુરતમાં પણ મોદીની સાથેની બેઠકમાં હર્ષ સંઘવી હાજર રહ્યા હતા અને મીટિંગ અઢી કલાક ચાલી હતી

હર્ષ સંઘવીએ જ્યારે પ્રથમ વખત ચૂંટણી લડી ત્યારે પાંચ વર્ષ તેઓ સામાન્ય ધારાસભ્ય રહ્યા હતા પરંતુ બાદમાં સીધા મહત્વનું ખાતું ધરાવતા ગૃહ વિભાગના મંત્રી બન્યા ત્યારે ખુદ ભાજપ આગેવાનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. હર્ષ સંઘવી અમિત શાહ અને નરેન્દ્ર મોદીની નજીકના મનાય છે. ત્યાં સુધી કે જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી પ્રચાર માટે ગુજરાત આવ્યા ત્યારે ત્યારે મોટાભાગે હર્ષ સંઘવી તેમની સાથે રહ્યા છે. મોરબીની હોનારત થઈ ત્યારે પણ વડાપ્રધાન મોદીની સાથે હર્ષ સંઘવી રહ્યા હતા. ગૃહરાજ્ય મંત્રી તરીકે હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવાથી માંડીને ગુનાખોરીને કાબુમાં કરવામાં સારી કામગીરી કરી હોવાનું ભાજપ હાઈકમાન્ડ માની રહ્યું છે. જેને કારણે ગાંધીનગરમાં ચૂંટણીલક્ષી ભાજપની મહત્વની બેઠકોમાં પણ હર્ષ સંઘવીની હાજરી જોવા મળી રહી છે. હર્ષ સંઘવી સાથે અમિત શાહ (Amit Shah) દ્વારા પણ અનેક બેઠકો કરીને હાલની ચૂંટણીની સ્થિતી જાણવામાં આવી છે.

હર્ષ સંઘવી ઉત્સાહિત છે. ભાજપના નિષ્ઠાવાન આગેવાન છે અને પાર્ટી માટે સતત દોડી શકે તેવા છે. સુરતમાં પણ જ્યારે વડાપ્રધાન મોદી આવ્યા ત્યારે સર્કિટ હાઉસમાં થયેલી મીટિંગમાં હર્ષ સંઘવી પણ હતા. મોદીએ બેથી અઢી કલાક સુધી મીટિંગ કરી હતી. કહે છે કે ચૂંટણીની અનેક વિગતો મોદીએ જાણી હતી. બાદમાં સર્કિટ હાઉસથી રવાના થતી વખતે મોદી સાથે હર્ષ સંઘવી પણ હતા. જે રીતે હર્ષ સંઘવીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પોતાની નજીક રાખી રહ્યા છે તે જોતાં આગામી દિવસોમાં હર્ષ સંઘવીને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે. આમ તો અમિત શાહ દ્વારા ભૂપેન્દ્ર પટેલને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી જ દેવામાં આવી છે પરંતુ હર્ષ સંઘવીને પણ આગળ લઈ જવાશે તેવું મનાઈ રહ્યું છે.

Most Popular

To Top