Dakshin Gujarat Main

આતંકી હુમલામાં ગોળી વાગ્યા બાદ જીવી ગયેલા વલસાડના હર્ષ દેસાઇ 3 વખત અમરનાથની યાત્રા કરી આવ્યા

વલસાડ (Valsad) : સમગ્ર વિશ્વમાં 21મી ઓગષ્ટે આતંકવાદી હુમલામાં (Terrorist Attack) માર્યા ગયેલાઓને યાદ કરવામાં આવે છે અને આતંકવાદી હુમલામાં બચી ગયેલા નાગરિકોને સપોર્ટ આપવાની વાત થતી હોય છે. વલસાડ જિલ્લાના કેટલાક નાગરિકો પણ આતંકવાદી હુમલાનો ભોગ બન્યા હતા. જેમાં બે મહિલાનો જીવ પણ ગયો હતો.

જ્યારે બસમાં સવાર અનેક લોકો આ હુમલામાં ઉગરી ગયા હતા. બસ ચાલક સલીમ શેખની ચપળતાએ અનેક લોકોનો જીવ બચાવ્યો હતો. આ હુમલામાં ગોળી વાગ્યા બાદ જીવી ગયેલા હર્ષ દેસાઇ હુમલા બાદ 3 વખત અમરનાથની યાત્રાએ (AmarnathYatra) જઇ આવ્યો છે. ત્યારે વલસાડના આ તમામ નાગરિકો હુમલાના આઘાતમાંથી ઉભરી આવ્યા હોવાનું જોવા મળ્યું છે.

વલસાડની ઓમ ટ્રાવેલ્સની બસ ગત 10મી જુલાઇ 2017ના રોજ અમરનાથ યાત્રા માટે જમ્મુથી કશ્મીરની વાદીઓમાંથી પસાર થઇ રહી હતી. ત્યારે તેના પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદી અબુ ઇસ્માઇલ અને તેના સાગરિતોએ ઓટોમેટિક ગનથી બસને ગોળીઓથી વિંધી કાઢી હતી. તેમના દ્વારા થયેલા આ આંધાધુંધ ફાયરીંગમાંથી વલસાડના બસચાલક સલીમ શેખે ચપળતાથી બસને ત્યાંથી દોડાવી બસમાં સવાર અનેકોના જીવ બચાવ્યા હતા.

જોકે, આ હુમલામાં વલસાડના વતની એવા યાત્રાળુ સુરેખાબેન પટેલ, લક્ષ્મીબેન પટેલનું અને યાત્રામાં રસોઇ બનાવવા ગયેલા લલીબેન પટેલનું ગોળી વાગવાથી મૃત્યુ નિપજ્યું હતુ. આ ઘટના બાદ સરકારે આતંકવાદી હુમલાનો ભોગ બની મોતને ભેંટનારાઓના પરિવારજનોને વળતર રૂપે રૂ. 21 લાખ ચૂકવ્યા હતા. જોકે, એ પહેલાં ભારતીય આર્મીએ આતંકવાદી હુમલો કરનાર અબુ ઇસ્માઇલને શોધી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેને લઇ હુમલાનો ભોગ બનનારાઓને ભારત સરકાર પર એક અનોખો વિશ્વાસ બેઠો હતો.

યાત્રાળુઓના જીવ બચાવનાર સલીમને જીવનરક્ષા પદક આપ્યો
આંતકવાદી હુમલામાં અનેકોનો જીવ ઉગારનારને લોકોએ અને સરકારે પણ અનેક પદક આપી સન્માનિત કર્યો છે. વલસાડના મુસ્લિમ બસ ચાલક સલિમે બસમાં સવાર મહત્તમ યાત્રાળુઓના જીવ બચાવ્યા હતા. જેને સરકારે જીવન રક્ષા પદક એનાયત કર્યો હતો. આ સિવાય અનેક સંસ્થાઓએ તેને સન્માનિત કર્યો હતો. બોલિવુડના ગાયક કલાકાર સોનુ નિગમે પણ સલીમને રૂ. 2 લાખના રોકડ પુરસ્કારથી નવાજ્યો હતો. તો બીજી તરફ સલીમે પણ મૃતકોને રૂ. 11 હજારની સહાય કરી હતી.

હુમલા પછી 3 વખત એ જ માર્ગે અમરનાથ જઇ આવ્યો
આતંકવાદી હુમલાનો ભોગ બનનાર ઓમ ટ્રાવેલ્સના સંચાલક હર્ષ દેસાઇને પણ હુમલામાં ગોળીઓ વાગી હતી. જેના કારણે તેને પહેલાં જમ્મુ કશ્મીર અને પછી વલસાડમાં સારવાર અપાઇ હતી. વલસાડમાં પણ તેના શરીરમાંથી ધાતુના અનેક પાર્ટીકલ્સ કઢાયા હતા.

આ હુમલા બાદ લોકોના સપોર્ટ મળતાં હર્ષ ત્યારબાદ 3 વખત અમરનાથની યાત્રા કરાવી હતી. આ વર્ષે પણ હર્ષે વલસાડના અનેક રહીશોને અમરનાથની યાત્રા કરાવી હતી. હર્ષે જણાવ્યું કે, હવે જમ્મુ કશ્મીરમાં જવાનો કોઇ ડર લાગતો નથી. છેલ્લા બે વર્ષથી અહીં ખુબ જ કડક સિક્યુરીટી છે. હવે ખૂબ સુરક્ષિત અનુભવ થાય છે. હુમલાની ઘટના બાદ હવે ડર નિકળી ગયો છે.

Most Popular

To Top