Gujarat

વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે કરાઈ SITની રચના, આરોપી તરફે વડોદરાના એક પણ વકીલ કેસ નહીં લડે

વડોદરા: (Vadodra) વડોદરાના હરણી તળાવમાં (Lake) ગુરુવારે સાંજે બનેલી બોટ (Boat) દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત થયા હતા. આ મામલે હવે સરકાર અને પોલીસે તપાસ તેજ કરી દીધી છે. બીજી તરફ ઘટના બાદ શહેરની બે હોસ્પિટલમાં મૃતદેહોને જોઈ બાળકોના વાલીઓનો આક્રંદ દેખાઈ રહ્યો હતો. દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકો અને શિક્ષકોના મૃતદેહોની શુક્રવારે અંતિમવિધિ કરવામાં આવી હતી જેને લઈ સમગ્ર વડોદરા શોકમય બન્યું હતું.

મહત્વની વાત એ છે કે આ ગંભીર ઘટના બાદ દુર્ઘટના મુદ્દે SITની રચના કરવામાં આવી છે. SITમાં કુલ 7 સભ્યોનો સમાવેશ કરાયો છે. એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી છે. જેમાં ઝોન 4 ડીસીપી પન્ના મોમાયા, ક્રાઇમ DCP યુવરાજસિંહ જાડેજા પણ શામલે છે. સાથેજ ક્રાઈમબ્રાંચના ACP, PI અને PSIનો પણ SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આરોપીઓના કેસ નહીં લડવાની વકીલ મંડળ દ્વારા જાહેરાત
હરણી તળાવમાં 14 જેટલા લોકોના મૃત્યું થયા બાદ વડોદરા બાર એસોશિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૂર્ઘટનાના પગલે વકીલ મંડળે વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહીં લડે તેવો નિર્ણય લીધો છે. બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોઈપણ વકીલ આરોપી તરફેણમાં કેસ નહિ લડે તેવી જાહેરાત કરી છે.આરોપી સાથે જો કોઈ વકીલ કેસ લડશે તો તેની સામે એક્શન લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ગઈકાલે વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકોનું ડૂબવાથી મોત નિપજ્યું હતી. બોટમાં ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. એટલું જ નહીં બાળકોને લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.

Most Popular

To Top