ગાંધીનગર: પાટીદાર (Patidar) અનામત આંદોલનના નેતા અને કોંગ્રેસના (Congress) પૂર્વ નેતા હાર્દિક પટેલે (Hardik Patel) 2 જૂને સવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના (C R Patil) હાથે કેસરીયો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે ભાજપમાં (BJP) જોડાયા. હાર્દિક પટેલના આ નિર્ણયથી ગુજરાતમાં રાજકીય ભડકો થયો છે. હાર્દિકનો આ નિર્ણય પાટીદારો અને કોંગ્રેસને ગમ્યો નથી, તો બીજી તરફ ભાજપના નેતા અને કાર્યકરો પણ નારાજ થયા છે. ચારેતરફથી હાર્દિકના ભાજપ પ્રવેશ અંગે તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ હાર્દિકના પક્ષપલટા પર ઘણી ચર્ચાએ જોર પકડ્યું છે.
હાર્દિકના એક સમયના ગુરૂ એવા લાલજી પટેલે તો હાર્દિકને સ્વાર્થી ગણાવ્યો છે. હાર્દિક પટેલેના ભાજપમાં જોડાવવાથી એસપીજીના (SPG) લાલજી પટેલે નારાજગી વ્યક્ત કરતા આકરા પ્રહાર કર્યા હતા. તેમણે હાર્દિકને સ્વાર્થી ગણાવ્યો હતો .તેમણે કહ્યું કે સમાજમાં બધાને ખબર પડી ગઈ છે કે આ માણસ પર વિશ્વાસ કરવા જેવો નથી આ માણસ રાજકીય માણસ છે, સમાજનો માણસ નથી.
હાર્દિકના ભાજપમાં જોડાયા બાદ સરદાર પટેલ ગ્રુપ (SPG)ના પ્રમુખ લાલજી પટેલે હાર્દિક પર અનેક સવાલો કરતા આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકના આ નિર્ણયથી તેમણે ખુલ્લીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હાર્દિક રાજકીય માણસ છે, હવે તે સમાજનો માણસ નથી. સમાજનું કામ એમનું એમ જ રહેશે. હાર્દિકના દાવા પ્રમાણે પાટીદાર સમાજના યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાનો અને પાટીદાર સમાજના શહીદ થયેલા યુવાનોના પરિવારોને ન્યાય અપાવવાના મુદ્દો ઠેરના ઠેર જ છે. વધુમાં તેમણે કહ્યું કે આજ સુધી જે પણ નેતા ભાજપમાં ગયા છે શું તેઓ પાટીદાર સમાજને ન્યાય અપાવી શક્યા છે? તો હવે શું હાર્દિક ભાજપમાં ગયા બાદ પાટીદાર સમાજને ન્યાય અપાવશે?
એસપીજીના પ્રમુખ લાલજી પટેલે કહ્યું કે પાટીદારો સાથે દગો થયો છે. પાટીદાર અનામત આંદોલન વખતે અમે તમામે નક્કી કર્યું હતું કે આંદોલનકારીમાંથી કોઈ પણ રાજનીતિમાં નહિં જાય. પણ હાર્દિક કોંગ્રેસમાં ગયા અને હેવ તેઓ ભાજપમાં ગયા અને ત્યાર બાદ તેઓ અન્ય પાર્ટીમાં જશે. લાલજી પટેલે હાર્દિક પટેલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત થયો છે, પાટીદારોનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે હાર્દિક તેના સ્વાર્થ માટે પાર્ટીઓ બદલી રહ્યો છે. બધાને ખબર પડી ગઈ છે કે આ માણસ પર વિશ્વાસ કરાય નહીં. પાટીદાર સમાજ છેતરાઈ ગયો છે.
સમાજના નામે કોઈ પણ આંદોલન શરૂ કરવામાં આવશે તો કોઈ વિશ્વાસ કરશે નહીં: અલ્પેશ કથિરિયા
પાટીદાર સમાજના કન્વીનર અને આંદોલન સમયે હાર્દિકના મિત્ર અલ્પેશ કથિરિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના આ નિર્ણયથી અમે દુ:ખી નથી પરંતુ ખુશ પણ નથી. હાર્દિકે કહ્યું હતું કે, ભાજપમાં જોડાવા પહેલાં તે પાટીદાર સમાડની ટીમ સાથે બેઠક કરશે. પરંતુ તેણે બેઠક કરી નથી. આ સાથે જ પાટીદાર સમાજના સહ કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે, સમાજના નામે કોઈ મુદ્દાને લઇને આંદોલન શરૂ કરવામાં આવશે. તો હાર્દિકને આ ઘટનાને કારણે હવે કોઈને તેમાં વિશ્વાસ નહીં રહે.
ભાજપમાં પણ નારાજગી દેખાઈ રહી છે
ભાજપના વરીષ્ઠ નેતા દિલીપ સંઘાણી થોડા મહિના અગાઉ હાર્દિક પટેલેને કચરો ગણાવ્યો હતો. ત્યારે હવે આજે હાર્દિક પટેલે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા બાદ દિલીપ સંઘાણી મૌન સાંધ્યું હતું. આ સિવાયકોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપના નેતાને સવાલ કરતા કહ્યું હતું કે હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ કરાવવોએ કેવી મજબૂરી. કાનના કીડા સરી પડે એવું બોલનારને ભાજપમાં કેમ લેવો પડ્યો. ભાજપની એવી તો કેવી મજબૂરી છે?