નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) હાલમાં વેસ્ટ ઈન્ડિઝ (WestIndies) સામે T20 સિરિઝ રમી રહી છે. વેસ્ટ ઈન્ડિઝ ટુરમાં ટીમ ઈન્ડિયાએ અગાઉ ટેસ્ટ અને વનડે સિરિઝ જીતી લીધી હતી. હવે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (HardikPandya) ટી20 સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. સિરિઝની ત્રીજી મેચ જીત્યા બાદ હાર્દિકની ટીકા થઈ રહી છે. ચાહકોએ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ હાર્દિક પંડ્યાને ટ્રોલ કર્યા બાદ હવે દિગ્ગજ ક્રિકેટરે હાર્દિક પંડ્યા પર મોટું નિવેદન આપ્યું છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરિઝની ત્રીજી મેચ બાદ હાર્દિક પંડ્યાની ઘણી ટીકા થઈ હતી. કારણ કે પંડ્યાએ યુવાન ખેલાડી તિલક વર્માને અડધી સદી ફટકારવાની તક આપી ન હતી. વર્મા જ્યારે 49 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સ્ટ્રાઈક પર આવેલા પંડ્યાએ સિક્સર ફટકારીને મેચને પુરી કરી દીધી હતી. પંડ્યાના સિક્સરના લીધે ભારત મેચ જીતી ગયું હતું પરંતુ ખેલદિલીની બાબતમાં પંડ્યા હારી ગયો હતો. સોશિયલ મીડિયા પર પંડ્યાને ‘સ્વાર્થી’ તરીકે લોકોએ ટ્રોલ કર્યો હતો.
દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ (AakashChopra) તિલક વર્માના (TilakVarma) કિસ્સામાં પોતાનો અભિપ્રાય આપતા ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો (MSDhoni) ઉલ્લેખ કર્યો હતો. આકાશે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ‘આ એક રસપ્રદ બાબત છે. હાર્દિકને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તેની ટીકા કરવામાં આવી રહી છે પરંતુ એક બીજી વાત એ છે કે તમે T20 ક્રિકેટમાં હાફ સેન્ચુરીના માઈલ સ્ટોનની વાત કેમ કરો છો?
આકાશ વધુમાં કહે છે કે, મને યાદ છે એકવાર એમએસ ધોનીએ ફોરવર્ડ ડિફેન્સિવ શોટ રમ્યો હતો. કારણ કે વિરાટ કોહલી (ViratKohli) બીજા છેડે હતો. ધોની ઇચ્છતો હતો કે વિરાટ મેચ પૂરી કરે. આકાશ ચોપરાએ વધુમાં કહ્યું કે, હાર્દિક પંડ્યાએ ધોની બનવાની જરૂર નથી, ભલે પંડ્યા ધોનીને પોતાનો આદર્શ માનતો હોય. તેમ છતાં ધોની જેવા બનવાની, તેમના જેવું વર્તન કરવાની પંડ્યાને જરૂર નથી.
વર્લ્ડ કપની મેચ યાદ આવી ગઈ
ત્રીજી T20 પછી સોશિયલ મીડિયા યુઝર્સે ભૂતપૂર્વ કેપ્ટન ધોનીનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ધોનીએ ખેલાડીઓ માટે નિઃસ્વાર્થપણું દર્શાવ્યું હતું. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2014 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલનો ચાહકો વારંવાર ઉલ્લેખ કરે છે. તે મેચમાં ધોની અને વિરાટ કોહલી ક્રિઝ પર હતા. ભારતને મેચ જીતવા માટે 7 બોલમાં માત્ર 1 રનની જરૂર હતી ત્યારે ધોની એક બોલનો સામનો કરી રહ્યો હતો. તેણે બોલ ડિફેન્સ કરી કોહલીને સ્ટ્રાઈક આપી હતી. કોહલી 42 બોલમાં 67 રન બનાવીને તે સમયે બેટિંગ કરી રહ્યો હતો. કોહલી તરફ ઈશારો કરતા ધોનીએ કહ્યું, મેચ પુરી કરો. ધોનીની વર્તણૂંકે ચાહકોના દિલ જીતી લીધા હતા.
ચોપરાએ તિલકના વખાણ કર્યા
આકાશ ચોપરાએ વધુમાં કહ્યું કે, ‘તિલક વર્મા ટી-20 સિરિઝમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તિલકે તેની પ્રથમ ત્રણ આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 30 પ્લસનો સ્કોર કર્યો અને તે આવું કરનાર પ્રથમ ભારતીય પણ છે. તેણે તેની અગાઉની મેચોમાં અડધી સદી ફટકારી હતી અને ત્રીજી મેચમાં પણ તે અડધી સદીની નજીક હતો, હકીકતમાં આ ફિફ્ટી પૂરી થવી જોઈતી હતી.
હાર્દિક પંડ્યાને સમજવો મુશ્કેલ છે
હાર્દિક પંડ્યાના નેતૃત્વના ગુણો અંગે પણ આકાશ ચોપરાએ વાત કરી હતી. ટી-20 સિરિઝમાં બોલરોના ઉપયોગ મામલે આકાશ ચોપરાએ પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે, પહેલી ત્રણ મેચોમાં બોલરોની પસંદગી, બોલરોનો જે રીતે હાર્દિકે ઉપયોગ કર્યો તે સમજની બહાર છે. હાર્દિક અનપ્રિડીક્ટેબલ છે.