જેઓ સાચા હકદાર છે, તેમના હકનું ખોટી વ્યક્તિઓ દ્વારા ખાઈ જવાને હરામખોરી જ કહેવાય, તેજ પ્રમાણે ન્યાયી રીતે જેમનો અધિકાર છે તેમના હિસ્સાનો લાભ ગમે તે પ્રકારે ઝૂંટવી લેવાની બાબતને પણ હરામખોરી કહી શકાય. સરકારે નિયત ગરીબી નીચેની આવકવાળા વાલીઓનાં બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મળે તે માટે પચીસ ટકાની સંખ્યામાં પ્રવેશ અપાવવાની યોજના કરી છે, તે માટે પ્રત્યેક એવા ગરીબ વિદ્યાર્થીદીઠ વાર્ષિક રૂપિયા તેર હજાર ચૂકવે છે. પ્રાથમિક શિક્ષણને ફરજિયાત કરવામાં આવ્યું છે.
ભ્રષ્ટાચારમાં રહેતા કેટલાક લાલચુ લોકો પોતાનાં બાળકોને ખોટી રીતે એ સરકારી સહાયનો લાભ અપાવવા લાલચુ વચેટિયાઓ દ્વારા અરજી કરાવે છે, જેમાં કહેવાય છે કે દશેક હજાર રૂપિયા પડાવાય છે અને તેનો અડધો ભાગ સરકારી અધિકારીને ધરી દઈ અરજી પાસ કરાવી દેવાય છે. આમ એવા લાલચુ ભ્રષ્ટાચારી વાલીઓ અને વચેટિયાઓ પાપ આચરીને તેમની હરામખોરી ચલાવે છે. જો ન્યાયી તપાસ થાય તો હરામખોરી આચરનાર વાલીઓ ખુલ્લા પડી જાય કારણ કે તેમનાં ઘર, રહેણીકરણી સાધન સંપન્ન પરિવાર જોવાં જ હોય છે, પોતીકા વાહનમાં ફરે છે અને વૈભવી ઠાઠમાં નિવાસ કરે છે.
સરકારે ગુપ્તરીતે આવા કેસો પકડી પાડી તેવાઓને સખત સા કરવી જોઈએ. ગરીબ વિદ્યાર્થી તરીકેની સરકારી શિક્ષણ સહાયક લાભની અરજી કરનારની મંજૂરી પહેલા પ્રવેશ અરજીની જાત તપાસ વિદ્યાર્થીના નિવાસસ્થાને જઈને થવી જોઈએ. શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં હરામખોરી કદી ન ચલાવી લેવાય. કેટલાક ફાઈવ સ્ટાર જેવી શાળાઓના સંચાલકો દરેક ધોરણના પાંચ પાંચ વર્ગ ખંડો બનાવી, એક વર્ગખંડ એવા ગરીબ વિદ્યાર્થીઓ માટે ફાળવી દે છે. શહેરમાં આજે તો વેપારી ધોરણે શિક્ષણની હાટડીઓ મંડાય છે, તેમાં સંનિષ્ઠ વિદ્યાસેવીઓ વિદેશની નૂતન સાધનસામગ્રી અને શિક્ષણ પધ્ધતિઓ સાથે મર્યાદિત સંખ્યામાં વર્ગો ચલાવવામાં આર્થિક સમસ્યાનો સામનો કરે છે.
ચીલાચાલુ પધ્ધતિએ અને મોટી સંખ્યાવાળા વર્ગોમાં બમણી આવક કરીને સામાન્ય શાળાઓ ચાલે છે, જેમાં વિદેશની શાળાઓની જેમ આધુનિક પધ્ધતિ શિક્ષણ આપવાની ચિંતા રહેતી નથી. શિક્ષણ નિરીક્ષકોએ તેની ખાસ નોંધ લઈને હેવાલ મૂકવો જોઈએ. ‘‘ભાર વિનાનું શિક્ષણ’’ માત્ર તુક્કો જ બની ગયું છે, બાળકની બેગ કે દફતરનું વજન લગભગ આઠ કિલો થઈ જાય છે એટલે શ્રેષ્ઠ ઉપાય એ છે કે એવી શાળા હોય, જ્યાં બાળક આખો દિવસ હળવેથી પ્રવૃત્ત રહે, વર્ગકાર્ય કરે અને નિયત તાસ પૂર્ણ થતાં શાળામાં જ ગૃહકાર્ય પણ કરી શકે.
લેખન-વાચન-ગોખણમાંથી ઊંચે આવી રમતગમત અને ઈતરપ્રવૃત્તિ પણ શાળામાં જ કરે, મધ્યાન્હ પૌષ્ટિક ભોજન પણ શાળામાં જ તે કરી શકે. પ્રસન્ન ચિત્તે અભ્યાસ કરે અને પ્રગતિ-વિકાસમાં કદમ માંડે. ગરીબ વિદ્યાર્થીઓ પણ સાધનસંપન્ન પરિવારનાં બાળકો સાથે એકરૂપ થઈ પોતાનું ઘડતર કરે અને સમાનતા અનુભવે, શાળામાં એવું વાતાવરણ રહે કે રજાના દિવસોમાં યે તેને શાળામાં જવાનું મન થાય. ‘‘આહાર તેવા ઓડકાર’’ કહેવત અનુસાર હરામખોરી કોઈને પચી શકે નહીં, મોડે વહેલે તો તેમણે ભોગવવું જ રહ્યું.
સુરત – યૂસુફ એમ.ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.