Business

હાર માને વો દૂજા હોગા પૂજા નહીં

પૂજા હેગડે એ બાબતે તો પોતાના વિશે મગરુરીથી કહી શકે જ કે તેનામાં સંજોગોને લડવાની ત્રેવડ છે. ‘મોંહે જો દડો’ માંથી ય બેઠી થઇ શકે છે. મહારાષ્ટ્રની આ છોકરી એમ કાંઇ હાર માનીને બેસે એવી નથી. છેલ્લે તે ‘હાઉસફૂલ-4’માં ઘણા બધા સ્ટાર્સના કાફલા સાથે આવેલી પણ એવી ફિલ્મ હાઉસફૂલ થાય તો પણ તેની સફળતા પર કોઇ એકનો અધિકાર ન હોય. તમિલ-તેલુગુ ફિલ્મોથી જ તે રાજી રહે એવી નથી અને મલ્ટી સ્ટારર પણ તેને રાજી રાખે તેમ નથી.

‘મોંહે જો દરો’ તેના માટે બેસ્ટ શરૂઆત બની હોત કારણ કે ઋતિક રોશન હીરો હતો અને આસુતોષ ગોવારીકર નિર્માતા-દિગ્દર્શક હોત પણ તેની નિષ્ફળતાએ તેને ભાન કરાવી દીધું કે સખ્ત મહેનત સિવાય વારો ઓવારો નથી અને અત્યારે કોરોનાના સમયમાં તેની પાસે ત્રણ ત્રણ હિન્દી ફિલ્મો અને એક તમિલ, ત્રણ તેલુગુ ફિલ્મ છે. સાઉથના સ્ટાર્સ સાથે તે ઘણી હિટ ફિલ્મ આપી ચુકી છે. પણ હિન્દીમાં ન આપી શકી તે વાતે બેચેન છે.

પૂજા 2022ના વર્ષને પોતાની રિ-એન્ટ્રીના વર્ષ તરીકે ગણી રહી છે કારણ કે પ્રભાસ સાથેની ‘રાધેશ્યામ’ હવે તૈયાર થવામાં છે. આ ફિલ્મ બે ભાષામાં બની છે. આવી ફિલ્મમાં કામ કરવાનો લાભ એ કે એક ભાષામાં નિષ્ફળ જાય ને બીજી ભાષામાં સફળ પણ જાય. બેઉમાં સફળ જાય તો પૂજા વટમાં આવી જાય. એ ફિલ્મ તો છે પણ રણવીર સીંઘ સાથે રોહિત શેટ્ટીની ‘સરકસ’ છે. તેમાં જેકલીન ફર્નાન્ડિસ છે પણ મલ્ટી કાસ્ટ ફિલ્મ નથી. પૂજા આ ફિલ્મમાં કોમેડી કરશે એટલે કહી શકાય કે તે કોમેડી ટ્રેકમાં ય પાછળ નથી રહેવા માંગતી. ‘હાઉસફૂલ-4’ પછી તેને રોહિતે આ ફિલ્મ આપી છે. આ ફિલ્મ ગુલઝારની ‘અંગૂર’ની રિમેક છે ને રણવીર સીંઘ ડબલ રોલમાં છે. ‘અંગુર’ પોતે ‘દો દૂની ચાર’ની રિમેક હતી અને તેમાં કિશોરકુમાર હતા. મતલબ કે રણવીર સીંઘ કિશોરકુમાર, સંજીવકુમાર પછી હવે એક જ ભૂમિકામાં દેખાશે ને પૂજા તેનો ભાગ બનશે.

પૂજા પાસે ફરહાદ સામજીની ‘કભી ઇદ કભી દિવાલી’ તો સલમાન ખાન સાથે છે એટલે ત્રણ ફિલ્મો વડે તે પોતાને ફરી સાબિત કરશે. આ ઉપરાંત તેલુગુની ‘આચાર્ય’, ‘મોસ્ટ એલિજિબલ બેચલર’ ઉપરાંત તમિલની ‘બિસ્ટ’ છે. આ છેલ્લે જણાવી તે ફિલ્મને આલુ અરવિંદ પ્રેઝન્ટ કરી રહયો છે ને નાગાર્જુનનો દિકરો અખિલ તેનો હીરો છે. આચાર્યમાં તેની સાથે ચિરંજીવી છે એટલે કહીશકાય કે નવી જૂની બંને પેઢી સાથે કામ કરે છે. ‘બિસ્ટ’માં તે વિજય સાથે દેખાશે. પૂજા એક વાત સમજે છે કે કામ મળતું રહેવું જોઇએ ને દરેક ફિલ્મે થોડુંક આગળ વધાવું જોઇએ. ‘હાઉસફૂલ-4’ પછી એની પાંચમી સિકવલ માટે તૈયાર છે. કોઇ સિકવલ સફળ રહેતી હોય તો તેમાં જળવાય રહેવાનું શાણપણ તેનામાં છે.

પૂજા હારી જવામાં માનતી નથી એટલે જ હારી નથી. તેની ‘અલા વૈકુંઠપુરમુલ્લુ’ ફિલ્મે તેલુગુ ભાષી, પ્રેક્ષકોમાં અઢીસો કરોડનો ધંધો કર્યો હતો. ‘મોહે જો દડો’ની સ્મૃતિ હવે તેને સતાવતી નથી પણ, તેના કારણે જ તેને પછડાટ ખાવી પડી એ વાત પણ ભુલતી નથી. પરંતુ હવે નવી ગિલ્લી, નવો દાવ. કન્નડ, તુલુ, તમિલ, હિન્દી, ઇંગ્લિશ ભાષા સહજતાથી બોલી શકતી પૂજા આ માટે પિતા મંજુનાથ હેગડે કે જે મૂળ મેંગ્લોરના હોવાનો લાભ મેળવી રહી છે ને મુંબઇમાં જન્મીને મોટી થઇ એટલે હિન્દી-ઇંગ્લીશનો વાંધો ન હોય. પૂજા કોઇના પ્રેમમાં છે? યુવાન એકટ્રેસ હોય એટલે આવા પ્રશ્ન થાય જ અને કહેવાય છે કે તે રોહન મહેરા સાથે ડેટિંગ કરી રહી છે. રોહન ‘બજાર’ ફિલ્મમાં આવી ચુકયો છે.

આ રોહન તારા સુતરીયાનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ છે, અને વિનોદ મહેરા જેવા અભિનેતાનો દિકરો છે. જો કે પૂજાનું ધ્યાન ફિલ્મો પર વધારે છે અને ઇચ્છે છે કે રોહન પણ વધુ ફિલ્મોમાં આવે અને સફળ જાય. 1.75 મિટરની (175 સેન્ટિમીટર) ઉંચાઇ ધરાવતી પૂજાના ઇરાદા પણ ઉંચા છે. તેના ફેવરિટ એકટર ઋતિક રોશન, ફરહાન અખ્તર, આમીર ખાન અને લિયોનાર્ડો ડી કેપ્રિયો છે. ઋતિક સાથે કામ કર્યું હવે ફરહાન, આમીરની રાહ જુએ છે. પૂજા ધારેલા લક્ષયનો પીછો છોડતી નથી.

Most Popular

To Top