Business

સાઉથ પછી હિંદી ફિલ્મોમાં રશ્મિ ‘કા’ જાદુ ચલેગા ક્યા?

રશ્મિકા મંદાનાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ફેન્સને કહેલું કે તમારે જે પૂછવું હોય તે બિંદાસ પૂછો. એક જણે કહયું, ‘પૂછવું કાંઇ નથી પણ કહેવું છે કે મારે તમારી સાથે લગ્ન કરવા છે! રશ્મિકાએ કહયું, ‘અરે આ રીતે પ્રપોઝ ન થાય. જરા સારી રીતે કરવું જોઇતું હતું!’ કોરોનાએ આપેલા સમયમાં તે મસ્તીથી ટાઇમપાસ કરતી હતી. જો કે આ દરમ્યાન જ તેને હિન્દી ફિલ્મ ‘મીશન મજનુ’ ઉપરાંત અમિતાભ સાથેની ‘ગુડબાય’ ફિલ્મ મળી.

તેલુગુ અને કન્નડમાં જે સૌથી વધુ ફી વસુલે છે એવી રશ્મિકા હવે હિન્દી ફિલ્મોમાં વટથી પ્રવેશી રહી છે. દક્ષિણમાં તેના ચાહકોનો પાર નથી. અરે તેનો કર્ણાટકનો ચાહક તો 900 કિલોમીટર પ્રવાસ કરી તેને મળવા આવેલો. જો કે તે રશ્મિકાને મળી નહોતો શકયો. કારણ બીજું કાંઇ નહીં તે મુંબઇમાં હિન્દી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. એ ફિલ્મ ‘ગુડબાય’ હતી. વિકાસ બહલ કે જે ‘ચિલ્લર પાર્ટી’, ‘ક્વિન’, ‘શાનદાર’, ‘સુપર 30’ ઉપરાંત ‘સનફલાવર’ વેબ સિરીઝ બનાવી ચૂકયો છે તેના દિગ્દર્શનમાં આ ફિલ્મ બની રહી છે. રશ્મિકા એકટ્રેસ તરીકે એક ઇંચ જગ્યા નહીં છોડે તેવી છે. કર્ણાટકની આ છોકરી જાણે છે કે જેટલી તક મળે તેને આખરી માનીને મહેનત કરી લેવી.

2016માં ‘કિરીટ પાર્ટી’ નામની કન્નડ ફિલ્મથી પહેલીવાર ફિલ્મના પરદે દેખાયેલી રશ્મિકા તેલુગુમાં ‘ચલો’થી એન્ટર થયેલી અને પછી ‘ગીથા ગોવિંદમ’ ફિલ્મ તો એવી જબરદસ્ત સફળ રહી કે રશ્મિકાને કશું પૂરવાર કરવાનું જ ન રહયું. પછી તેલુગુમાં ‘દેવદાસ’ આવી જેમાં તેની સાથે નાગાર્જૂન હતો. આ ફિલ્મને શરદ બાબુની ‘દેવદાસ’ સાથે કોઇ લેવાદેવા નથી. હા, રશ્મિકાની તે એક ખૂબ સફળ ફિલ્મ જરૂર છે. વિત્યા ત્રણ વર્ષમાં તેની ઘણી ફિલ્મો લાગલગાટ સફળ ગઇ એટલે જ હિન્દીના નિર્માતા તેની તરફ વળ્યા. આમ ‘મિશન મજનુ’ તેની પહેલી હિન્દી ફિલ્મ છે જે પાકિસ્તાન સામેની એક મિશનની વાત કરે છે. આ દિલધડક ફિલ્મમાં તેનો હીરો સિધ્ધાર્થ મલ્હોત્રા છે.

ફેબ્રુઆરીથી લખનૌમાં તેનું શૂટિંગ શરૂ થયું છે. ‘ગુડબાય’ તો બાલાજી મોશન પિકચર્સનું નિર્માણ છે. એકતા કપૂર અમિતાભથી તો ખુશ હોય પણ રશ્મિકા પર પણ ફીદા છે. અમિતાભ સાથે આરંભે જ ફિલ્મ મળવાથી રશ્મિકાને ય લાગે છે કે હવે હિન્દી ફિલ્મવાળાને પોતાના વિશે બહુ કહેવાની જરૂર નથી. રશ્મિકાને એ વાતનો ય આનંદ છે કે તેની એકેય ફિલ્મ સાઉથની કે હોલીવુડની રિમેક નથી. સાઉથમાં તે ‘પુષ્પા’, ‘પોગારુ’, ‘સુલતાન’, ‘આદવલ્લુ મીકુ જોહરલુ’ માં તો કામ કરી જ રહી છે. સાઉથવાળા તેને છોડવા નથી માંગતા અને તે પોતે પણ અત્યારે એવું વિચારતી નથી. તેલ જુઓ તેલની ધાર જુઓ.

રશ્મિકા એક સમયે રક્ષિત શેટ્ટીના પ્રેમમાં હતી અને તેની સાથે એંગેજમેન્ટ પણ થયેલા પરંતુ લગ્ન પહેલાં જ છૂટા પડી ગયા. તેનું નામ ચિરંજીવ મકવાણા નામના દિગ્દર્શક સાથે પણ લેવાયું પરંતુ એવું બધું ઠીક છે. શાહરૂખ ખાન, રણવીર સીંઘ સાથે કામ કરવા ઇચ્છતી રશ્મિકા બે ફિલ્મો પછી પોતાના વિશે વધુ કહી શકશે. અત્યારે તો મળેલી ફિલ્મોમાં વ્યસ્ત છે. ફરી શૂટિંગ શરૂ થયા એટલે તે ખુશ છે. તે 2021માં જ બન્ને હિન્દી ફિલ્મો બનીને રજૂ થાય તેવું ઇચ્છતી હતી પણ તેવું બન્યું નથી. થોડી ચિંતા છે કે 2022માં તો ઢગલો ફિલ્મ આવશે તો તેમાં લોકોની નજરે ચડશે? પણ તેને બન્ને ફિલ્મોના વિષયો, સ્ટાર્સ પર વિશ્વાસ છે.

Most Popular

To Top