એક નાનો વેપારી. નાનકડો ધંધો. ઘણી મહેનત કરે.નિયમિત ઓફિસે જાય અને નિયત સમયે સાંજે ઘરે આવે. સારું કમાઈ લે પણ પૈસા પાછળ ઘેલી દોટ નહિ.રોજ સાંજે પત્ની સાથે ચા પીએ.દીકરાને રમાડે. દીકરીને પ્રોજેક્ટ બનાવવામાં મદદ કરે.માતા પિતા સાથે બેસીને વાતો કરે. રોજ સવારે બાળકોને શાળામાં મૂકવા જાય અને સાંજે ઘરમાં જરૂરી સામાન પણ લેતો આવે. રવિવારે ફરવા લઇ જાય. એક યુવતી સ્માર્ટ અને ફેશનેબલ, છતાં રોજ મંદિરમાં પૂજા પાઠ કરે. જીવનમાં જે આપ્યું તે માટે પ્રભુનો આભાર માને. કચરાવાળો કચરો લેવા આવે તેને પણ થેન્કયુ કહે અને રીક્ષામાંથી પોતે પૈસા આપી ઊતરે તો પણ રિક્ષાવાળાને થેન્કયુ ભૈયા કહી ઊતરે.એક યુવાન ઓફિસમાં બધાનો મિત્ર. કોઈને પણ મદદ કરવામાં પહેલો. ઓફિસમાં કોઈ દોસ્તને જલ્દી જવું હોય તો તેનું કામ પોતે કરી લે અને રસ્તામાં કોઈ અજાણ્યાને પણ ઠેસ વાગે અને પડી જાય તો હાથ આપી ઊભો કરવા પહેલો દોડે.
એક પત્ની પતિની નોકરી છૂટી જતાં ઝઘડો ન કર્યો અને ન હિંમત હારી.પોતે બે કામ શરૂ કર્યાં અને પોતાની પાસેની બચત પતિને આપી હાર્યા વિના, નાસીપાસ થયા વિના ફરી ઊભા થવાની પ્રેરણા આપી અને બધું સારું જ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.એક ભક્ત ભાઈ બધી જવાબદારી પ્રભુને સોંપી સમર્પિત થઇ આવતી કાલની ચિંતા કર્યા વિના જીવે.આજનો આનંદ લે અને મારો વહાલો બધું સારું જ કરશે તેવી અડગ શ્રદ્ધા રાખે. એક પ્રૌઢ રોજ ચાર કિલોમીટર દોડે અને કસરત કરી તંદુરસ્ત રહે.એક ભાઈ સતત મહેનત કરી મોટા વેપારી બન્યા કે એક માતાએ પોતાનાં બાળકોમાં સુંદર સંસ્કાર સીંચ્યા. એક સ્ત્રીએ પતિના મૃત્યુ બાદ પણ સમતા, ધીરજ અને હિંમતથી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢ્યો.
ઉપર જણાવેલાં બધાં જુદાં જુદાં લોકો પણ એક સામ્ય કે તેમના મોઢા પર સતત સ્મિત રહે. તેઓ સૌથી ખુશ લોકોમાં સમાવેશ પામે કારણ જે પરિવારને આનંદમાં રાખે. બધાનો આભાર માને. દરેકને મદદ કરવા તત્પર રહે. હંમેશા હકારાત્મક રહે. આવતી કાલની ચિંતા ન કરે. પ્રભુ પર વિશ્વાસ રાખે. શરીરનું ધ્યાન રાખે. સતત મહેનત કરે.બાળકોને સારા સંસ્કાર આપે અને મોટામાં મોટી મુશ્કેલીમાં ધીરજ રાખી માર્ગ કાઢે. તે સૌથી ખુશ લોકો કહેવાય છે.ઉપર જણાવેલાં બધાં લોકો ખુશ રહે છે અને ખુશી વહેંચે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.