એક દિવસ ગુરુજી એકદમ પ્રસન્ન હતા, આમ તો રોજ પ્રસન્ન જ રહેતા આજે જરા વધારે પ્રસન્ન દેખાતા હતા. એક શિષ્યએ પૂછ્યું, ‘‘ગુરુજી આજે વિશેષ પ્રસન્ન લાગો છો કોઈ ખાસ કારણ??..’’
ગુરુજી બોલ્યા, ‘‘વત્સ હું રોજ પ્રસન્ન જ હોઉં છું અને આજે મારે તમારી સાથે આ પ્રસન્નતા વિષે જ વાત કરવી છે અને તમને પણ સમજાવવું છે કે હંમેશા પ્રસન્ન કઈ રીતે રહી શકાય.’’
શિષ્ય બોલ્યો, ‘‘ગુરુજી, તમે જ્ઞાની છો અને આધ્યાત્મિક ઉન્નતી મેળવી છે એટલે તમે સદા પ્રસન્ન રહી શકો પણ અમારા જેવા સંન્ય જણ માટે તો તે અઘરું છે.’’
ગુરુજી બોલ્યા, ‘‘હા વત્સ થોડું અઘરું છે પણ અશક્ય નથી.પ્રસન્ન રહેવું એ માત્ર અને માત્ર આપણા હાથની અને મનની વાત છે એટલે જો મનથી નક્કી કરો કે હું પ્રસન્ન જ રહેવા માંગુ છું તો તમે પ્રસન્ન રહી જ શકો. બસ સૌથી પહેલા નક્કી કરો અને પછી મનને વારંવાર યાદ કરાવતા રહો.’’
એક શિષ્યએ પૂછ્યું, ‘‘ગુરુજી, આપણે તો પ્રસન્ન રહેવાનું નક્કી કરીએ પણ આજુબાજુના લોકો, પરિસ્થિતિ, બદલાતા સંજોગો, પલટાતા સમય અને ભાગ્ય આ બધા પર પણ આપની પ્રસન્નતાનો આધાર રહેલો છે તો તેનું શું ??’’ ગુરુજી બોલ્યા, ‘‘સમજાવું છું… જો વત્સ જે સંજોગો આપણે નિર્માણ ન કર્યા હોય તેને માટે આપણે જવાબદાર નથી… અને જે સંજોગો આપણે બદલી શકવાના નથી તેની પર ધ્યાન આપી દુઃખી થવું મુર્ખામી છે. આપણે માત્ર આપણે શું કરીએ છીએ તેની પર જ ધ્યાન આપવું કે આપણા કોઈ કાર્યથી કોઈને દુઃખ ન પહોંચે તેનું ધ્યાન રાખવું.
આપણી આજુબાજુના લોકો આપણી પ્રસન્નતા અને મનની લાગણીને ઠેસ કદાચ પહોંચાડે પણ દુઃખી થવું કે દરેક વર્તનનો સામનો કરી ખુશ રહેવું તે આપણા હાથમાં છે. જીવનમાં જે કઈ પણ પરિસ્થિતિ સર્જાય જો બસ એક સ્વીકાર ભાવ મનમાં હંમેશા માટે હોય કે જે થાય છે તે ભગવાન સારા માટે જ કરે છે તો દરેક પરિસ્થિતિમાં તમે ખુશ રહી શકો. હવે વાત રહી ભાગ્યની તો જીવનમાં ભાગ્ય પ્રમાણે જે મળ્યું છે તેમાં સંતોષ રાખીએ તો સદા પ્રસન્ન રહી શકીએ અને જેટલું મળ્યું હોય પણ અસંતોષ જ રાખીએ તો હંમેશા અપ્રસન્ન જ રહી જશું. એટલે શિષ્યો હંમેશા યાદ રાખજો… પોતાના કર્મ વિષે સજાગતા, સ્વીકારભાવ અને સંતોષ હંમેશા પ્રસન્ન રહેવાના મૂળ મંત્ર છે.’’ ગુરુજીએ સદા પ્રસન્ન રહેવાનો માર્ગ સમજાવ્યો.