Columns

ખુશમય અસંતોષ [Happily Dissatisfied]

આ શીર્ષક વાંચીને એમ થશે કે નક્કી પ્રિન્ટીંગમાં કૈંક ભૂલ લાગે છે. અસંતોષ હોય ત્યાં ખુશી ના હોય અને જ્યાં ખુશી હોય ત્યાં કોઈ વાતનો અસંતોષ ન હોય એટલું તો બધાને જ ખબર છે. પણ ના, કોઈ જ ભૂલ નથી. આ જીવન જીવવાની નવી રીત છે . એક મોટીવેશનલ સેમિનાર હતો, જીવન જીવવાની રીત પર અને દરેક સ્પીકરો એક પછી એક જીવનમાં સુખ કઈ રીતે મેળવવું કે શાંતિ કઈ રીતે મેળવવી કે પ્રેમ કઈ રીતે મેળવવો કે મહેનત કરી સફળ કઈ રીતે થવું કે શરીર સ્વાસ્થ્ય કેમ જાળવવું વગેરે વિષે વાત કરી જીવનને વધુ સારી રીતે જીવવાની રીતો સમજાવી રહ્યા હતા.

એક યંગ લેડી ઊભી થઇ અને તેણે કહ્યું, ‘આજે હું એક જીવન જીવવાની નવી રીત સમજાવવાની છું.’ તેણે બોર્ડ પર મોટા અક્ષરે લખ્યું – ‘જીવનમાં ખુશમય અસંતોષ રાખો …Stay Happily Dissatisfied Always…’  શ્રોતાજનોમાં ઉત્સુકતા જાગી કે ખુશી અને અસંતોષ તો સાથે હોય જ ન શકે, તો આ તે વળી કઈ નવી રીત છે. આયોજકો સ્પીકર લેડી પાસે આવીને કાનમાં પૂછવા લાગ્યા કે તમારી કઇંક ભૂલ તો નથી થતી ને?

 યંગ લેડીએ બોલવાનું શરૂ કર્યું, ‘ફ્રેન્ડસ, આયોજકોને મારા લખેલાં બે વાક્યમાં કૈંક ભૂલ લાગે છે અને કદાચ તમને પણ લગતી હશે પણ હું હમણાં જ 5 મિનીટમાં સાબિત કરી દઈશ કે મારી કોઈ ભૂલ નથી. હું જે નવી રીતની વાત તમને સમજાવીશ તે જાણી લીધા બાદ તમે પણ કહેશો કે હા, જીવન જીવવાની આ રીત જ સારી છે. જીવનમાં સૌથી મહત્વની છે, દિલની ખુશી અને મનનો આનંદ બરાબર, કારણ કે જો આપણે મનથી ખુશ ન હોઈએ તો જીવન જીવન જ રહેતુ નથી. ખુશ રહેવા માટે મહેનત કરવી પડે. જે થાય, જે મળે તેનો સ્વીકાર કરવો પડે, સ્વાસ્થ્ય જાળવવું પડે, જે મળે તેમાં સંતોષ રાખવો પડે, સરળતા રાખવી પડે અને સંબંધો જાળવવા પડે, બધાને માન અને પ્રેમ આપવા પડે અને માન અને પ્રેમ મેળવવા લાયક બનવું પડે.

આ બધુ આપણને ખબર છે કે આમ કરીએ તો જીવનમાં ખુશી મળે અને બધા પ્રયત્નો બાદ જે મળે તેમાં સંતોષ રાખીએ તો ખુશ રહી શકાય પણ હું કહું છું ખુશી મેળવવાના બધા પ્રયત્નો કરો પણ સંતોષ ન રાખો, અસંતોષી રહો. આ અસંતોષ વિના આગળ વધવાની ધગશ રહેતી નથી અને પ્રગતી અટકી જાય છે. જો તમે જે મળ્યું છે, તેમાં સંતોષ માની લેશો તો આગળ વધી નહિ શકો, અટકી જશો મનને મનાવીને ખુશ રાખશો પણ વિકાસ અટકી જશે. એટલે જીવન જીવવા ખુશી અને વિકાસ કરવા અસંતોષ જોઈએ એટલે જીવનના ખુશી સભર વિકાસ માટે જીવનમાં ખુશમય અસંતોષ રાખો …Stay Happily Dissatisfied Always…’ બધાએ આ નવી રીત તાળીઓથી વધાવી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top