ભરૂચ જિલ્લામાં ખેતી જેમની એકમાત્ર આવક હોય છે તેવા લોકો સાથે ગેરરીતિ કરીને વ્યાજખોરો દ્વારા જમીનો પચાવી પાડીને ખેડૂતોને જમીન વિહોણા કરી નાંખતા ખેડૂતો રોષે ભરાઈને કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદનમાં ઉલ્લેખાયા મુજબ ભરૂચ, સુરત, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં વ્યાજખોરો દ્વારા તેમના ગેરકાયદે લાઇસન્સ લીધા વિના નાણાં ધીરનારના ષડયંત્રના ભાગરૂપે આર્થિક મજબૂરીમાં સપડાયેલા ખેડૂતોની નાણાં ધીરનારના ભાગરૂપે દસ્તાવેજો લખાવીને તેમજ આર્થિક રીતે મજબૂર ખેડૂતો પાસેથી લીધેલા કોરા ચેકોનો દુરુપયોગ કરીને તેને આધારે ખેડૂતો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી ખેડૂતોને બ્લેકમેલ કરીને તેમની આજીવિકાનું એકમાત્ર સાધન ખેતીની જમીનો વ્યાજખોર દ્વારા પડાવી લેવામાં આવે છે.
હાંસોટ તાલુકાના અણીયાદરા ગામના અરજદાર અંબાબેન પટેલ તથા અન્ય અરજદારોના જણાવ્યા મુજબ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે સરકાર લેન્ડગ્રેબિંગ એક્ટ લાવી છે પણ તેનો અમલ થતો નથી. આર્થિક રીતે મજબૂર બનેલા ખેડૂતો પાસેથી જમીનના નામે બાનાખત કરાવી લેવામાં આવે છે અથવા દસ્તાવેજ લખાવી લેવામાં આવે છે. વ્યાજખોર ભૂમાફિયાઓ ખેડતોની જમીનો પચાવી પાડી પોતે કરોડો રૂપિયાના આસામી બની ગયા છે.
ભરૂચ કલેક્ટરને આવેદનપત્રમાં આવા ભૂમાફિયાઓમાં નરેશ રામજી માણીયા, અશોક રામજી માણીયા, પોપટ રણછોડ ભાદાણી અને અરવિંદ લાઠિયા સહિતના અનેક ભૂમાફિયાઓનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કે જેઓ અગાઉ પણ બોગસ ચલણી નોટો છાપવાના ગુનામાં જેલમાં જઈ આવેલ છે તેવો આક્ષેપ કરી ભોગ બનેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી તથા સ્થાનિક અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. વિરુદ્ધ અલગ અલગ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની અરજીઓ કરવામાં આવી છે. પરંતુ કલેક્ટર ભરૂચ દ્વારા લેન્ડગ્રેબરો સામે છ-સાત વાર અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને સામે નરેશ રામજી માણીયા, અશોક રામજી માણીયા, પોપટ રણછોડ ભાદાણી તથા અરવિંદ ભગવાન લાઠિયા દ્વારા કરવામાં આવતી ખેડૂતો વિરુદ્ધની ગેરકાયદે અરજીઓ કોઇ જાતના આધાર પુરાવા કે તપાસ કર્યા વિના મંજૂર કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે
એકતરફ સરકાર ભૂમાફિયાઓને અંકુશમાં લેવામાં કડક કાયદાઓ ઘડી રહી છે પણ તેનો અમલ નહીં થતાં ભૂમાફિયાઓની હિંમત વધી હોવાનું અરજદારો જણાવી આ અંગે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે. છતાંય કોઈ નિવારણ નહીં આવે તો ખેડૂતો અનશન પર ઊતરશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.