સાઉદી અરબમાં (Saudi Arabia) એક જ દિવસમાં 81 લોકોને ફાંસીની (Hanging) સજા ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ વર્ષ 2021માં 69 લોકોને એકસાથે ફાંસીની સજા સંભળાવામાં આવી હતી. પરંતુ આ આંકડો ખૂબ જ મોટો કેવાય કે જેમાં એકીસાથે 81 લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી હોય. ફાંસી આપવામાં આવી તે ગુનેગારોમાં 73 સાઉદી અરબથી, 7 યમનથી તેમજ 1 સીરિયાનો હતો. આ ગુનેગારો ઉપર સાઉદીની જ અલગ અલગ કોર્ટમાં કેસ ચલાવવામાં આવી રહ્યો હતો. તેમજ તેઓની ફાંસી અંગેની સુનાવણી દરેક વ્યકિત માટે 3 અલગ અલગ તબક્કામાં તેમજ 13 ન્યાયાઘીશો દ્વારા કરવામાં આવી હતી.
શા માટે 81 ગુનેગારોને એક સાથે ફાંસી આપવામાં આવી રહી છે?
મળતી માહિતી મુજબ જે 81 ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવી હતી તેઓ અલગ અલગ પ્રકારના ગુનામાં સંડોવાયેલા હતાં. તેઓ ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ, અલ-કાયદા, યમનના હૂતી વિદ્રોહી જૂથો તથા અન્ય આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હતાં. તેઓ આ ગુનામાં દોષિત પણ જાહેર થયાં હતાં. આ ગુનેગારો દેશ ઉપર હુમલો કરવાનું કાવતરું ઘડતાં હતાં તેમજ જે લોકો આ અંગે કાવતરું ઘડતા હોય તેઓને સાથ પણ આપતા હતાં. એમ કહી શકાય કે તેઓ દેશદ્રોહનો ગુનોમાં સંડોવાયેલા હતાં. આ ગુનેગારોએ મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકો તેમજ સુરક્ષા દળોની હત્યા કરી હતી. આ ગુનેગારોને શનિવારના રોજ ફાંસી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સાઉદી અરબના ગૃહ મંત્રાલયે માહિતી આપતાં જણાવ્યું હતું કે તેમનો દેશ આતંકવાદ અને કટ્ટરપંથી વિચારધારા ગુનેગારોને કયારેય પણ માફ કરશે નહિ. આ ગુનેગારો સામે કઠોર પગલાં લેવામાં આવશે તેમજ તેઓની સામે કડક કાયદાકીય પગલા ભરી સજા આપવામાં આવશે. મંત્રાલયે સમગ્ર વિશ્વની સ્થિરતા માટે આતંકવાદને એક ખૂબ જ જોખમી ગણાવ્યો છે. સાઉદી અરબ છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદ અને પડોશી દેશ યમનમાં ચાલી રહેલી હિંસાનો સામનો કરી રહ્યું છે. યમનમાં સક્રિય હૂતી વિદ્રોહી સતત સાઉદી અરબને નિશાન બનાવી રહ્યા છે.