નવી દિલ્હી: કેરળના (Kerala) મલપ્પુરમમાં પેલેસ્ટાઈનના (Palestine ) સમર્થનની એક રેલીમાં હમાસના (Hamas) નેતા ખાલેદ માશેલના (KhaledMashal) વર્ચ્યુઅલ સંબોધનથી ખળભળાટ મચી ગયો છે. ભાજપે (BJP) આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હમાસના નેતા ખાલેદ માશેલે શુક્રવારે મલપ્પુરમમાં સોલિડેરિટી યુથ મૂવમેન્ટ (Solidarity Youth Movement) દ્વારા આયોજિત યુવા પ્રતિકાર રેલીમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.
સોલિડેરિટી યુથ મૂવમેન્ટ એ જમાત-એ-ઈસ્લામીની યુવા પાંખ છે જેણે મલપ્પુરમમાં આ રેલીનું આયોજન કર્યું હતું. તેનું સૂત્ર છે “બુલડોઝર હિન્દુત્વ (Bulldozer Hindutva) અને રંગભેદ ઝિઓનિઝમને જડમૂળથી ઉખેડી નાખો”. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને હમાસ નેતાની સંડોવણી પર પ્રતિક્રિયા આપી છે અને કાર્યવાહીની માંગ કરી છે.
બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને કહ્યું, ‘કેરળના મલપ્પુરમમાં એકતા કાર્યક્રમમાં હમાસ નેતા ખાલેદ માશેલનું વર્ચ્યુઅલ સંબોધન ચિંતાજનક છે. કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયન (Kerala Chief Minister Pinarayi Vijayan) અને કેરળ પોલીસ ક્યાં છે? ‘સેવ પેલેસ્ટાઈન’ની (Save Palestine) આડમાં તેઓ આતંકવાદી સંગઠન હમાસ અને તેના નેતાઓને ‘યોદ્ધાઓ’ તરીકે વર્ણવી તેમનું મહિમાગાન કરી રહ્યા છે. આ અસ્વીકાર્ય છે!’
કોઝિકોડમાં પણ ગાઝાના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી
આ અગાઉ કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ના મુખ્ય સહયોગી IUMLએ પણ ગાઝામાં મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોની કથિત હત્યાની નિંદા કરતા ગુરુવારે ઉત્તર કોઝિકોડમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. હજારો IUML સમર્થકોએ પેલેસ્ટાઇન સોલિડેરિટી હ્યુમન રાઇટ્સ રેલીમાં ભાગ લીધો હતો, જેનું ઉદ્ઘાટન IUML નેતા પનાક્કડ સૈયદ સાદિક અલી શિહાબ થંગલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં કોંગ્રેસના નેતા શશિ થરૂરે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. ત્યાર બાદ થરૂરની ઘણી ટીકા થઈ હતી. આ પછી, કેરળમાં મુસ્લિમ સમુદાયો માટે કામ કરતી સંસ્થા ‘મહલ એમ્પાવરમેન્ટ મિશન’ (MEM)એ શુક્રવારે અહીં 30 ઓક્ટોબરે યોજાનાર પેલેસ્ટાઈન એકતા કાર્યક્રમમાંથી શશિ થરૂરને હટાવવાનો નિર્ણય કર્યો હતો.
હમાસના હુમલા બાદ યુદ્ધ ફાટી નીકળ્યું
ગઈ તા. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હવા, પાણી અને જમીન એમ ત્રણ તરફથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સેંકડો ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા જ્યારે હમાસના આતંકીઓએ 200થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારથી ગાઝા પટ્ટી પર ઈઝરાયેલ દ્વારા સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ પેલેસ્ટાઇનમાં હમાસના આતંકીઓ પણ ચૂપ રહ્યા નથી. તેઓ હજુ પણ ત્રણેય મોરચેથી ઈઝરાયેલ પર હુમલો કરી રહ્યા છે. લેબનોન, સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઇજિપ્તને અડીને આવેલા દક્ષિણ ગાઝામાંથી રોકેટ અને મિસાઇલો છોડવામાં આવી રહી છે. આ હુમલા બાદ ઈઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 7000 થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આમાંથી 3000 બાળકો છે. યુદ્ધના કારણે લાખો લોકોએ ગાઝા છોડી દીધું હતું.