હજ યાત્રાના (Haj Pilgrimage) ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે મુસ્લિમ મહિલાઓ (Muslim Lady) પતિ કે અન્ય પુરુષ સંબંધી વગર પવિત્ર હજ યાત્રા પર જઈ રહી છે. આ વખતે દેશભરમાંથી આવી 4000 મહિલાઓ એકલી હજ યાત્રા પર જઈ રહી છે. આજે એટલે કે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હીની 39 મહિલાઓ અને ઉત્તર ભારતની લગભગ 200 મહિલાઓ કોઈ પણ પુરુષ સંબંધી વગર હજ માટે રવાના થઈ છે.
દિલ્હી એરપોર્ટ પરથી આજે હજયાત્રીઓનો એક સમૂહ હજ માટે રવાના થયો હતો. કેન્દ્રીય રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ મહિલાઓની આ બેચને લીલી ઝંડી આપી હતી. મીનાક્ષી લેખીએ કહ્યું કે કેન્દ્રની મોદી સરકારમાં મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. તેઓ ઘરોમાંથી બહાર આવવા લાગી છે. હવે તે હજ યાત્રા પર પણ એકલી જઈ રહી છે. આ પહેલા હજ યાત્રા પર મહિલાઓ હંમેશા મહરમ એટલેકે નજીકના પુરુષ સંંબંધી સાથે જતી હતી તે આજે એકલી જઈ રહી છે.
હજ યાત્રા પર જતી મહિલાઓને ઘણા નિયમોની જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવી છે. પ્રથમ વખત, 4,314 મહિલાઓએ મહરમ અથવા પુરૂષ સંબંધી વિના મુસાફરી કરવા માટે અરજી કરી હતી. આ પછી લઘુમતી બાબતોના મંત્રાલય તરફથી માહિતી બહાર આવી હતી કે આ તમામ મહિલાઓની અરજીઓને પ્રાથમિકતા સાથે મંજૂર કરવામાં આવી છે.
જણાવી દઈએ કે અત્યાર સુધી હજ યાત્રા પર મહિલાઓ પોતાના નજીકના પુરુષ સંબંધી જેવા કે પિતા, ભાઈ, પુત્ર અથવા પતિ સાથે જતી હતી જેને મહરમ કહેવામાં આવે છે. પરંતુ પહેલીવાર ભારતની મહિલાઓ જેઓના કોઈ પુરુષ સંબંધી ન હોય અથવા જેઓ એકલી હજ યાત્રા પર જવા ઇચ્છતી હોય તેઓ હજ યાત્રા માટે રવાના થઈ છે.