નવી દિલ્હી: વારાણસીની (Varanasi) પ્રખ્યાત જ્ઞાનવાપી મસ્જિદ (GyanvapiMasjid) કેસમાં (Case) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ આજે વારાણસી જિલ્લા કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ સફેદ સીલબંધ પરબીડિયામાં રજૂ કરવામાં આવ્યો છે. અગાઉ મુસ્લિમ પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરીને રિપોર્ટને સીલબંધ પરબિડીયામાં રજૂ કરવાની માંગ કરી હતી.
માહિતી અનુસાર આગામી તા. 21 ડિસેમ્બરે અરજદારોને ASIના રિપોર્ટની કોપી સાથે સુપ્રીમ કોર્ટના આદેશની નકલ આપવામાં આવશે. હિન્દુ પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈને કોર્ટમાં દાખલ કરાયેલ સીલબંધ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને સીલબંધ રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવો જોઈએ નહીં.
મુસ્લિમ પક્ષે એવી પણ માંગણી કરી હતી કે કોઈને પણ એફિડેવિટ વિના રિપોર્ટ જાહેર કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. આ રિપોર્ટ બપોરે જ જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહેવાલ રજૂ કરતી વખતે, હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈન સહિત તમામ પક્ષકારો કોર્ટમાં હાજર હતા, અને શ્રૃંગાર ગૌરીની મહિલા વકીલો પણ હાજર હતા.
જણાવી દઈએ કે 30 નવેમ્બરે ASIએ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેનો રિપોર્ટ ફાઇલ કરવા માટે 3 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જેના પર જિલ્લા ન્યાયાધીશે ASIને 10 દિવસનો સમય આપ્યો હતો. આ પછી ASIએ ફરીથી સમય માંગ્યો. હવે આખરે ASI આજે કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કરવાના છે.
સર્વેની વીડિયોગ્રાફી કરવામાં આવી છે
કોર્ટના આદેશ પર લગભગ 100 દિવસ સુધી જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને પક્ષના લોકો, ASI વૈજ્ઞાનિકો અને સ્થાનિક વહીવટીતંત્રના લોકો સામેલ હતા. સર્વેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ થયા બાદ જાણવા મળશે કે જ્ઞાનવાપી સંકુલમાં શું છે?
વિવાદ શું છે?
કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વચ્ચેનો વિવાદ મોટાભાગે અયોધ્યા વિવાદ જેવો જ છે. જો કે, અયોધ્યાના કિસ્સામાં એક મસ્જિદ બનાવવામાં આવી હતી અને આ કિસ્સામાં મંદિર અને મસ્જિદ બંને બનાવવામાં આવ્યા છે. કાશી વિવાદમાં હિન્દુ પક્ષનું કહેવું છે કે 1669માં મુઘલ શાસક ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિરને તોડીને અહીં જ્ઞાનવાપી મસ્જિદ બનાવી હતી. હિંદુ પક્ષના દાવા મુજબ તે 1670 થી આને લઈને લડી રહ્યું છે. જો કે, મુસ્લિમ પક્ષનું કહેવું છે કે અહીં કોઈ મંદિર નહોતું અને શરૂઆતથી જ મસ્જિદ બનાવવામાં આવી હતી