એક યુવાન કથાકારે ગુરુની આજ્ઞા અને પિતાની અનુમતિ લઈને પહેલી કથા કહેવાની શરૂ કરી.કથાકાર સજ્જ હતા.જ્ઞાન મેળવ્યું હતું.વાક્છટા પણ હતી.અવાજ પણ સરસ હતો.તેમણે તૈયારી પણ ઘણી મહેનતથી કરી હતી. કથાનો પહેલો દિવસ હતો.થોડા શ્રોતાઓ હતા.આમંત્રિત સંતો પણ હાજર હતા.યુવાન કથાકારે કથા કહેવાની શરૂ કરી અને તેમણે બહુ જ સુંદર શ્લોક …ભજનો …ચોપાઈઓ …દૃષ્ટાંત કથાઓ સાથે કથા કરી અને એમ કહેવાય કે બધા તેમનાથી મંત્રમુગ્ધ થઈ ગયા એવું વાતાવરણ જમાવ્યું.ભોજનના અવકાશમાં બધા એક મોઢે વખાણ કરતાં હતાં કે ‘ઘણા સમય બાદ કથામાં બહુ આનંદ આવ્યો.’આમંત્રિત મહેમાનો ,સંતો ,જ્ઞાનીઓ પણ કથાકારનાં વખાણ કરી રહ્યાં હતાં.
યુવાન કથાકાર પોતે પણ બહુ જ આનંદવિભોર થઈ ગયો. તેને ભોજન બાદ કથા વધુ સુંદર રીતે કહી. ક્થા બાદ કથાકાર પોતાના પિતાને મળવા ગયા.આટલા બધા વખાણ અને લોકોના પ્રણામથી તે ખૂબ જ ખુશ હતો. તેણે પોતાના પિતા પાસે જઈને કહ્યું, ‘શું પિતાજી તમે આખી કથા સાંભળી.શ્રોતાજનો જ નહિ, વિદ્વાન સંત સમાજ પણ ખુશ થઇ ગયો. બધા એકી અવાજે મારા વખાણ કરી રહ્યાં હતાં. બધાને બહુ મજા આવી.’યુવાન કથાકાર એકદમ આનંદથી પોતે જ પોતાનાં વખાણ કરી રહ્યા હતા. પિતાએ જોયું કે દીકરો પહેલા જ દિવસની પહેલી સફળતાથી જ હવામાં ઊડવા લાગ્યો છે. તેને સમજણ આપવી પડશે નહિ તો આ સફળતા તેના માટે નુકસાનકારક સાબિત થશે.પિતા બોલ્યા, ‘વત્સ , શાંત થા.મનને કાબૂમાં રાખ અને મને જણાવ કે તને આ બધું આવડ્યું કઈ રીતે?’
કથાકારે જવાબ આપ્યો, ‘મારા ગુરુજીએ શીખવાડ્યું છે.તેમણે જે જે કહ્યા તે બધા જ ગ્રન્થ મેં મહેનતથી વાંચ્યા છે.પણ હા, મને પણ એવું લાગ્યું કે વ્યાસપીઠ પર બેઠા બાદ મારી તૈયારીઓ એક બાજુ રહી ગઈ અને જાણે કૈંક અલગ જ તત્ત્વ કામ કરી રહ્યું હતું.’ પિતાએ કહ્યું, ‘તને અનુભૂતિ થઈ સારી વાત છે.એ તારા ગુરુની તારા પર કૃપા છે.તેં જે આજે સુંદર કથા કરી તેમાં તારું નહિ, પણ તારા ગુરુનું જ યોગદાન છે સમજ્યો. જા તારા ગુરુની ચરણવંદના કરવા જા.’કથાકારે કહ્યું, ‘હા , તમારા અને ગુરુજીના આશીર્વાદ તો ખરા જ.’
પિતાજીએ કહ્યું, ‘ના વત્સ, માત્ર આશિષ નહિ …તું મને એ જણાવ, તારા ગુરુજીએ કેટલી કથા કરી છે?’કથાકારે કહ્યું, ‘પિતાજી તેમને તો ૧૨૦૦ થી વધુ કથા કરી છે.’પિતાજીએ કહ્યું, ‘વત્સ, તારા ગુરુજીએ પોતાની ૧૨૦૦ કથાના અનુભવ ફળનું દાન તને આપ્યું છે એટલે તારી પહેલી કથામાં તું આટલું સરસ બોલી શક્યો એટલે યાદ રાખજે જ્યાં સુધી ૧૨૦૧ મી કથા તું ના કરે ત્યાં સુધી તારું જ્ઞાન ,આવડત જેવું કંઈ જ નથી. માત્ર ગુરુકૃપા છે.એટલે જે મળે માં ,સન્માન ,વખાણ બધું તેમનાં ચરણોમાં ધરી દેજે.’કથાકાર ગુરુ પાસે ગયો અને ગુરુચરણો પકડી રડી પડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.