Gujarat

પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી નીમાશે, પછી જ પ્રદેશ પ્રમુખ-વિપક્ષના નેતા મુદ્દે નિર્ણય

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાની નવી નિમણૂંકનો મામલો હાલમાં હાઈકમાન્ડ સમક્ષ ગૂચવાયેલો છે. ખાસ કરીને નવા યુવા ચહેરાની નિમણૂંક કરવી કે પછી જુના અનુભવી ચહેરાની પસંદગી કરવી તે મુદ્દે હાલમાં મુંઝવણ પ્રવર્તી રહી છે.

જો કે નવી દિલ્હી કોંગ્રેસના આંતરીક જાણકાર સૂત્રોએ કહ્યું હતું કે, પહેલા ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રભારીની નિમણૂંક કરાશે. તે પછી જ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગી કરાશે. રાજસ્થાનના ડે સીએમ સચીન પાયલોટ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણના નામોની હાલમાં પ્રભારી તરીકે વિચારણા ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાની બીજી લહેર વખતે પૂનામાં સારવાર દરમ્યાન મૃત્યુ થતાં આ જગ્યા ખાલી પડી છે. આગામી જુલાઈના પ્રથમ સપ્તાહમાં હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસના નેતાઓને મળે તેવી સંભાવના છે.

અગાઉ વિધાનસભાની ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામ બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના રાજીનામાની ઓફર કરી દીધી છે. જો કે હાઈકમાન્ડે હાલ પુરતા હોદ્દા પર ચાલુ રહેવા સૂચના આપી હતી.

આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં આપની શું અસર પડશે ? તે મુદ્દે પણ હાઈકમાન્ડ વિચારી રહ્યું છે. સુરતમાં આપને મતો મળતાં કોંગ્રેસને જે બેઠકો અગાઉ મળી હતી તે આપને મળી છે. આપને 27 બેઠક મળી છે. આ કારણે કેન્દ્રિય નેતાગીરી એવું માની રહી છે કે કોંગ્રેસને મળતા મતો આપવામાં ટ્રાન્સફર થઈ જવાથી કોંગ્રેસના હિતોને નુકસાન થયું છે.

Most Popular

To Top