Entertainment

‘શું ‘છેલ્લો શો’ ફિલ્મ ભારતીય ફિલ્મ જ નથી?’ ઓસ્કાર માટે ભારત તરફથી નોમિનેશન બાદ વિવાદ

મુંબઈ: ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને (Chello Show) ભારત (India) દ્વારા ઓસ્કાર એવોર્ડ (Oscar Award) માટે સત્તાવાર રીતે મોકલવામાં આવી છે. આ ફિલ્મને અંગ્રેજીમાં ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ (The Last Film Show) કહેવામાં આવે છે. પરંતુ આ ફિલ્મને લઈને રોજ નવા વિવાદ (Controversy) સામે આવી રહ્યા છે. પહેલા વિવાદ એ હતો કે શા માટે RRR કરતાં આ ફિલ્મને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું? જ્યારે RRR ઓસ્કાર જીતવાની શક્યતાઓ વધારે હતી. કારણ કે દુનિયાભરના દર્શકો એ ફિલ્મથી વાકેફ હતા. આ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં નવા વિવાદે જન્મ લીધો છે. કેટલાંક લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે Chhello Show ભારતીય ફિલ્મ નથી. તો પછી તેને ભારત તરફથી ઓસ્કાર માટે કેમ મોકલવામાં આવી રહી છે? છેલ્લો શો ફિલ્મને વિદેશી ફિલ્મની નકલ કહેવામાં આવી રહી છે. ફિલ્મના દિગ્દર્શક પૈન નલિને આ તમામ સવાલોના જવાબ આપ્યા છે. જાણો શું કહે છે પૈન..

ફ્રેન્ચ પ્રોડ્કશન કંપનીના નિર્માણ હેઠળ છેલ્લો શો ફિલ્મ બની છે
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) નામની સંસ્થા છે. આ સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે ‘છેલ્લો શો’ ભારતીય ફિલ્મ નથી. કારણ કે આ ફિલ્મના મુખ્ય નિર્માતા કંપની ઓરેન્જ સ્ટુડિયો છે. જે ફ્રેન્ચ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની છે. ઓરેન્જ સ્ટુડિયોની વેબસાઈટ પર આ ફિલ્મને ભારત અને ફ્રાન્સની સંયુક્ત ફિલ્મ તરીકે પણ વર્ણવવામાં આવી છે . જોકે, આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવા માટે સિદ્ધાર્થ રોય કપૂરની કંપની રોય કપૂર ફિલ્મ્સે ખરીદી છે. પરંતુ FWICE કહે છે કે જે ફિલ્મ ઇન્ટરનેશનલ સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવી છે, તે ભારતીય ફિલ્મ કેવી રીતે હોઈ શકે! અને જે ફિલ્મ ભારતીય નથી તેને ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા શા માટે મોકલવામાં આવી? આવી સ્થિતિમાં, છેલ્લો શો ફિલ્મની પસંદગી ઓસ્કાર માટે કરનાર ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI)ના નિર્ણય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. જ્યારે FFIના પ્રમુખને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. એક રિપોર્ટમાં FFIના પ્રમુખ ટીપી અગ્રવાલે કહ્યું કે, “હું આ મુદ્દે કશું કહી શકું તેમ નથી. કારણ કે હું તેના વિશે સ્પષ્ટપણે કશું જાણતો નથી.”

ઈટાલિયન ફિલ્મની નકલ હોવાનો આરોપ
FWICE એ ‘છેલ્લો શો’ ફિલ્મ પર ઈટાલિયન ફિલ્મ સિનેમા પેરાડિસોની નકલ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ‘સિનેમા પેરાડિસો’ 1988માં રિલીઝ થઈ હતી. તેને ઓસ્કારમાં બેસ્ટ ફોરેન ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ સિવાય તે ફિલ્મે પાંચ બાફ્ટા એવોર્ડ પણ જીત્યા હતા. ‘છેલ્લો શો’ અને ‘સિનેમા પેરાડિસો’ના પોસ્ટરમાં પણ ઘણી સામ્યતા છે. તે ઇટાલિયન ફિલ્મનું અનુકરણ હોવાના પ્રશ્ન અંગે વાત કરતાં ટી.પી. અગ્રવાલે કહ્યું ”ના. મેં જ્યુરી સભ્યોને પૂછ્યું. તેઓએ આ ફિલ્મ ઘણી વખત જોઈ છે અને છેલ્લો શો ફિલ્મ સિનેમા પેરાડિસોની નકલ હોવાનો તેઓએ ઈન્કાર કર્યો છે. બંને ફિલ્મો વચ્ચે કોઈ સામ્યતા નથી. છેલ્લો શો ફિલ્મ સિનેમા પેરાડિસોથી પ્રેરિત હોઈ શકે છે, પરંતુ તેની નકલ નથી.

ફિલ્મના ડિરેક્ટરની ટ્વીટે ચર્ચા જગાવી
‘સિનેમા પેરાડિસો’ની નકલનો મામલો પકડતો જોઈને ‘છેલ્લો શો’ના ડિરેક્ટર પાન નલિને એક ટ્વિટ કર્યું. તેમાં તે લખે છે, “કોપી? હોમાઝ? પ્રેરણા? મૂળ? તમારી જાતને શોધો. 14/10/2022 ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં. આ નક્કી કરવાની સત્તા લોકો પાસે છે, તેમને નક્કી કરવા દો. જો કે, હવે આ ટ્વીટ તેની ટાઈમલાઈન પર દેખાતું નથી. પૈને તે ટ્વીટ હટાવી દીધું છે.

શું છે ફિલ્મની સ્ટોરી?
‘છેલ્લો શો’ સૌરાષ્ટ્રમાં રહેતા 9 વર્ષના છોકરાની વાર્તા છે, જેને બાળપણમાં સિનેમાના પ્રેમમાં પડે છે. સિનેમા તેના જીવન પર કેવી અસર કરે છે, તે આ ફિલ્મમાં જોવા મળશે. તેને અર્ધ-આત્મકથાત્મક ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી રહી છે. કારણ કે ફિલ્મના દિગ્દર્શક પૈન નલિન પોતે સૌરાષ્ટ્રમાં જન્મેલા છે. અને તેમના બાળપણનો મોટો ભાગ ત્યાં વિત્યો હતો. આ ફિલ્મ 14 ઓક્ટોબર, 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.

Most Popular

To Top