Editorial

અનિયમિત અને અસમતોલ ચોમાસુ દેશના ખેડૂતોને ફટકા મારી રહ્યું છે

દેશમાં આ વખતે ચોમાસુ માફકસરનું રહેશે તેવી હવામાન વિભાગની આગાહી હતી પરંતુ હવે જ્યારે ચાર મહિનાની આ વર્ષા ઋતુ પુરી થવા આવી છે ત્યારે દેશના આઠ રાજ્યોમાં વરસાદની  ઘટ છે જયારે બીજા અનેક રાજ્યોમાં વધુ પડતો  વરસાદ થયો છે. સપ્ટેમ્બર મહિનો પુરો થવા આવ્યો છે ત્યારે પણ હજી અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ જ છે અને આ અનિયમિત અને અસમતોલ ચોમાસાને કારણે અનેક પ્રકારના પાકને આ વખતે નોંધપાત્ર નુકસાન થયું છે એવા અહેવાલ  છે. પાકને નુકસાનથી હાલ તુરંત તો દેશની અન્ન સુરક્ષાને વાંધો આવે તેમ નથી પણ ખેડૂતોને મોટો ફટકો પડી શકે છે એ મુજબ નિષ્ણાતોનો અભિપ્રાય છે.

આ ચોમાસુ ઋતુમાં વરસાદની અસમાન વહેંચણી ખરીફ પાકને થોડું નુકસાન કરી રહી  છે જેની અસર દેશની અન્ન સુરક્ષા પર થાય તેવી શક્યતા તો નથી અથવા તેનાથી મોંઘવારી વધે તેવી શક્યતા નથી કારણ કે ભારત પાસે પુરતા અનામત જથ્થાઓ છે પરંતુ ખેડૂતો વ્યક્તિગત સ્તરે આ ભારે અનિયમિત ચોમાસાથી સૌથી  સખત અસર પામી રહ્યા છે એમ કૃષિ અને આહાર નીતિના નિષ્ણાતોએ જણાવ્યું છે. સ્વાભાવિક છે કે આ અસમતોલ વરસાદને કારણે ખેતીને અને ખેડૂતોને જે નુકસાન થાય છે તેમાં નાના ખેડૂતોને જ વધુ સહન કરવું પડે છે. જેમની આવક ફક્ત ખેતી પર જ નિર્ભર છે તેવા ખેડૂતો માટે પાક નિષ્ફળ જવો એ મોટી કરૂણ બાબત હોય છે અને હાલ છેલ્લા કેટલાક વર્ષોથી થઇ રહેલ અસમતોલ વરસાદ દેશના અનેક વિસ્તારોના ખેડૂતો માટે દુ:ખદ સ્થિતિ લઇને આવે છે.

કેન્દ્રીય અન્ન મંત્રાલય દ્વારા બુધવારે જારી કરવામાં આવેલા આગોતરા આંકડાઓ મુજબ ખરીફ ડાંગરના ઉત્પાદનમાં આ વર્ષે છ ટકાનો ઘટાડો થઇ શકે છે અને ગયા વર્ષે તેનું ઉત્પાદન ૧૧૧ મિલિયન ટન થયું હતું જે આ વર્ષે ૧૦૪.૯૯  મિલિયન ટન જ રહી શકે છે – ડાંગર પકવતા રાજ્યોમાં ઓછો વરસાદ થયો હોવાને કારણે આવુ થઇ શકે છે. ખરીફ ભાતના ઉત્પાદનમાં અંદાજિત ઘટાડો ડાંગરની ખેતી જ્યાં વધુ થાય છે તેવા, ખાસ કરીને ગંગાના મેદાની પ્રદેશોના રાજ્યો કે  વિસ્તારો જેવા કે પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં જૂનથી ઓગસ્ટ દરમ્યાન થયેલા ઓછા વરસાદને કારણ ભાત ઓછો પાકી શકે છે બીજી બાજુ મધ્ય ભારતમાં વધારે પડતા વરસાદને કારણે ડાંગરના પાકને  નુકસાનના હેવાલ છે.

જ્યારે કે રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશના ખેડૂતો જણાવી રહ્યા છે કે સપ્ટેમ્બરમાં મોડે સુધી ચાલુ રહેલા વરસાદને કારણે સોયાબીન, અડદ અને મકાઇના પાકને નુકસાન થયું છે. ભીની સ્થિતિને કારણે આ  વિસ્તારોમાં આ પાકની લણણીમાં વિલંબ થઇ રહ્યો છે. જો કે ચોમાસુ પાછુ ખેંચાવામાં થયેલા વિલંબને કારણે ઉત્તર પ્રદેશમાં સરસવનો પાક લેતા ખેડૂતોને ફાયદો થઇ શકે છે.આ વખતે ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતા ૩૩ ટકા ઓછો વરસાદ  થયો છે. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ૨૨ સપ્ટેમ્બરના આંક મુજબ અનુક્રમે ૩૦, ૨૦ અને ૧૫ ટકાની ઘટ રહી છે. ગુજરાતમાં ૩૧ ટકા વધુ વરસાદ થયો છે જયારે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં અનુક્રમે ૨૬ અને ૨૪ ટકા વધુ  વરસાદ થયો છે. આમ પણ છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાંથી નૈઋત્યનું ચોમાસુ વિલંબથી પાછુ ખેંચાઇ રહ્યું છે. ચોમાસું પાછું ખેંચાવાની પ્રક્રિયા શરૂ થવાની સામાન્ય તારીખ લંબાવીને ૧૭ સપ્ટેમ્બર કરવામાં આવી છે પરંતુ આ વખતે તેના કરતા પણ ત્રણ દિવસ વિલંબથી એટલે કે ૨૦ તારીખેથી દેશમાંથી આ ચોમાસુ પાછુ ખેંચાવાની શરૂઆત થઇ અને હજી તો અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. આ વખતનું ચોમાસુ કેટલાક વિસ્તારો માટે ભારે પૂરની તો કેટલાક વિસ્તારો માટે દુકાળની દુ:ખદ સ્થિતિ સર્જીને વિદાય લઇ રહ્યું છે. નૈઋત્યનું ચોમાસુ પાછુ ખેંચાવાની પ્રકિયા પણ ધીમી પડી છે. જ્યારે ચોમાસુ પાછુ ખેંચાવાની શરૂઆત થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે હવે દિલ્હી, ચંદીગઢ, પંજાબના વિસ્તારોમાં વાતાવરણ સુકૂં રહેશે પરંતુ તેની આગાહી થોડા જ સમયમાં ખોટી પડી ગઇ અને દિલ્હી તથા ગુરગાંવ જેવા વિસ્તારોમાં ગુરુવારે એટલો વરસાદ પડ્યો કે શાળાઓમાં રજા જાહેર કરવી પડી. છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ચોમાસુ અનિયમિત રહે અને જુદા જુદા પ્રદેશોમાં વરસાદની અસમાન વહેંચણી થાય તે સામાન્ય બાબત બની રહે છે. ચોમાસુ વહેલુ કે વિલંબથી શરૂ થાય, સમયસર શરૂ થાય તો બાદમાં વરસાદ ખેંચાઇ જાય, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે  તો કેટલાક વિસ્તારોમાં અપૂરતો વરસાદ પડે તે જાણે સામાન્ય બની ગયું છે. પ્રદૂષણ અને હવામાન પરિવર્તનને કારણે ચોમાસુ અનિયમિત બની ગયું છે અને તેને કારણે ખેતીને અસર થઇ રહી છે. વિવિધ પાક નિષ્ફળ જવાને કારણે કે પાક ઓછો થવાને કારણે ખેડૂતોને, ખાસ કરીને નાના ખેડૂતોને સહન કરવું પડે છે અને છેવટે તેમની ઉત્પાદન ક્ષમતા પર અસર થાય છે અને આ સ્થિતિ જો લાંબી ચાલે તો લાંબે ગાળે દેશના અનાજ ઉત્પાદન અને છેવટે અન્ન સુરક્ષાની સ્થિતિને પણ અસર થઇ શકે છે.

Most Popular

To Top