ગુજરાત હાઇકોર્ટ બાર એસોસીએશન પ્રમુખે હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા દાખલ કરવા રાજયપાલને અરજી કરી હતી. રાજયપાલને બંધારણ અનુચ્છેદ 348 (2) હેઠળ આવી પરવાનગી આપવાની સત્તા છે. તેમની આ અરજી સામે બાર એસોસીએશનના કેટલાક હાઇકોર્ટ વકીલોએ વિરોધ કર્યો છે. ખરેખર આ વિરોધ યોગ્ય નથી. વિચારો કે દેશ આઝાદ થયાના અમૃત મહોત્સવ વખતે પણ રાજયનો વહીવટ પોતીકી ભાષાના બદલે પરદેશી ભાષામાં થાય કે કેવું? અંગ્રેજી જાણનાર વર્ગ આ દેશમાં 5 ટકા માંડ હશે. દેશની બહુમતી પ્રજા ગ્રામ વિસ્તારની નિરક્ષર પ્રજા છે.
તેમને પણ હાઇ કોર્ટમાં પોતાના કેસની કાર્યવાહી જાણવાનો હક છે. તેઓ અંગ્રેજીમાં થતી કાર્યવાહી મોં વકાસી જોઇ રહે છે. ‘ભેંસ આગળ ભાગવત’ જેવું થાય. બધા વકીલો પોતાના અસીલોને અંગ્રેજીમાં થયેલી કાર્યવાહીની પૂરી જાણકારી આપતા નથી. બહુ બહુ તો ટૂંકસાર કહી દે એટલે પત્યું. સ્વભાષામાં શાસન ચાલે તેને જ સ્વશાસન કહી શકાય. અત્યારે પણ રાજય સરકારનાં મોટા ભાગનાં પરિપત્રો અને ઠરાવો અંગ્રેજીમાં થાય છે. ગુજરાતનો સમગ્ર વહીવટ ગુજરાતી ભાષામાં થવો જોઇએ.
પાલનપુર -અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નાની વ્યવસ્થા નથી સંભાળતા તે મોટી શું સંભાળવાના?
એક હથ્થુ સત્તાઓ સામાન્ય પ્રજાના અવાજને ગળે ટંૂપો દઈ દીધો. ત્રણેક વર્ષથી લાઈબ્રેરીઓ, અને શાંતિકુંજ (વરિષ્ઠ નાગરિક માટે) માં જાળા બાઝી ગયા છે. જ્યાં નિયમીત દૈનિક પત્રો (છાપાઓ) વાંચવા માટે સવાર સાંજ સામાન્ય પ્રજાજનો, વયસ્કો તેમજ સિનીયર સિટીઝનો હેલીએ હાથ દઈ નિરાશા નાંખતા પાછા ફરે છે. બીજાને ફરિયાદ કરવા જઈએ તો એક ખો આપી સત્તાધીશો છટકી જાય છે. ખાળે ડુચા અને બાટણ સત્તાધીશો ઉઘાડા. જન કલ્યાણની ડંફાશો મારનાર ગુનાહિત મૌન ધારણ કરી બેઠા છે, તેઓના કોણ કાન આમળશે ?
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.