Entertainment

ગુજરાતી ફિલ્મ ‘ઘંટડી’ આ 10મી જૂનથી વાગશે

હમણાં લગભગ દર અઠવાડિયે એકાદ ગુજરાતી ફિલ્મ રજૂ થાય છે. આ અઠવાડિયે ‘ઘંટડી’ રજૂ થશે. હા, અલ પ્રકારના શીર્ષકવાળી ફિલ્મ છે, જેમાં પ્રેમ ગઢવી, સ્મિત પંડયા, હેમાંગ દવે, જહાન્વી ચૌહાણ, ઝીલ જોષી વગેરે કામ કરતા જણાશે. આ ફિલ્મના લેખક – દિગ્દર્શક K.K. મકવાણા છે. ફિલ્મમાં 4 એવા મિત્રોની વાત છે જે વર્ષોથી એકમેકના મિત્ર છે અને હવે જીવનથી કંટાળ્યા છે. એક મિત્ર બધાને ફાર્મહાઉસ લઇ જાય છે અને કોલગર્લ બોલાવે છે, પણ એ કોલગર્લ સાથે જ બીજા પાત્રો આવી તેમને ડિસ્ટર્બ કરે છે. ‘છેલ્લો દિવસ’ પછી મિત્રોની વાર્તા અને કોમેડીનો મહિમા વધ્યો છે, તો આ એ પ્રકારની ફિલ્મ છે. હવે પ્રેક્ષકને ગમે પછી વાત.

પ્રેમીઓને નડતો ‘નાડીદોષ’ 17મી જૂનથી
હમણાં દર અઠવાડિયે રજૂ થતી ફિલ્મોનો સિલસિલો ‘નાડીદોષ’થી આગળ વધશે. 17મી જૂને રજૂ થનારી આ ફિલ્મમાં યશ સોની, જાનકી બોડીવાલા, રોનક કામદાર છે. આ ફિલ્મ ‘છેલ્લો દિવસ’, ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકે બનાવી છે, એટલે તમે વધારે આશા રાખી શકો. ફિલ્મમાં રિધ્ધી અને કેવિનની લવસ્ટોરી છે, જેઓ જૂની પેઢીની ‘નાડી દોષ’ની સમસ્યામાં ફસાઇ જાય છે. ફિલ્મની ટ્રીટમેન્ટમાં કોમેડી અને વ્યંગ્ય મુખ્ય છે.

‘ફકત મહિલાઓ માટે’ આવશે તમારા માટે
પણ શકય છે કે વચ્ચે ગેપ પડે કારણ કે ‘ફકત મહિલાઓ માટે’ નામની ફિલ્મ કે જે છે, બધા જ માટે તે 19મી ઓગસ્ટે રજૂ કરવાની નકકી થઇ છે. આ ફિલ્મમાં યશ સોની, દિક્ષા જોષી, તર્જની ભાદલા, ભાવિની જાની વગેરે છે અને જય બોડાસ તેના લેખક – દિગ્દર્શક છે. આ ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં મહિલાઓ છે, જે હતાશાથી ઘેરાયેલી છે. એક દિવસ સુપરનેચરલ શકિત પ્રવેશે છે, જે તેમનો અંદરનો અવાજ સાંભળી શકે છે. શું એ શકિત જાણી શકે છે કે મહિલાઓ ખરેખર શું ઇચ્છે છે?

‘પાસ ન પાસ’ પણ આવશે આ વર્ષે
હજુ ય આવી રહેલી ગુજરાતી ફિલ્મ વિશે જાણવું હોય તો એક છે ‘પાસ ના પાસ!’ રફીક તાલુકદાર દિગ્દર્શિત આ ફિલ્મમાં મલ્હાર પંડયા, જસ્મીન પટેલ, ધર્મેશ વ્યાસ, અદી ઇરાની અને પ્રશાંત બારોટ છે. વાર્તાની ખબર નથી, પણ તેમાં સ્કૂલ – કોલેજમાં પાસ નપાસ થવાથી આગળની વાત હશે.

દિવ્યાંગ ઠકકર ને જાનકી બોડીવાલાને જુઓ ‘તુ રાજી રે’માં
2022માં રજૂ થનારી ફિલ્મોમાં ‘તુ રાજી રે’ પણ છે. આ ફિલ્મમાં ‘જયેશભાઇ જોરદાર’ના દિગ્દર્શક દિવ્યાંગ ઠકકર ફરી હીરો તરીકે જોવા મળશે. તેની સાથે જાનકી બોડીવાલા, રાજીવ મહેતા, દીપક ઘીવાલા અને ઘનશ્યામ નાયક છે. જાણીતા કલાકારો ધરાવતી આ ફિલ્મનું દિગ્દર્શન હાર્દિક ભટ્ટનું છે. પાર્થ નામનો પ્રતિભાશાળી મિમિક્રી આર્ટિસ્ટ તેની પડોશણ દિશાના પ્રેમમાં પડે છે, પણ બને છે એવું કે પાર્થને કેન્સર થયાનું નિદાન થાય છે. તો શું થશે આ કહાનીનું?

હિતુ કનોડિયા અને યશ સોની છે ‘રાડો’ ફિલ્મમાં
હજુ કેટલીક ફિલ્મો ગુજરાતી પ્રેક્ષકો માટે આવવામાં છે, તેમાં એક તો ‘રાડો’ છે. (હા, એવું શીર્ષક છે, પણ એમાં અમારો વાંક નથી) આ ફિલ્મના દિગ્દર્શક પણ કૃષ્ણદેવ યાજ્ઞિક જ છે અને હવે જૂની પેઢીના લાગે એવા હિતુ કનોડિયા સાથે યશ સોની છે. કૃષ્ણદેવના ફેવરિટ એકટર યશ સોની છે, એટલે તે તો હોય. આ ફિલ્મની રિલીઝ તારીખ હજુ નકકી નથી થઇ. ‘આ ન.મો. બહુ નડે છે’ હમણાં જેમની ‘કહેવતલાલ પરિવાર’ ખૂબ ચાલી રહી છે અને અગાઉ ‘ચાલ જીવી લઇએ’ ખૂબ ચાલેલી તેના દિગ્દર્શક વિપુલ મહેતાની ‘આ ન.મો. બહુ નડે છે’ ફિલ્મ આવી રહી છે. આમાં ન.મો. એટલે નરોત્તમદાસ મોરબીવાલા પણ આ ફિલ્મમાં રાજકારણ પણ છે પણ જરા જુદી રીતે. વિપુલ મહેતની આ ફિલ્મમાં સંજય ગોરડિયા, તોરલ ત્રિવેદી અને હાર્દિક સાંગાણી છે.

Most Popular

To Top