ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી (By-elections to 5 Assembly Seats) માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે (BJP) આ તમામ બેઠકો પર અન્ય પક્ષ છોડીને આવેલા ઉમેદવારોને ટિકિટ આપી છે. કોંગ્રેસ છોડીને આવેલા 4 ઉમદેવારોને જ્યારે એક અપક્ષ ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે. પોરબંદથી અર્જુન મોઢવાડીયા, વિજાપુરથી ચતુરસિંહ ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશની છ વિધાનસભા બેઠકો પર લોકસભાની ચૂંટણી સાથે યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે નવ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપે કોંગ્રેસના તમામ બળવાખોરોને ટિકિટ આપી છે. ધર્મશાલા વિધાનસભા સીટથી સુધીર શર્મા, લાહૌલ-સ્પીતિથી રવિ ઠાકુર, સુજાનપુરથી રાજેન્દ્ર રાણા, બડસરથી ઈન્દ્રદત્ત લખનપાલ, ગાગ્રેટથી ચૈતન્ય શર્મા અને કુટલહારથી દેવીન્દ્ર કુમાર ભુટ્ટોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી 7 મેના રોજ યોજાશે. જ્યારે તેનું પરિણામ 4 જૂનના રોજ બહાર પડશે. ભાજપે અન્ય પક્ષોને છોડી કેસરિયા કરનાર ઉમેદવારોને પાંચ બેઠકો માટે ટિકિટ આપી છે. જણાવી દઈએ કે આ પહેલા અર્જુન મોઢવાડીયા, ચતુરસિંહ ચાવડા, અરવિંદ લાડાણી તેમજ ચિરાગકુમાર પટેલ કોંગ્રેસ સાથે જોડાયા હતા. જ્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવાર હતા. જેઓ બાદમાં ભાજપ સાથે જોડાયા હતા.
ભાજપે સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ લોકસભા ચૂંટણીની સાથે સિક્કિમ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના જણાવ્યા અનુસાર સિક્કિમમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે. સિક્કિમમાં 18 માર્ચે એક નોટિફિકેશન આવશે. 17 એપ્રિલે મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.